જાન્યુઆરીનો એ મહિનો હતો. 21 વર્ષીય યુવક વિજય રાજ (નામ બદલાવેલ છે) અતિશય પરેશાન અને ચિંતાતુર હતા.
તેઓ બે વાર નીટની પરીક્ષા આપી ચૂક્યા હતા અને મે મહિનામાં ત્રીજી વખત પરીક્ષા આપવાના હતા. તેમને અસફળતાનો ડર કોરી ખાતો હતો.
લાંબા સમયથી તેમના માટે ફિઝિક્સ માથાનો દુખાવો બની ચૂક્યું હતું. એ સિવાય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટે લીધેલી ઇન્ટરનલ પરીક્ષામાં પણ ખરાબ પ્રદર્શનને કારણે તેમના આત્મવિશ્વાસ પર અસર પડી હતી.
વિજય એક ખેડૂત પરિવારમાંથી આવે છે. તેઓ તણાવ, ચિંતા અને છાતીમાં દુખાવાથી પરેશાન હતા. ઘણી વાર તેઓ આ બધી મુશ્કેલીમાંથી પોતાનું ધ્યાન હઠાવવા માટે મોબાઇલ પર રીલ્સ કે શોર્ટ્સ જોતા જેના કારણે તેમનો વધુ સમય બરબાદ થતો હતો. એટલા માટે તેમણે ઘણી વાર તેમના ઘરે પણ ટેસ્ટમાં ખરાબ પ્રદર્શન અંગે ખોટું બોલ્યું હતું.
કોટામાં ઘણાં વર્ષોથી અભ્યાસ કરી રહેલા વિજયે કહ્યું કે, “માનસિક દબાવની પરિસ્થિતિમાં પહેલી વાર મને આત્મહત્યાનો વિચાર આવ્યો હતો. મેં આ વિશે મારાં માતાપિતાને કહ્યું ન હતું. હું નહોતો ઇચ્છતો કે તેઓ ચિંતા કરે.”
પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે એક વાર તેઓ આત્મહત્યાની અત્યંત નજીક પહોંચી ગયા.
તેમણે કહ્યું, “મને એવું લાગ્યું કે મારી પાસે હવે કોઈ વિકલ્પ નથી. મને લાગતું હતું કે મેં મારા પરિવારના પૈસા બરબાદ કરી દીધા છે. તેમની આબરુ ધૂળધાણી કરી દીધી છે.”
નીટમાં તેઓ ત્રીજી વાર પણ સફળ થઈ શક્યા નહીં.
સંતાનો કોઈ મોટી એન્જિનિયરિંગ કે મેડિકલ કૉલેજમાં એડમિશન લે એ ભારતીય પરિવારો માટે ગર્વની વાત હોય છે પરંતુ તેમની નિષ્ફળતાને બહુ ખરાબ નજરે જોવામાં આવે છે.
અભિનેત્રી દીપિકા પાદુકોણે તેમના ડિપ્રેશનની પરિસ્થિતિ વિશે જાહેરમાં વાત કરી હતી.
વિજયને તેમાંથી પ્રેરણા મળી હતી અને સામાજિક બંધનોને નજરઅંદાજ કરીને તેમણે એક મનોચિકિત્સકનો સંપર્ક કરવાનું વિચાર્યું. આજે તેઓ ઘણી સારી અવસ્થામાં છે.
પરંતુ 18 વર્ષીય આદર્શ રાજ એટલા ભાગ્યશાળી ન હતા. તેઓ ડૉક્ટર બનવા માગતા હતા. ખેતી સાથે જોડાયેલો તેમનો પરિવાર અંદાજે 900 કિલોમીટર દૂર બિહારમાં રહે છે. આદર્શના મૃત્યુ પછી તેમનો પરિવાર આઘાતમાં છે.
તેમના કાકા હરિશંકર પ્રસાદ સિંહે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસથી તેમના ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવી રહ્યા હતા.
તેઓ કહે છે, “અમને લાગે છે કે રિઝલ્ટમાં ઓછા માર્ક્સ આવવાના કારણે ડિપ્રેશનમાં આવીને તેણે આવું પગલું ભર્યું હતું. તેનો સ્વભાવ આવો ન હતો. પરંતુ સારા લોકો પણ ક્યારેક તેમના માર્ગ પરથી વિચલિત થઈ જાય છે. પરંતુ સમસ્યાનું સમાધાન આત્મહત્યા તો નથી જ. જેઓ નીટની પરીક્ષા આપે છે તેઓ બધા ડૉક્ટર બનતા નથી.
પોલીસના જણાવ્યા અનુસાર કોટામાં છેલ્લાં 10 વર્ષમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ પોતાનો જીવ લીધો છે. આ વર્ષે અત્યાર સુધીમાં 25 વિદ્યાર્થીઓનાં મોત થયાં છે, જે અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે. ગયા વર્ષે આ આંકડો 15 હતો.
એક વિશ્લેષણ અનુસાર, માર્યા ગયેલા મોટા ભાગના પુરુષ વિદ્યાર્થીઓ હતા જેઓ નીટની તૈયારી કરી રહ્યા હતા. ઘણા વિદ્યાર્થીઓ ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગના પરિવારોમાંથી હતા.
આંકડાઓ અનુસાર, કોટામાં મોટા ભાગના વિદ્યાર્થીઓની ઉંમર 15થી 17 વર્ષની વચ્ચે છે. તેમના પરિવારજનોની અપેક્ષાઓ, દરરોજ 13-14 કલાકનો અભ્યાસ અને ટૉપર્સ સાથેની ગળાકાપ સ્પર્ધાના દબાણ સાથે શહેરમાં એકલા રહેવું તેમના માટે જરાય સરળ નથી.
આદર્શના કાકાના કહેવા પ્રમાણે તેણે કોટાની આત્મહત્યાઓ વિશે ક્યારેય સાંભળ્યું ન હતું અને તેમણે ક્યારેય આદર્શ પર કોઈ દબાણ કર્યું ન હતું.
સરકારી આંકડાઓ અનુસાર ભારતમાં વર્ષ 2021માં લગભગ 13 હજાર વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આ આંકડો વર્ષ 2021ના આંકડા કરતા 4.5 ટકા વધુ છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન અનુસાર, દર વર્ષે અંદાજે સાત લાખ લોકો આત્મહત્યા કરે છે અને 15-29 વર્ષની વયના લોકોમાં આત્મહત્યા મૃત્યુનું ચોથું સૌથી મોટું કારણ છે.