ભારતમાં આયોજિત વનડે વર્લ્ડકપ 2023માં બાંગ્લાદેશ સામેની મૅચમાં ભારતીય ટીમ જીત નોંધાવી વર્લ્ડકપમાં જીતનો સિલસિલો જાળવી રાખવામાં સફળ રહી હતી.
પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશન ગ્રાઉન્ડમાં યોજાયેલ મૅચમાં બાંગ્લાદેશે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરીને ભારત સામે 257 રનનો ટાર્ગેટ મૂક્યો હતો.
જે ભારતીય ટીમે ભૂતપૂર્વ કપ્તાન વિરાટ કોહલીની સદીને બળે ખૂબ સરળતાથી હાંસલ કરી લીધું હતું.
ભારતીય ટીમે 42મી ઓવરમાં જ લક્ષ્ય પૂરું કરી લીધું હતું.
વિરાટ કોહલીએ જીત માટે મહત્ત્વપૂર્ણ એવી 103 રનની અણનમ ઇનિંગ રમી હતી.
આ વર્લ્ડકપમાં તેમની 48મી સદી હતી. હવે તેમની આગળ વનડેમાં સદીના મામલામાં માત્ર સચીન તેંડુલકર રહ્યા છે, જેમણે 49 સદી નોંધાવી છે.
આ મૅચમાં વિરાટના 26 હજાર રનેય પૂરા થયા છે, વિરાટ કોહલીએ 567 ઇનિંગમાં આ મુકામ હાંસલ કર્યો હતો. જ્યારે સચીન તેંડુલકરે 601 ઇનિંગમાં 26 હજાર રન પૂરા કર્યા હતા.
આ સાથે જ તેઓ સચીન તેંડુલકરને વટાવીને સૌથી ઝડપી 26 હજાર રન પૂરા કરનાર ખેલાડી બની ગયા છે.
આ મૅચમાં તેમની સદી પહેલાં સાથી બૅટ્સમૅન કે. એલ. રાહુલ સાથે કંઈક એવી વાતચીત થયેલી જેણે ચર્ચા જગાવી હતી.
મૅચ અને ભારતની ઇનિંગ બંને અંતિમ તબક્કામાં હતી. આ દરમિયાન વિરાટ કોહલીની સાથે સામે છેડે કે. એલ. રાહુલ હતા.
ઇનિંગના નિર્ણાયક એવા અંત ભાગમાં જીત માટે અમુક જ રનની જરૂર હતી અને કોહલી હજુ સદીથી દૂર હતા.
અંતે એવું જોવા મળ્યું કે કોહલી જીત માટે સિંગલ સ્કોર કરવાની તમામ તકો છોડી રહ્યા હતા, જ્યારે જીત સુનિશ્ચિત કરવા માત્ર બાઉન્ડરી ફટકારવા પર મદાર રાખી રહ્યા હતા. જોનારને આ વ્યૂહરચના સ્ટ્રાઇક જાળવી રાખવા માટેની લાગે એ સ્વાભાવિક છે.
કોહલીના વલણને લઈને અને મેદાનમાં મૅચના નિર્ણાયક તબક્કામાં કે. એલ. રાહુલ સાથે થયેલી તેમની વાતચીતે આ વ્યૂહરચના પાછળનું કારણ અને એ સમયની કોહલીની મન:સ્થિતિ જણાવી હતી.
જીત બાદ પોસ્ટ મૅચ ઍનાલિસીસમાં કે. એલ. રાહુલે જણાવ્યું કે મૅચમાં કોહલીનું વલણ ‘વ્યાવહારિક’ હતું.
કોહલી વિચારી રહ્યા હતા કે વર્લ્ડકપની મૅચમાં ‘અંગત સિદ્ધિને પ્રાધાન્ય આપવાની વાત સારી નહીં લાગે.’
