બેનગાઝીથી સડક માર્ગે જતાં ખેતરો લાલ સરોવરમાં પરિવર્તિત થયેલાં દેખાય છે.
પૂરના પાણીના વહેણથી ઊખડી ગયેલા ટેલિફોનના થાંભલાઓ હાલ આડેધડ પડેલા છે. હાઇવે પર ઉતાવળે ખોદાયેલા રસ્તાઓ અને ખાડાઓની આસપાસ વાહનો અવરજવર કરતા રહે છે.
ડેરના પાસેના પુલો એક એક કરીને સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે. સ્થાનિક લોકો ઊબડખાબડ રસ્તા પર ઊભા રહીને તસવીરો ખેંચી રહ્યા છે.
થોડે આગળ, સૈનિકો દરેક કારના ડ્રાઇવર અને મુસાફરોને ફેસ માસ્ક આપી રહ્યા છે. બીજી દિશામાં જતા દરેક મુસાફર અને ડ્રાઇવરે માસ્ક પહેર્યાં છે. તમને જલદી જ ખબર પડશે કે આવું શા માટે કરવામાં આવી રહ્યું છે.
શહેરના કેટલાક ભાગોમાં મૃતદેહોમાંથી આવતી દુર્ગંધનું વર્ણન કરવું લગભગ અશક્ય લાગે છે.
આ ગંધ તમારા નાકની નળીઓને ભરી દે છે. કેટલીક ગટરની દુર્ગંધ તો એવી વસ્તુઓની છે જેને ઓળખવી મુશ્કેલ છે.
કેટલીક વાર આ દુર્ગંધ એટલી તીવ્ર હોય છે કે પેટમાં દુખાવો થવા લાગે છે. ખાસ કરીને જ્યારે તમે પૉર્ટ તરફ જોતા ઊભા હો અને રિકવરી ટીમો મને કહે છે કે મૃતદેહોને અત્યારે ધોવાઈ રહ્યા છે.
તે દિવસે સવારે તેમને ત્રણ મૃતદેહ મળ્યા હતા. સમુદ્ર આ મૃતદેહને કિનારે તાણી લાવ્યો હતો. મૃતદેહ કાટમાળના ઢગલામાં ફસાયેલા સડી રહ્યા હતા.
તૂટેલું લાકડું, ઉપર ચડતી અને નીચે ઊતરતી ગાડીઓ, ટાયર, ફ્રીઝ - બધું જ સ્થિર પાણીમાં ભળી જાય છે અને ફરતું રહે છે. ડેરનામાંથી જે તસવીરો અને વીડિયો સામે આવ્યાં છે તે ખૂબ જ જીવંત અને ચોંકાવનારાં છે.
પરંતુ તેને જોયા પછી તમને ખ્યાલ આવશે કે પૂરના કારણે આ જગ્યાને કેટલું નુકસાન થયું છે. આ માટીના ઢગલા પર કંઈ જ બચ્યું નથી. અત્યારે આ ઉજ્જડ જમીન છે. પાણીની વિનાશક શક્તિ પ્રચંડ છે.