"અમને નથી ખબર કે આ કેવી રીતે થઈ ગયું?" આ ઇઝરાયલી અધિકારીઓની પ્રતિક્રિયા છે. જ્યારે મેં આજે પૂછ્યું કે આટલાં બધાં સાધનોથી સજ્જ ઇઝરાયલી ઇન્ટેલિજેન્સ આ હુમલાને જોઈ કેમ ન શક્યું? શનિવારે સવારે જ્યારે ગાઝા પટ્ટીથી ઇઝરાયલ પર હજારો રૉકેટનો હુમલો કરાઈ રહ્યો હતો તે જ સમયે અનેક પેલેસ્ટાઈનના ફાઇટર ગાઝા પટ્ટી અને ઇઝરાયલ વચ્ચે ભારે સુરક્ષાવાળી સરહદને પાર કરવામાં સફળ રહ્યા. ઇઝરાયલની ડૉમેસ્ટિક તપાસ એજન્સી શિન બેત, વિદેશોમાં જાસૂસી કરનારી ગુપ્તચર એજન્સી મોસાદ અને શક્તિશાળી ઇઝરાયલ સેના હોવા છતાં કોઈને આ હુમલાનો અણસાર પણ ન આવ્યો. અથવા તો તેમને ખબર પડી, પણ તો તેને રોકવા માટે કંઈ કરી ન શક્યા.
એ મનાઈ રહ્યું છે કે પશ્ચિમ એશિયામાં ઇઝરાયલની પાસે સૌથી વ્યાપક અને સંસાધનોથી સજ્જ ઇન્ટેલિજેન્સ એજન્સી છે.
ઇઝરાયલની ગુપ્તચર એજન્સીના એજન્ટો પેલેસ્ટાઈનના ચરમપંથી સમૂહો સિવાય લેબનન, સીરિયા સહિતની જગ્યાએ ઉપસ્થિત છે.
ભૂતકાળમાં ઇઝરાયલની આ એજન્સીએ ચરમપંથી નેતાઓની સટીક રીતે હત્યાઓ કરી છે અને તેમને દરેક હલચલની ઊંડી જાણકારી હોય છે.
હવે એજન્ટ કોઈ ટાર્ગેટ કાર પર જીપીએસ ટ્રેકર લગાવી દે તો તેને ડ્રોનથી નિશાન પણ બનાવાય છે. અનેક વાર તો વિસ્ફોટક મોબાઇલ ફોનનો ઉપયોગ પણ કરાય છે.
જમીની સુરક્ષા પણ ચાંપતી હોય છે. ગાઝા અને ઇઝરાયલ વચ્ચેની સરહદ પર મજબૂત વાડ છે. ત્યાં કૅમેરા પણ છે. ગ્રાઉન્ડ મોશન સેન્સર પણ છે અને સેનાનું સતત પેટ્રોલિંગ થાય છે.
દીવાલો પર કાંટાવાળા તાર લગાવેલા છે, જ્યાં આવી ઘૂસણખોરીની શક્યતા ઘટી જાય છે. જેવી આ વખતે થઈ છે.
પણ હમાસના ફાઇટરોએ આ દીવાલોને બુલડોઝરથી તોડી પાડી. તારોને કાપી નાખ્યા અને તેઓ સમુદ્રના રસ્તે પેરાગ્લાઈડરની સહાયતાથી ઇઝરાયલમાં ઘૂસી ગયા.
ઇઝરાયલીઓના નાક નીચે એટલા મોટા પ્રમાણમાં અને એવા તાલમેળ સાથે જટિલ હુમલો થયો જેમાં હજારો રૉકેટ ફાયર કરાયાં. જેનાથી લાગે છે કે હમાસે સૈન્ય કાર્યવાહીનું અસાધારણ સ્તર અપનાવ્યું હતું.
એ નવાઈની વાત નથી કે ઇઝરાયલનું મીડિયા પોતાના દેશની સેના અને રાજકીય નેતૃત્વને સવાલ કરી રહ્યું છે કે ઑક્ટોબર 1973માં યોમ કિપુર યુદ્ધમાં થયેલા આ પ્રકારના આશ્ચર્યજનક હુમલાની 50મી વર્ષગાંઠ પર આ હુમલો કેવી રીતે થયો.
ઇઝરાયલી અધિકારીઓએ મને કહ્યું કે એક મોટી તપાસ શરૂ થઈ ગઈ છે અને 'આ સવાલ વર્ષો સુધી રહેશે.'
પણ ઇઝરાયલ પાસે આ વખતે તેના કરતાં પણ વધુ જરૂરી કામ છે. તેણે પોતાની દક્ષિણી સરહદથી ઘૂસણખોરોને દબોચી લેવાના છે અને સરહદ પર બેરિકેટ કરીને હમાસના ચરમપંથીઓના કબજામાં રહેલા અનેક સમુદાયોને છોડાવવાના છે.