
હું વર્ષોથી અનેક રેડિયો શો કરતી આવી છું અને દર્શકો સામે લાઇવ પબ્લિક ઇવેન્ટ પણ કરી છે.”
“આવા કોઈ પણ કાર્યક્રમમાં લોકો સવાલો પણ પૂછે છે. ત્યાં હું લોકો હળવાશ અનુભવે તેવા પૂરતા પ્રયાસ કરું છું. જેથી તેઓ સવાલો પૂછી શકે. પણ સવાલ પૂછવા જ્યારે પણ હાથ ઊંચા થાય છે તેમાં મહિલાઓની સંખ્યા પુરુષોની સરખામણીએ ઓછી હોય છે.”
“ક્યારેક એવું હોય કે મહિલાઓ પાસે પૂછવા માટે સવાલો જ ઓછા હોય. હોઈ શકે છે આવું. પરંતુ હાથ ઊંચો કર્યા પછી પણ ઘણી વાર તેઓ તેમનો વારો આવે એ પહેલાં હાથ નીચો કરી દે છે. તેમાંથી કેટલાકે જણાવ્યું કે તેઓ સવાલ પૂછવા તો માગતા હતા પણ એ વિચારીને કે તેમનો સવાલ સારો નથી એવું વિચારીને ચુપ રહ્યાં.”
બ્રિટનનાં લેખિકા ક્લાઉડિયા હૈમંડ આવું જણાવે છે.
તેઓ કહે છે, “વર્ષોના આવા અનુભવ પછી મને થયું કે આંકડાઓ જોવા જોઈએ. આ વિષય પર વધારે પ્રમાણમાં શોધ ઍકેડૅમિક સંમેલનમાં લોકોની હાજરી અને તેમણે પૂછેલા સવાલોને જોતા થઈ છે. મારો અનુભવ પણ આનાથી કંઈ અલગ નથી.”
બર્કલસ્થિત કૅલિફોર્નિયા યુનિવર્સિટીના શોશના જારવિસે 2022માં સંશોધન કર્યું. આ સંશોધન એક સંમેલન પર આધારિત હતું, જેમાં જીવ વૈજ્ઞાનિક, ખગોળવિદ્ અને અર્થશાસ્ત્રીઓ હતા.
એમાં શોશના જારવિસે જોયું કે સંમેલનમાં કોણે કેટલા સવાલો પૂછ્યા.
સંમેલનમાં લોકોએ તેમની ખુરશી પરથી ઊભા થઈ કતારમાં ઊભા રહી માઇક્રોફોન પર સવાલ પૂછવાનો હતો.
સંમેલનમાં 63 ટકા પુરુષો હતા અને બાકીની મહિલા. પણ પુરુષોએ 78 ટકા સવાલો પૂછ્યા અને મહિલાઓએ માત્ર 22 ટકા. જ્યારે આ ટકાવારી તેમની હાજરી બરાબર હોવી જોઈએ.
આવાં જ પરિણામો યુનિવર્સિટી કૉલેજ લંડનનાં એલિસિયા કાર્ટરને તેમના સંશોધનમાં મળ્યા હતા. એલિસિયાએ આ સંશોધન 10 દેશોમાં આયોજિત 250 ઍકેડૅમિક સેમિનાર દરમ્યાન કર્યું હતું.
એમને જાણવા મળ્યું કે આ સંમેલનોમાં ચોથા ભાગની મહિલાઓએ સવાલો પૂછ્યા. જોકે તેમની હાજરી પુરુષો જેટલી જ હતી.
જારવિસને જાણવા મળ્યું કે મહિલાઓને સવાલ પૂછવામાં વધારે બેચેની અનુભવાય છે.
ભારતમાં શું આવી સ્થિતિ છે?
દિલ્હી વિશ્વ વિદ્યાલયમાં રિસર્ચ સ્કોલર મોરોમી દત્તા કહે છે, “ભારતમાં સેમિનારમાં મહિલાઓ ઉપસ્થિત તો હોય છે પણ તેઓ સવાલો તો ઓછા જ પૂછે છે.”
આંતરરાષ્ટ્રીય સેમિનારમાં વક્તા તરીકે ઉપસ્થિત રહેનારાં મોરોમી દત્તા કહે છે, “હોઈ શકે કે આવું હું અનુભવતી હોઉં, પણ ભારતની સરખામણીએ આંતરરાષ્ટ્રીય સેમિનારમાં મહિલાઓ વધારે સંખ્યામાં હાજર તો હોય જ છે, સાથે જ તેઓ પ્રશ્નો પણ વધારે પૂછે છે.”
પ્રશ્નો પૂછવાના મામલામાં ભારતીય મહિલાઓના ખચકાટ બાબતે તેઓ કહે છે કે હોઈ શકે કે આની પાછળ તેમનાં પરિવેશ, ઘરનું વાતાવરણ કે કામનું ભારણ જવાબદાર હોય.
વાતચીત દરમ્યાન મોરોમી દત્તા મહત્ત્વપૂર્ણ સવાલ ઉઠાવે છે, “તમે છેલ્લાં કેટલાંક વર્ષોનાં પરિણામો જુઓ તો દસમા કે બારમા ધોરણની પરીક્ષાઓમાં મહિલાઓ અવ્વલ ક્રમે આવતી રહી છે, છતાં હું જે ક્ષેત્રમાં કામ કરું છું ત્યાં પણ મહિલાઓની સંખ્યા હજી પણ એટલા પ્રમાણમાં વધી નથી.”
તેઓ એમ પણ કહે છે કે ડીયુમાં જ રિસર્ચ સ્કોલર છોકરાઓની તુલનામાં છોકરીઓ આજે પણ ઓછી છે.
તો હાલમાં જ યુવા મહિલાઓમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ પર આયોજિત સેમિનારમાં વક્તા તરીકે હાજર રહેલાં વિમલોક તિવારીનો અનુભવ આનાથી વિપરીત રહ્યો છે.
તેઓ કહે છે, “જે સેમિનારમાં મહિલાઓ અને પુરુષો બંને હાજર હોય એમાં મહિલાઓ વધારે સવાલો પૂછતી જોવા મળી છે. જો ટકાવારીની વાત કરીએ તો સેમિનારોમાં 60થી 70 ટકા મહિલાઓ સવાલ પૂછે છે.”