એશિયન પૅઇન્ટ્સના પૂર્વ ચૅરમૅન અશ્વિન દાણીનું અવસાન થયું છે, તેઓ 79 વર્ષના હતા. તેમણે ભારતમાં પૅઇન્ટિંગ ઉદ્યોગને આધુનિક બનાવવામાં અને ભારતીય કંપનીને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.
તત્કાલીન મુંબઈના ગુજરાતી વણિક પરિવારમાં જન્મેલા અશ્વિનભાઈ નજીકના લોકોમાં દાણી 'અશ્વિનભાઈ' તરીકે ઓળખાતા. નજીકના વર્તુળોમાં મજાકમાં તેઓ કહેતા કે 'હું પૅઇન્ટ ખાઉં છું, પૅઇન્ટ પીવું છું અને મને સપનાં પણ પૅઇન્ટ'ના જ આવે છે. તેઓ પડકારને તક તરીકે જોતાં અને તેના આધારે પ્રોડક્ટ લૉન્ચ કરવાને કારણે સફળતા મળી.
વર્ષ 2008માં કંપની સામે મોટો આર્થિક પડકાર આવ્યો હતો. આવા સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી કંપનીની વ્હારે આવ્યા હતા. આગળ જતાં આ સોદો અંબાણીને માટે લાભકારક સાબિત થવાનો હતો.
ફૉર્બ્સના આંકડા પ્રમાણે, આજે એશિયન પૅઇન્ટ્સના ત્રણ ભાગીદારોમાંથી એક દાણી પરિવાર સાત અબજ સિત્તેર કરોડની સંપત્તિ ધરાવે છે. તેની સંચાલનવ્યવસ્થા વ્યાવસાયિક મૅનેજમૅન્ટ નિષ્ણાતોને પણ ચોંકાવે એવી છે.
75 વર્ષ કરતાં વધુ ઉંમરે સ્ફૂર્તિ સાથે હરતા-ફરતા અશ્વિનભાઈ પોતાના સ્વાસ્થ્યનું શ્રેય યોગને આપતા. જે તેમણે બી.કે.એસ. અયંગર પાસેથી શીખ્યા હતા.
પિતા તથા ત્રણ અન્યો દ્વારા સ્થાપિત કંપનીમાં તેમણે નીચલા સ્તરેથી કામકાજ શરૂ કર્યું હતું અને ચૅરમૅનપદ સુધી પહોંચ્યા હતા. વર્ષ 2021માં તેમણે ચૅરમૅનપદ છોડ્યું હતું. ગુરુવારે કંપનીના શૅરના ભાવોમાં લગભગ ચાર ટકા જેટલો કડાકો બોલી ગયો હતો.
પ્રોફેશનલ' રીતે કંપની ચલાવવામાં માનતા અશ્વિન દાણી તેમના કર્મચારીઓને પરિવારની જેમ સાચવવાનો પ્રયાસ કરતા અને તેમાં 'પર્સનલ' ટચ રહેતો. આવો જ એક કિસ્સો ભરત પુરીનો છે.
જાહેરાતક્ષેત્રે મોટું નામ એવા પીયૂષ પાંડેએ 'પાંડેમોનિયમ' નામનું પુસ્તક લખ્યું છે. જેમાં તેઓ લખે છે કે ભરત પુરી એશિયન પૅઇન્ટ્સ માટે કામ કરતા અને તેઓ અશ્વિન દાણીના 'બ્લૂ-આઈ બૉય' હતા. લગભગ 16 વર્ષના કાર્યકાળ પછી તેમણે કંપનીમાંથી રાજીનામું આપ્યું હતું.
અશ્વિન દાણીએ કંપની છોડી જનાર ભરત પુરીને માટે પોતાના ઘરે ફૅરવૅલ પાર્ટી રાખી હતી. આ કદાચ સામાન્ય શિરસ્તો જણાય, પરંતુ તેની પહેલાં જે કંઈ થયું તે અનોખું હતું. ભરત પુરીના ઉજ્જવળ ભવિષ્યને માટે અશ્વિન દાણીએ પોતાના ઘરે પૂજા રખાવી હતી.
પાંડે લખે છે, 'આવી ઉદારતા જ્વલ્લે જ જોવા મળે છે અને તે પ્રફુલ્લિત કરી દે છે. ભરત પુરી માટે અનેક વિદાય સમારંભ યોજાયા હશે, એ કદાચ એમને ભુલાઈ પણ જશે, પરંતુ દાણીના ઘરની પૂજા તેઓ ક્યારેય ભૂલી નહીં શકે.'
એશિયન પૅઇન્ટ્સ છોડીને તેઓ કૅડબરીમાં જોડાયા. કંપની મૅન્ડોલેઝ બની ત્યારે પણ તેની સાથે જોડાયેલા રહ્યા. આજે તેઓ પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝમાં મૅનેજિંગ ડાયરેક્ટર છે, જેની અમુક પ્રોડક્ટ્સ એશિયન પૅઇન્ટ્સ સાથે સીધી જ સ્પર્ધા કરે છે.
એશિયન પૅઇન્ટ્સ વાહન, લાકડાં, મેટલ, વૉટરપ્રૂફિંગ, દીવાલ, બહારની દીવાલ સહિત અનેક પ્રોડક્ટ્સ બનાવે છે. તેમની ઍપિકોટ નામની પ્રોડક્ટ દાયકાઓ સુધી સફળ રહી હતી. જે લાકડા ઉપરનો પારદર્શક પૅઇન્ટ છે.
એ ઘટનાને યાદ કરતા અશ્વિન દાણીએ એક મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે એક વખત કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે અશ્વિનભાઈને પડકાર ફેંક્યો અને કહ્યું કે 'અશ્વિનભાઈ, મને પુષ્કળ બરફ નાખીને ડ્રિંક્સ લેવાની આદત છે, પરંતુ બરફને કારણે જે ગ્લાસની બહાર જે પાણી રેલાયું છે, તેના કારણે મારા ટેબલનો ફ્રૅન્ચ પાલિશ ખરાબ થઈ જાય છે. શું તમે કંઈ કરી શકો?'
અશ્વિનભાઈએ આ પડકારને ઉપાડી લીધો અને લગભગ છ મહિનાના સંશોધન અને પ્રયોગ બાદ તેમણે 'ઍપ્કોલાઇટ' નામની પ્રોડક્ટ લૉન્ચ કરી, જેને અશ્વિનભાઈ પોતાના 'બાળક જેવું' માનતા.
દાણીના કહેવા પ્રમાણે, આગામી 15 વર્ષ સુધી આ પ્રોડક્ટની બજારમાં મૉનૉપોલી રહી અને લગભગ 25 વર્ષ સુધી તેની ફૉર્મ્યુલામાં કોઈ ફેરફાર નહોતો કરવામાં આવ્યો.