ગુજરાતમાં લાંબા સમયથી ચર્ચામાં રહેલો ‘ગુજરાત કૉમન યુનિવર્સિટી ઍક્ટ-2023’ હવે વિપક્ષો અને અધ્યાપકોના વિરોધ વચ્ચે પણ કાયદો બની ચૂક્યો છે.
16મી સપ્ટેમ્બરે આ બિલ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું.
જોકે, ડ્રાફ્ટમાં થોડા સુધારાઓ સાથે આ બિલનું નામ પણ બદલવામાં આવ્યું હતું અને તે હવે ‘ગુજરાત પબ્લિક યુનિવર્સિટી ઍક્ટ-2023’ તરીકે ઓળખાશે.
આ બિલનો વિપક્ષો કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભારે વિરોધ કર્યો છે.
અલગ-અલગ જિલ્લાઓમાં પણ કેટલાક અધ્યાપકો, નિવૃત્ત અધ્યાપકો અને શિક્ષણવિદોએ આ બિલનો વિરોધ કર્યો હતો. અનેક શહેરોમાં કલેક્ટરને આવેદનપત્રો પણ આપવામાં આવ્યાં હતાં.
જોકે આ બિલને "નિર્ણાયક નેતૃત્વમાં ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણના નવયુગનો શુભારંભ" તરીકે ગણાવાઈ રહ્યું છે.
સરકાર અનુસાર, વિદ્યાર્થીઓનાં હિત તથા તેમને ગુણવત્તાયોગ્ય શિક્ષણ પ્રદાન કરવા માટે વિશેષ પરિવર્તન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત યુનિવર્સિટીના સંચાલન અને વ્યવસ્થાપન માટે બોર્ડ ઑફ મૅનેજમૅન્ટ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને ઍકેડૅમિક કાઉન્સિલ મહત્ત્વની ભૂમિકા ભજવશે.આ બિલ પસાર થવાને કારણે તમામ યુનિવર્સિટીઓના ચાન્સેલર(કુલાધિપતિ) તરીકે હવે રાજ્યના રાજ્યપાલ રહેશે. જોકે, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચાન્સેલરપદે વડોદરાનાં રાજવી પરિવારના શુભાંગિની રાજે ગાયકવાડ જ રહેશે.
નવા કાયદામાં વાઇસ ચાન્સેલરની ટર્મ ત્રણથી વધારીને પાંચ વર્ષ કરી દેવામાં આવી છે. તેઓ વધુમાં વધુ 65 વર્ષની ઉંમર સુધી જ આ પદ પર રહી શકશે. નવા કાયદા પ્રમાણે વાઇસ ચાન્સેલરને બીજી ટર્મ મળી શકશે નહીં પરંતુ અન્ય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરપદે તેમની નિમણૂક થઈ શકે છે.
આ કાયદાના પ્રકરણ-4 ‘યુનિવર્સિટીના અધિકારીમંડળો’ પ્રમાણે સંચાલક મંડળ એ યુનિવર્સિટીની મુખ્ય કારોબારી રહેશે અને અંતિમ નિર્ણય લેનારું સત્તામંડળ એ જ હશે. સંચાલક મંડળના અધ્યક્ષપદે કુલપતિ જ રહેશે અને લગભગ તમામ સભ્યોની નિમણૂકમાં તેમનો જ હાથ ઉપર રહેશે.
આ સિવાય ઍકેડૅમિક કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના અધ્યક્ષપદે પણ કુલપતિ જ રહેશે અને સિનિયોરિટીને ધ્યાનમાં રાખીને આ કાઉન્સિલોના મોટા ભાગના સભ્યોની નિમણૂક તેઓ જ કરશે.
પરંતુ આ કાયદા હેઠળ રાજ્ય સરકારે જ નીમેલા કુલાધિપતિ અને કુલપતિઓ હેઠળ જ આ નિમણૂક થશે તો એમાં પારદર્શિતા કઈ રીતે જળવાશે એવા સવાલો વિપક્ષો ઉઠાવી રહ્યા છે.
જોકે ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલ કહે છે, “ગુજરાતની યુનિવર્સિટીઓના સંચાલનમાં એકરૂપતા આવે તે માટેનો આ પ્રયાસ છે. સંચાલન, વહીવટી પ્રણાલી અને પરીક્ષા પદ્ધતિ આ ત્રણેયમાં સરળતા અને એકરૂપતા આવે તેના માટે આ બિલ લાવવામાં આવ્યું છે.”
“કુલપતિની ટર્મમાં પણ વધારો કરવામાં આવ્યો છે, કારણ કે જે તે વ્યક્તિની વહીવટી કાર્યક્ષમતા અને અનુભવનો લાભ મળે.”
કૅબિનેટ મંત્રી અને સરકારના મુખ્ય પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે "આ બિલની તમામ જોગવાઈઓથી આપણી આ યુનિવર્સિટીઓને જરૂરી સ્વાયત્તતા મળશે અને આ સ્વાયત્તતા સ્વચ્છંદતામાં ન પરિણમે તેનું પૂરું ધ્યાન રાખ્યું છે."
બિલના કેટલાક મુખ્ય મુદ્દાઓ વિશે આપણે આ લેખમાં વિગતવાર ચર્ચા કરીશું.