chandrayaan-3 | સ્પેસ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતના વધતા જતા દબદબાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે હવે અમેરિકાએ પણ ભારત પાસેથી ટેક્નોલોજી શેર કરવાની માગ શરૂ કરી છે. આ માહિતી અન્ય કોઈએ નહીં પરંતુ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના ચીફ એસ. સોમનાથ (ISRO Chief) પોતે આપી છે. ઈસરોના ચીફે કહ્યું છે કે જ્યારે ચંદ્રયાન-3 મિશન માટે અવકાશયાન વિકસાવવામાં આવી રહ્યું હતું, ત્યારે અમેરિકન નિષ્ણાતોએ સલાહ આપી હતી કે ભારતે આ ટેક્નોલોજી વિશે અમેરિકા સાથે માહિતી શેર કરવી જોઈએ.
ખુદ ઈસરોના પ્રમુખે આપી માહિતી
ઈસરોના પ્રમુખ સોમનાથ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામની 92મી જન્મજયંતિ નિમિત્તે અબ્દુલ કલામ ફાઉન્ડેશનના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે હવે સમય બદલાઈ ગયો છે. ભારત શ્રેષ્ઠ રોકેટ અને અન્ય સાધનો બનાવવામાં સક્ષમ છે. આ જ કારણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાનગી વ્યવસાયો માટે સ્પેસ ફીલ્ડ ખોલી દીધું છે.
ભારત શક્તિશાળી દેશ
તેમણે વધુમાં કહ્યું કે આપણો દેશ ઘણો શક્તિશાળી છે. આપણું જ્ઞાન અને બુદ્ધિનું સ્તર વિશ્વના શ્રેષ્ઠમાંનું એક છે. ઈસરોના વડાએ કહ્યું કે જ્યારે અમે ચંદ્રયાન-3 મિશન માટે સ્પેસક્રાફ્ટને ડિઝાઈન અને વિકસિત કર્યું ત્યારે અમે નાસા-જેપીએલની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના નિષ્ણાતોને આમંત્રિત કર્યા હતા. NASA-JPL એ અમેરિકાનું સૌથી મુશ્કેલ મિશન પાર પાડ્યું છે, જેણે ઘણા મોટા રોકેટ તૈયાર કર્યા છે.
ટીમે મિશન વિશે કહ્યું હતું - બધું જ સારું થશે
એસ સોમનાથે કહ્યું કે ચંદ્રયાન-3 (23 ઓગસ્ટ)ના સોફ્ટ લેન્ડિંગ પહેલા NASA-JPLના લગભગ 5 થી 6 લોકો ઈસરોના (ISRO) હેડક્વાર્ટરમાં આવ્યા હતા. અમારી ટીમે તેમને ચંદ્રયાન-3 વિશે સમજાવ્યું. ટીમે તેમને જણાવ્યું કે આ મિશન કેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું અને અમારા એન્જિનિયરોએ તેને કેવી રીતે બનાવ્યું. અમે તેમને એ પણ જણાવ્યું કે અમે ચંદ્રની સપાટી પર કેવી રીતે ઉતરીશું. બધું સાંભળ્યા પછી તેણે માત્ર 'નો કોમેન્ટ' કહ્યું. નાસા-જેપીએલ (NASA-JPL ) ટીમે કહ્યું કે બધુ જ શાનદાર થવાનું છે.
જેપીએલ લેબોરેટરીમાં મોટા સંશોધન કાર્ય થાય છે
તમને જણાવી દઈએ કે જેપીએલ અથવા નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી (Jet Propulsion Laboratory) એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી છે. તેમાં રિસર્ચ સંબંધિત ઘણું કામ કરવામાં આવે છે. તેને અમેરિકાના નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (National Aeronautics and Space Administration) દ્વારા ફન્ડિંગ કરવામાં આવે છે. અમેરિકામાં કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (CALTECH) દ્વારા તેનું સંચાલન થાય છે.