મધ્યપ્રદેશની ધાર્મિક નગરી ઉજ્જૈનમાં 25 સપ્ટેમ્બરે એક સગીરા પર બળાત્કારનો મામલો સામે આવ્યો હતો.
સોમવારે સાંજે મહાકાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બડનગર રોડ પર દાંડી આશ્રમ પાસે સગીરા ઘાયલ મળી આવી હતી. તેના કપડાં લોહીથી લથપથ હતાં.
આ અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, "આ બાળકી અધૂરા ફાટેલાં કપડાંમાં લગભગ અઢી કલાક સુધી સાંવરખેડી સિંહસ્થ બાયપાસની કૉલોનીઓમાં ભટકતી રહી પરંતુ તેને સ્થાનિક લોકો તરફથી કોઈ મદદ મળી ન હતી. પોલીસે તમામ સંબંધિત સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા છે."
ઉજ્જૈનમાં સગીરા પર બળાત્કારના કેસમાં પોલીસે ગુરુવારે ચાર લોકોની પૂછપરછ માટે અટકાયત કરી હતી.
ઘટનાના બીજા જ દિવસે રિક્ષાચાલકની અટકાયત કરવામાં આવી હતી. હવે પોલીસ આ કેસમાં કુલ પાંચ લોકોની પૂછપરછ કરી રહી છે. ગુરુવારે એક આરોપી ઈજાગ્રસ્ત થયો હતો. આરોપી રિક્ષાચાલક છે. ઘટનાસ્થળ બતાવવા માટે પોલીસ આરોપીઓને લઈને તે વિસ્તારમાં પહોંચી હતી. ત્યારબાદ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો અને તે દીવાલ સાથે અથડાયો હતો. પોલીસ આરોપીને જિલ્લા હૉસ્પિટલમાં લઈ ગઈ છે.
આ ફૂટેજમાં આ સગીરા ત્રણ રિક્ષા ડ્રાઇવર અને બે લોકો સાથે વાત કરતી જોવા મળી હતી. પોલીસ આ તમામ લોકોની પૂછપરછ કરી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર આ સગીરા સતના જિલ્લાની રહેવાસી છે. પોલીસે અગાઉ સગીરાની ઉંમર 12 વર્ષ જણાવી હતી પરંતુ એફઆઈઆરની નકલમાં તેની ઉંમર 15 વર્ષ નોંધવામાં આવી છે.
ઉજ્જૈનના એસપી સચીન શર્માએ જણાવ્યું હતું કે, "આ બાળકી સતના જિલ્લાના એક ગામની રહેવાસી છે. તે 24 સપ્ટેમ્બરે ઘરેથી ગુમ થઈ ગઈ હતી. તેના અપહરણનો રિપોર્ટ પણ સતનાના એક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે."
"બાળકીનાં માતાએ તેને બાળપણમાં જ છોડી દીધી હતી અને પિતા અડધા પાગલ અવસ્થામાં છે. છોકરી તેના દાદા અને મોટાભાઈ સાથે ગામમાં રહે છે અને તે નજીકની શાળામાં આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે."
"તેના ગુમ થવા પર તેના દાદાએ કેસ દાખલ કર્યો હતો. 24 સપ્ટેમ્બરના રોજ આઈપીસીની કલમ 363 હેઠળ આ કેસ નોંધાયો હતો."
એસપી સચીન શર્માએ જણાવ્યું કે, "જ્યારે સગીરા બડનગર રોડ પર દાંડી આશ્રમની બહાર મળી ત્યારે આશ્રમના આચાર્ય રાહુલ શર્માએ પોલીસને જાણ કરી અને બાળકીને હૉસ્પિટલ મોકલી."
"પ્રાથમિક સારવાર બાદ બાળકીને ઈન્દોરની જિલ્લા હૉસ્પિટલમાં લઈ જવામાં આવી. જ્યાં તેનું ઑપરેશન કરવામાં આવ્યું હતું. હવે સગીરાની પરિસ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે."
પોલીસે એ પણ જણાવ્યું કે સતનાથી પોલીસની એક ટીમ પણ ઈન્દોર જવા રવાના થઈ ગઈ છે. જોકે પોલીસ હજુ એ કહી શકવાની સ્થિતિમાં નથી કે યુવતી ઉજ્જૈન કેવી રીતે પહોંચી.
એ દરમિયાન સતનાના એડિશનલ પોલીસ ડાયરેક્ટર શિવેશસિંહ બઘેલના જણાવ્યા અનુસાર ઉજ્જૈનમાં બળાત્કારનો ભોગ બનેલી સગીરા માનસિક વિકલાંગ છે. તે ગામમાં તેના દાદા અને ભાઈ સાથે રહે છે.
બઘેલે પત્રકારોને જણાવ્યું હતું કે તે શાળાએ જવા નીકળી હતી અને જ્યારે તે સાંજ સુધી ઘરે ન આવી ત્યારે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ જ્યારે તે મળી ન હતી ત્યારે બીજા દિવસે રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. તેને શોધવામાં આવી રહી હતી અને તમામ પોલીસ સ્ટેશનોને માહિતી મોકલવામાં આવી હતી. પછી જ્યારે ઉજ્જૈનનો મામલો સામે આવ્યો ત્યારે તેનો વીડિયો તેના દાદાને બતાવવામાં અને તેમણે તેને ઓળખી લીધી.
આ ઘટનાએ માત્ર ઉજ્જૈન જ નહીં પરંતુ સમગ્ર મધ્ય પ્રદેશ અને દેશને ચોંકાવી દીધા છે. સગીરા મદદ શોધતી રહી પણ મહાકાલની આ નગરીમાં કોઈ આગળ ન આવ્યું.