કે. એલ. રાહુલે કહ્યું, “એ મૂંઝવણમાં હતો. તે કહી રહ્યો હતો કે, ‘સિંગલ નહીં લઈએ તો એ ખરાબ દેખાશે, કારણ કે આ એક વર્લ્ડકપ મૅચ છે. એક મોટું સ્ટેજ છે. અને હું વ્યક્તિગત સિદ્ધિ હાંસલ કરવા માગતો હોઉં એવી રીતે મારી જાતને બતાવવા માગતો નથી.’”
“પરંતુ મેં કહ્યું કે અમે મૅચ જીત્યા નથી પરંતુ સરળતાથી જીતી લઈશું અને જો તું સિદ્ધિ હાંસલ કરી શકે, તો કેમ નહીં. તારે કોશિશ જરૂર કરવી જોઈએ.”
રાહુલે કહ્યું કે, “અને અંતે તેણે એવું જ કર્યું અને આમેય હું સિંગલ દોડવાનો નહોતો.”
મૅચની 42મી ઓવરમાં ભારતને જીત માટે બે રનની જરૂર હતી અને કોહલી 97 રને સ્ટ્રાઇક પર હતા.
બાંગ્લાદેશના બૉલર નસૂમ અહમદે પ્રથમ બૉલ શૉર્ટ પિચ કર્યો જે લેગ સાઇડમાં ગયો.
કોહલી તેને રમવા જઈ રહ્યા હતા, પરંતુ અંતે તેમણે બૉલને જવા દીધો. તેઓ ખુશ નહોતા. કારણ કે એ તેમને એ વાઇડ બૉલ લાગી રહ્યો હતો. પરંતુ અમ્પાયરે આ બૉલ વાઇડ આપ્યો નહોતો.
એ પછીના બીજા બૉલે કોહલીએ બૉલને લૉન્ગ ઑન પર રમ્યો પરંતુ રન ન આવ્યો.
અંતે બાંગ્લાદેશના બૉલર નસૂમ અહમદના ફુલટૉસને છગ્ગા માટે બાઉન્ડરી પાર પહોંચાડીને તેમણે ભારતને જીત અપાવવાની સાથોસાથ 97 બૉલમાં પોતાની સદીય પૂરી કરી લીધેલી.
મૅચ પૂરી થતાં કે. એલ. રાહુલેય 34 રને અણનમ રહ્યા હતા.
આ વર્લ્ડકપમાં કોહલીની ત્રીજી સદી છે.
વિરાટે આઠ વર્ષ બાદ વર્લ્ડકપમાં સદી નોંધાવી છે.
છેલ્લે વિરાટે વર્ષ 2015માં પાકિસ્તાન વિરુદ્ધ સદી નોંધાવી હતી. આ ઇનિંગ દરમિયાન વિરાટે વર્લ્ડકપમાં 1,200 રનેય પૂરા કર્યા. પોતાની આ ઇનિંગ દરમિયાન વિરાટ કોહલી ક્રિકેટમાં સૌથી ઝડપથી 26 હજાર રન પૂરા કરનારા બૅટ્સમૅન બન્યા.
આ અગાઉ ઓપનર બૅટ્સમૅન શુભમન ગિલે વર્લ્ડકપમાં અર્ધ સદી નોંધાવી તેમજ કપ્તાન રોહિત શર્માએ 48 રનની ઇનિંગ રમી.
રોહિત શર્મા અને શુભમન ગિલે ભારતીય ઇનિંગની દમદાર શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે 88 રનની ભાગીદારી નોંધાવી.
શુભમન ગિલને મેંહદી હસને આઉટ કર્યા. તેમજ રોહિત શર્માને હસન મહમૂદે આઉટ કર્યા. પોતાના 40 રનની ઇનિંગમાં રોહિતે બે છગ્ગા અને સાત ચોગ્ગા ફટકાર્યા.
ભારતીય ઇનિંગમાં કે. એલ. રાહુલે અણનમ 34 રન બનાવ્યા, તેમજ શ્રેયસ અય્યરે 19 રન કર્યા.
હવે ભારતની આગામી મૅચ 22 ઑક્ટોબરના રોજ પૉઇન્ટ ટેબલમાં નંબર-1ના સ્થાને રહેલી ન્યૂઝીલૅન્ડની ટીમ સાથે થશે.