બે કરોડની ટિકિટ લઈને સબમરીન દરિયામાં તળિયે પડેલું 'ટાઇટેનિક' કેવી રીતે દેખાડે છે?
વિશ્વના સૌથી વધુ ચર્ચિત જહાજ ટાઇટેનિકનો કાટમાળ જોવા ઍટલાન્ટિક મહાસાગરમાં ગયા બાદ ગુમ થઈ ગયેલી સબમરીનમાં સવાર તમામ પાંચ લોકોનાં મોત થયાં છે.
અમેરિકાના કોસ્ટ ગાર્ડે સબમરીનમાં સવાર પાંચ લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. કોસ્ટ ગાર્ડના ઍડ્મિરલ જૉન મૉગરે જણાવ્યું છે કે સબમરીનના પાંચ ભાગ ટાઇટેનિક જહાજના કાટમાળના આગળના ભાગથી 1600 ફૂટ નીચે મળ્યા છે.
સબમરીન ટાઇટનનો મુખ્ય જહાજ સાથેનો સંપર્ક તૂટી ગયા તેના શોધકાર્યમાં જોડાયેલા અમેરિકન કોસ્ટ ગાર્ડે સબમરીનમાં મોટા વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો.
સબમરીનમાં પાકિસ્તાની અબજોપતિ શહઝાદા, દાઉદ, તેમના પુત્ર સુલેમાન, બ્રિટિશ બિઝનેસમૅન હૅમિશ હાર્ડિંગ, આ સબમરીનનું સંચાલન કરતી કંપની ઑશનગેટના સીઈઓ સ્ટોકટન રશ અને ફ્રેન્ચ ઍક્સપ્લોરર પોલ ઓનરી નાર્જેલેટ સહિતના પાંચ લોકો હતા.
દાઉદ પરિવારે 48 વર્ષીય શાહજાદા અને તેમના 19 વર્ષના પુત્ર સુલેમાનના નિધન પર શોક જાહેર કર્યો છે. સબમરીનમાં રહેલા હૅમિશ હાર્ડિંગના પરિવારે પણ તેમના મૃત્યુનો શોક વ્યક્ત કર્યો છે.
સબમરીન ટાઇટનમાં પાંચ લોકો 1912માં ઍટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયેલું ટાઇટેનિક જહાજ જોવા માટે ગયા હતા.
ગુરુવારે યુએસ કોસ્ટ ગાર્ડે કહ્યું હતું કે રિમોટ ઓપરેટેડ વ્હીકલ- આરઓવીને ટાઇટેનિકની નજીકના સર્ચ વિસ્તારમાં જગ્યાએ થોડો કાટમાળ મળ્યો હતો.
ડાઈવિંગ એક્સપર્ટ ડેવિડ મિઅરન્સ પાસેથી મળેલી એક અપડેટ અનુસાર કાટમાળમાં લૅન્ડિંગ ફ્રેમ અને સબમર્સિબલનો પાછળનો ભાગ પણ મળી આવ્યો હતો.
ન્યૂફાઉન્ડલૅન્ડના દરિયા કિનારા નજીક સમુદ્રના પેટાળમાં પડેલો ટાઇટેનિકનો કાટમાળ દેખાડવા આ સબમરીન કેટલાક લોકોને લઇને રવિવારે રવાના થઈ હતી.
સબમરીન શોધવાના કામમાં આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ જોડાઈ હતી. અમેરિકન કોસ્ટ ગાર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ બચાવ અભિયાન અત્યંત જટિલ હતું.
યુએસ નેવીએ કહ્યું છે કે સબમરીન ટાઇટનનો સપાટી સાથેનો સંપર્ક તૂટી ગયો તે પછી તરત જ અમે "વિસ્ફોટના કારણે અવાજમાં થતી ગડબડ" કઈ રીતે થાય એ શોધી કાઢ્યું હતું.
બીબીસીની અમેરિકન સહયોગી સમાચાર સંસ્થા સીબીએસે આ માહિતી આપી છે.
યુએસ નેવીએ સબમરીન સર્ચ ઓપરેશનમાં લાગેલા યુએસ કોસ્ટ ગાર્ડને આ માહિતી આપી હતી. તેના આધારે કોસ્ટ ગાર્ડે સર્ચ ઓપરેશનનો વિસ્તાર મર્યાદિત કરી દીધો હતો જેથી સબમરીનનું ચોક્કસ લોકેશન જાણી શકાય.
પહેલા એવા સમાચાર હતા કે અંદરથી સબમરીનને જોરથી ઠપકારવાનાં અવાજો આવી રહ્યા છે. પરંતુ પાછળથી જાણવા મળ્યું કે આ અવાજ ત્યાં હાજર અન્ય જહાજોમાંથી આવી રહ્યો હતો. ટાઇટનનો કાટમાળ મળે તે પછી તલાશી અભિયાનમાં રહેલા લોકો એ જાણવાનો પ્રયાસ કરશે કે ટાઇટન સાથે આ અકસ્માત કેવી રીતે થયો.
