ગુજરાતમાં તાજેતરમાં ઘણા વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ થયો તો કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો હતો. ભરૂચ અને અંકલેશ્વરના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી.
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ મજબૂત બની અને આગળ વધીને ગુજરાતની પાસે રાજસ્થાન પર આવી જેના કારણે રાજ્યમાં ચોમાસાના છેલ્લા મહિના ગણાતા સપ્ટેમ્બરમાં ખૂબ સારો વરસાદ પડ્યો.
હવે એ સિસ્ટમની કોઈ વધારે અસર ગુજરાત પર થવાની નથી પરંતુ આવનારા દિવસોમાં ફરીથી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા છે.
તાજેતરમાં ગુજરાત પર આવેલા નવા વરસાદી રાઉન્ડમાં સૌથી વધારે વરસાદ પૂર્વ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયો હતો. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થયો પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ ખૂબ ઓછો થયો છે.
હવે ફરીથી વરસાદનું જોર વધશે તેમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વધે તેવી શક્યતા છે. હવામાનનાં કેટલાંક મૉડલ દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે અરબી સમુદ્રમાં હલચલ થાય તેવી શક્યતા છે.
હાલ બંગાળની ખાડી સક્રિય થઈ છે અને તેમાં એક બાદ એક સિસ્ટમ બની રહી છે, જેના લીધે ફરીથી ભારતમાં ચોમાસું સક્રિય થયું છે અને ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયો છે.
હવામાન વિભાગના વેધર પ્રેડિક્શન મૉડલ અનુસાર આવનારા દિવસોમાં અરબી સમુદ્રમાં સિસ્ટમ બને તેવી શક્યતા દેખાઈ રહી છે. જેની અસર ગુજરાતમાં પણ થાય તેવી શક્યતા છે.
ECMWF મૉડલ અનુસાર અરબી સમુદ્રમાં 28-29 સપ્ટેમ્બરની આસપાસ સિસ્ટમ સર્જાય તેવી શક્યતા છે અને તે ગુજરાત તરફ આગળ વધે તેવી સંભવાના દેખાઈ રહી છે.
જોકે, બીજાં કેટલાંક મૉડલો આ હજી સિસ્ટમ સર્જાશે કે નહીં અથવા કઈ તરફ જશે તે મામલે અલગ અલગ માહિતી દર્શાવે છે. જો સિસ્ટમ સર્જાય અને થોડી મજબૂત બને તો તેની અસરના કારણે ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં ચાર-પાંચ દિવસ બાદ ફરીથી વરસાદનું જોર વધે તેવી શક્યતા છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતા છે.
હવામાન વિભાગના બુલેટિન અનુસાર ગુજરાતમાં 26 સપ્ટેમ્બરથી વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થશે એટલે કે વધારે વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ જોવા મળે તેવી શક્યતા છે.
જે બાદના ત્રણથી ચાર દિવસો સુધી રાજ્યમાં વરસાદી ગતિવિધિમાં વધારો થતો જોવા મળશે. હાલ ભારે કે અતિભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. પરંતુ જો અરબી સમુદ્રમાં સિસ્ટમ સર્જાય અને તે ગુજરાત તરફ આવે તો કદાચ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાના છેલ્લા દિવસો વરસાદી માહોલમાંથી પસાર થાય તેવી શક્યતા છે. ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં છેલ્લા દોઢ મહિનાથી વરસાદ નથી અને પિયતના આધારે પાક ઊભો છે.