ગુજરાતમાં આ મહિનાના અંત સુધી હજી વરસાદી માહોલ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાત પર એક સિસ્ટમ બની હોવાથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
એક તરફ ચોમાસું વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે અને બીજી તરફ દેશના ઘણા વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય શરૂ થાય તે માટેની સ્થિતિ અનુકૂળ જણાઈ રહી છે.
તાજેતરમાં જ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો, જે બાદ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલી રહ્યો છે.
ચોમાસાનો આ છેલ્લો મહિનો છે અને સામાન્ય રીતે 17 સપ્ટેમ્બરની આસપાસથી ચોમાસું વિદાય લેવાનું શરૂ કરતું હોય છે. પરંતુ આ વર્ષે તેની વિદાય થોડી મોડી થશે. રાજસ્થાન બાદ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે અને ત્યારબાદ દેશનાં અન્ય રાજ્યોમાંથી.
ગુજરાતમાં હજી કેટલાક વિસ્તારોમાં પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે રાજ્યમાં 30 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
25થી 27 સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી સંભાવના છે અને ત્યાર બાદ વરસાદનું પ્રમાણ ઘટવાનું શરૂ થઈ જશે. જોકે, છુટોછવાયો વરસાદ રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધી ચાલે તેવી શક્યતા છે.
આ પહેલાં ગુજરાતની પાસેથી રાજસ્થાન પરથી મજબૂત સિસ્ટમ પસાર થઈ હોવાને કારણે તાજેતરમાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
હજી પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની જરૂરિયાત છે અને હવે જો વરસાદ નહીં થાય તો તેની અસર આવનારા રવિ પાક પર પડે તેવી સંભાવના છે.
એક તરફ ચોમાસું હવે પૂરું થવા જઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં બનનારી નવી સિસ્ટમ પણ ગુજરાત તરફ આવે તેવી શક્યતા ખૂબ ઓછી છે, ત્યારે વરસાદની જ્યાં ખેંચ છે તેવા વિસ્તારોમાં સ્થિતિ કઠીન બની શકે છે.
હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે પૂર્વ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જ વરસાદ પડે તેવી સંભાવના છે.
25થી 27 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાત, પૂર્વ, ગુજરાત મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે.
જ્યારે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર તથા સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોને બાદ કરતાં બાકીના જિલ્લામાં વરસાદની શક્યતા જણાઈ રહી છે.
28 સપ્ટેમ્બર બાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટવાનું શરૂ થઈ જશે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે.
કેટલાક વિસ્તારોમાં હળવો તથા કેટલાક વિસ્તારોમાં મધ્યમ પ્રકારનો વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આ મહિનાના અંત બાદ જો કોઈ નવી સિસ્ટમ સર્જાય નહીં તો રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થાય તેવી સંભાવના છે.
હવામાન વિભાગનું કહેવું છે કે પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી આજથી જ ચોમાસાની વિદાયની શરૂઆત થવાની શક્યતા છે.
આ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ નથી અને અહીં એન્ટિ-સાયક્લૉન બની રહ્યું હોવાને કારણે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે.
ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળમાંથી અને વિદાય રાજસ્થાનમાંથી થતી હોય છે. આ વર્ષે ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં એક અઠવાડિયું મોડું છે.
ગુજરાતમાં સૌપ્રથમ કચ્છ, ત્યારબાદ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થતી હોય છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી છેલ્લે ચોમાસું પૂરું થતું હોય છે.
આ વર્ષે ગુજરાતમાં સરેરાશ સારો વરસાદ પડ્યો છે પરંતુ વચ્ચે ઑગસ્ટ મહિનામાં વરસાદ ના પડતાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં આવનારા સમયમાં સ્થિતિ કપરી બનવાની શક્યતા છે.