સર્ચ ઑપરેશનના લોકોએ જણાવ્યું કે તેમાં એક ભયંકર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટની વાત સંભવતઃ એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે કાટમાળ બે ભાગમાં મળી આવ્યો હતો. એક તેના પાછળના ભાગનો કાટમાળ હતો અને બીજો લેન્ડિંગ ફ્રેમનો હતો. આ કારણે એવી આશંકા છે કે ટાઇટન બે ભાગમાં તૂટી ગયું છે.
બ્રિટનની રોયલ નેવીના ભૂતપૂર્વ સબમરીન કૅપ્ટન રેયાન રામસેનું કહેવું છે કે ટાઇટનનું શું થયું તે હવે જાણી શકાશે. પણ શું આ અકસ્માત અટકાવી શકાયો હોત?
તપાસ ટીમ હવે ટાઇટનનો તમામ કાટમાળ એકત્ર કરવાનો પ્રયાસ કરશે જેથી વાસ્તવિકતા જાણી શકાય.
કોણ છે ટાઇટનમાં સવાર પાંચ લોકો?
હૅમિશ હાર્ડિંગ
58 વર્ષીય હૅમિશ હાર્ડિંગ બ્રિટિશ અબજોપતિ છે. સંયુક્ત આરબ અમીરાતમાં સ્થિત હૅમિશ હાર્ડિંગ એક્શન ગ્રૂપના સ્થાપક અને એક્શન એવિએશનના ચૅરમૅન છે.
કેમ્બ્રિજમાંથી નેચરલ સાયન્સ અને કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર હૅમિશ પહેલેથી જ સ્પેસ અને એવિએશન સૅક્ટરમાં રસ ધરાવે છે.
હાર્ડિંગ 'ધ એક્સપ્લોરર્સ' ક્લબના સભ્ય છે, જે સંશોધકો અને વૈજ્ઞાનિકોની જાણીતી આંતરરાષ્ટ્રીય ક્લબ છે.
સ્કૉકટન રશ
સબમરીન પર સવાર અન્ય મુસાફરોમાં સ્કૉકટન રશનો સમાવેશ થાય છે, જેઓ ઑશનગેટ કંપનીના ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. આ કંપની ભાડા પર તથા વૈજ્ઞાનિક સંશોધન માટે સબમરીન પૂરી પાડે છે.
ઊંડા સમુદ્રમાં કામ કરતા લોકોમાં જાણીતું નામ બની ગયેલા રશે પોતાની કારકિર્દીની શરૂઆત આકાશમાંથી કરી હતી. તેઓ 1981માં માત્ર 19 વર્ષની ઉંમરે વિશ્વના સૌથી યુવા ટ્રાન્સપૉર્ટ જેટ પાઇલટ બન્યા હતા.
શાહઝાદા દાઉદ અને તેમના પુત્ર સુલેમાન દાઉદ
દાઉદ પરિવારે એક નિવેદન જારી કરીને પુષ્ટિ કરી કે શાહઝાદા દાઉદ અને તેમના 19 વર્ષીય પુત્ર સુલેમાન દાઉદ સબમરીનમાં સવાર હતા.
48 વર્ષીય શાહઝાદા દાઉદ બ્રિટિશ બિઝનેસમૅન છે અને પાકિસ્તાનના સૌથી ધનિક પરિવારોમાંથી એક છે.
શાહઝાદા દાઉદ તેમનાં પત્ની ક્રિસ્ટીન અને બાળકો સુલેમાન અને અલીના સાથે સાઉથ લંડનમાં રહે છે.
દાઉદ કૅલિફોર્નિયામાં SETI સંસ્થાના સભ્ય છે અને એન્ગ્રો કૉર્પોરેશન સહિત અનેક કંપનીઓમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.
પૉલ ઑનરી નાર્ઝેલેટ
પ્રતિષ્ઠિત ફ્રેન્ચ સંશોધક પૉલ ઑનરી નાર્ઝેલેટ પાણીની અંદર થતાં સંશોધનોની દુનિયામાં એક મોટું નામ માનવામાં આવે છે.
ફ્રેન્ચ નૌકાદળના ભૂતપૂર્વ કમાન્ડર રહી ચૂકેલા નાર્ઝેલેટ 'ફ્રૅન્ચ ઇન્સ્ટિટ્યૂટ ફૉર રિસર્ચ ઍન્ડ ઍક્સ્પ્લૉઇટેશન ઑફ ધ સી' સાથે જોડાયા. માત્ર એક વર્ષ પછી, નાર્ઝેલેટે ટાઇટેનિકના અવશેષો એકત્રિત કરવા માટે અભિયાનનું નેતૃત્વ કર્યું.
2010માં તેમણે એક એવા અભિયાનનું નેતૃત્વ કર્યું જેણે પ્રથમ વખત હાઈ-રિઝોલ્યુશન સોનારનો ઉપયોગ કરીને ટાઇટેનિકના સર્વેક્ષણનો નકશો બનાવ્યો.