ઈઝરાયલ પર હમાસે કરેલા ઘાતક હુમલા બાદ ઈઝરાયેલે કરેલા વળતા પ્રહાર વચ્ચે હવે પેલેસ્ટાઈન અને ગાઝા પટ્ટી ખંડેરમાં ફેરવાઈ રહ્યા છે.
ઈઝરાયલ તરફથી કરવામાં આવેલા હુમલાએ હમાસની કમર તોડી નાખી છે. જો કે આ બધા વચ્ચે પણ ઈઝરાયલ તેની પુરી તાકાત વાપરી નથી શકતુ કેમકે તેના નાગરિકોને બંધક બનાવવામાં આવ્યા છે.
અચાનક જ ફાટી નિકળેલા યુદ્ધના કારણે ઈઝરાયલના 1000 જેટલા લોકોના મોત બતાવવામાં આવી રહ્યા છે તો 2800 કરતા વધારે નાગરિકો ઘાયલ છે. હમાસે ઇઝરાયેલ પર એક પછી એક 5,000 રોકેટ છોડ્યા, જેમાં ઘણા સૈનિકો માર્યા ગયા.
હમાસે ઈઝરાયલના નાગરિકોને બંધક બનાવીને હવે તેમને ઢાલ તરીકેનો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે. 163 જેટલા નાગરિકને હમાસે તેમની ગાઝા પટ્ટી પાસેની સુરંગો અને ખાસ બંકરોમાં છુપાવીને રાખ્યા છે. બંધક બનાવવામાં આવેલા નાગરિકોને લઈ ઈઝરાયલ પુરી તાકાત સાથે હુમલો કરવા માટે અસમર્થ જેવુ લાગી રહ્યું છે.
જણાવવું રહ્યું કે હમાસે બંધક બનાવેલા નાગરિકોમાં મહિલા અને બાળકો વધારે છે. હમાસના લડવૈયાઓ જાણે છે કે ઇઝરાયેલની સેના તેમના દેશના નાગરિકો પર હુમલો નહીં કરે. સ્વાભાવિક પણે બંને દેશો વચ્ચે ફાટી નિકળેલા યુદ્ધમાં મરો તો નિર્દોષ નાગરિકોનો થયો છે. હમાસના આતંકીઓ દ્વારા ઈઝરાયલની જનતા સાથે કરવામાં આવેલા દુર્વ્યહવારને દેશ અને દુનિયાએ જોયા છે.
ઈઝરાયલે ગાઝા બોર્ડર પર એક લાખ સૈનિકો મોકલ્યા
હમાસને બેકફૂટ પર લાવવા માટે ઈઝરાયલ દ્વારા તેની તાકાતને ઝોખી દીધુ છે. બોર્ડર પર 1 લાખ કરતા વધારે સૈનિકોનો ખડકલો કરી દેવામાં આવ્યો છે. હમાસે કરેલા હુમલાથી નારાજ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈઝરાયેલ એરફોર્સને હમાસ પર હુમલો કરવા માટે ફ્રી હેન્ડ આપી દીધુ છે. બંને દેશ વચ્ચેના યુદ્ધમાં લગભગ 1000 ઈઝરાયલના નાગરિકો અને સૈનિકો જ્યારે કે 700 થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.
28 વિદેશી નાગરિકોના મોત થયા હતા
ઇઝરાયેલ પર હમાસે કરેલા હુમલામાં 28 વિદેશી નાગરિકના મોત થયા છે કે જેમાં નેપાળના 11, અમેરિકાના 4, યુક્રેનના 2 અને થાઈલેન્ડના 12 નાગરિકોનો સમાવેશ થાય છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવને જોતા ઘણા દેશોએ પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. પોલેન્ડે ખાસ વિમાન પોતાના નાગિરકો માટો મોકલ્યું છે તો રામાનિયાએ તો 800 નાગરિકોને સુરક્ષિત રીતે બહાર પણ કાઢી લીધા છે.