અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપ બાદ મૃત્યુનો આંકડો સતત વધી રહ્યો છે.
સમાચાર ઍજન્સી એપી અનુસાર તાલિબાનના પ્રવક્તાએ કહ્યું છે કે પશ્ચિમી અફઘાનિસ્તાનમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા બે હજાર થઈ ગઈ છે.
અધિકારીઓનું કહેવું છે કે આ ભૂકંપના કારણે નવ હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ભૂકંપના કારણે બાર ગામમાં ભારે વિશાન સર્જાયો છે. અહીંનાં 465થી વધુ ઘર નષ્ટ થઈ ગયાં છે. અને 135થી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું છે.
રાહત કાર્યની ટીમે આખી રાત કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવવાનું કાર્ય કર્યું.
સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે હજી પણ અનેક લોકો કાટમાળ નીચે દબાયેલા હોઈ શકે છે.
સ્થાનિક પ્રશાસનને આશંકા છે કે જેમ જેમ બચાવ અને રાહત અભિયાન આગળ વઘશે મૃત્યુ પામનારાઓની સંખ્યા વધી શકે છે.
ભૂકંપની તીવ્રતા 6.3ની હતી. શક્તિશાળી ભૂકંપ બાદ લાંબા સમય સુધી તીવ્ર આંચકાઓનો અનુભવ થયો હતો. ભૂકંપથી ઈરાનની સરહદની નજીક હેરાત શહેરની ઈમારતોને પણ નુકસાન પહોંચ્યું છે.અફઘાનિસ્તાનમાં અપૂરતાં મેડિકલ સાધનો છે. જેના કારણે ઘાયલ થયેલા લોકોને સારવાર આપવામાં મુશ્કેલી પડી રહી છે. યુએન સહિતની સંસ્થાઓએ કટોકટીની સ્થિતિમાં મદદ પહોંચાડવાનું શરૂ કર્યું છે.
શનિવારે સ્થાનિક સમય અનુસાર 11 વાગ્યે હેરાત શહેરની ઉત્તર-પશ્ચિમમાં 40 કિલો મીટર દૂર ભૂકંપ આવ્યો હતો.
હેરાત શહેરમાં રહેતા બાશીર અહમદે સમાચાર ઍજન્સી એએફપીને જણાવ્યું કે "અમે અમારી ઑફિસમાં હતા. અને અચાનક ઇમારત હલવાની શરૂં થઈ ગઈ."
"દીવાલોના પ્લાસ્ટર નીચે પડવાના શરૂં થઈ ગયા. અને દીવાલોમાં તિરાડ પડી ગઈ. કેટલીક દીવાલો અને ઇમારતનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો."
તેમણે ઊમેર્યું " હું મારા પરિવારનો પણ સંપર્ક નથી કરી શક્યો. મને તેમની ખૂબ જ ચિંતા છે. તે ખૂબ જ ભયાનક હતું."ભૂકંપથી થયેલા નુકસાનનો અંદાજ મેળવવા તાલિબાનના આરોગ્ય મંત્રી હેરાત શહેરની મુલાકાત લઈ રહ્યા છે.
હેરાત સેન્ટ્રલ હૉસ્પિટલની બહારનાં દૃશ્યોમાં ઇમારતની બાહર લોકોની સારવાર કરાતી હોવાનું દેખાય છે. જે દર્શાવે છે કે સારવાર માટે મદદની સખત જરૂર છે.
બીજા એક ફોટોમાં દેખાઈ રહ્યું છે કે હેરાતના ઇન્જીલ જિલ્લામાં કાટમાળના કારણે રસ્તો બ્લૉક થઈ ગયો છે. જેના કારણે બચાવ કાર્યમાં પણ અવરોધ થઈ રહ્યો છે.
અહીં રહેતા વિદ્યાર્થી અર્સાલાએ સમાચાર ઍજન્સી એએફપીને જણાવ્યું કે "તે સમયે સ્થિતિ અત્યંત ભયાનક હતી. મેં આવી સ્થિતિ પહેલાં ક્યારેય અનુભવી નહોતી." ભૂકંપ બાદ તેમના ક્લાસરૂમમાંથી સુરક્ષિત બહાર નીકળનારા તેઓ છેલ્લા વિદ્યાર્થી હતા.