આ વર્ષે 18 જૂનમાં કૅનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં ખાલિસ્તાન સમર્થક નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યા કરાઈ હતી.
આ પછી કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં આ હત્યા પાછળ ભારતીય એજન્સીઓનો હાથ હોવાની શક્યતા વ્યક્ત કરી હતી.
ભારતે આવા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને આ હત્યામાં કોઈ પણ પ્રકારની ભૂમિકાનો ઇનકાર કર્યો છે.
પરંતુ આવું પહેલી વાર નથી થયું કે કોઈ દેશ પર બીજા દેશમાં ગુપ્તચર ઑપરેશન હાથ ધરવાનો આરોપ લાગ્યો હોય.
અમેરિકા, રશિયા, ઇઝરાયલ, ચીન અને બ્રિટન જેવા દેશો પર આ અગાઉ પણ ઘણી વાર આવા આરોપ થતા રહ્યા છે.
ભારત અને પાકિસ્તાને પણ ઘણી વાર એકબીજા સામે ગુપ્તચર મિશનના આરોપ લગાવ્યા છે.
ગુપ્તચર મિશનની વાત કરતા હોય અને ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદનો ઉલ્લેખ ના કરીએ એવું શક્ય નથી. મોસાદે હાથ ધરેલા ટોચનાં એ પાંચ મિશન કયાં છે?
1957માં પશ્ચિમ જર્મનીના હેસ રાજ્યના મુખ્ય ફરિયાદી અને યહૂદી મૂળના જર્મન નાગરિક ફ્રિટ્ઝ બૉએરે ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદનો સંપર્ક કર્યો અને જાણ કરી કે ઍડોલ્ફ આઈકમન જીવિત છે અને આર્જેન્ટિનામાં ગુપ્ત જગ્યાએ રહે છે.
લેફ્ટનન્ટ કર્નલ ઍડોલ્ફ આઇકમન લાંબા સમયથી ઍડોલ્ફ હિટલરની ખરડાયેલી છબીવાળી સિક્રેટ પોલીસ 'ગેસ્ટાપો'માં યદૂદી વિભાગના પ્રમુખ રહ્યા હતા. તેમના કાર્યકાળમાં સૌથી વધારે અત્યાચારી ફાઇનલ સોલ્યુશન નામના એક ખાસ અભિયાનને શરૂ કરાયું હતું.
આ અભિયાન હેઠળ જર્મની અને તેની આસપાસના દેશોમાં રહેતા હજારો યહૂદી નાગરિકોને તેમના ઘરેથી કૉન્સ્નટ્રેશન કૅમ્પમાં લઈ જવાયા અને તબક્કા વાર તેમની હત્યા કરાઈ.
આ ઘટનાક્રમ 'હોલોકોસ્ટ'ના નામે ઓળખાય છે. જેમાં નાઝી જર્મની શાસન અને તેમના સહયોગીઓ દ્વારા યુરોપના આશરે 40 લાખ યહૂદીઓની આયોજનબદ્ધ રીતે ઉત્પીડન અને હત્યા કરાઈ. જે 1933થી 1945 વચ્ચે આખા યુરોપમાં થઈ.
બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર પછી ઍડોલ્ફ આઇકમનને ત્રણ વાર પકડવામાં આવ્યા, પણ દર વખતે તે ભાગી જતા.
ફ્રિટ્સને આઇકમન આર્જેન્ટિનામાં હોવાની માહિતી ત્યાં રહેનારા એક યહૂદી પાસેથી મળી હતી જેમની પુત્રી અને આઇકમનના દીકરા વચ્ચે પ્રેમસંબંધ ચાલતો હતો.
આર્જેન્ટિનામાં રહેતી એક યહૂદી વ્યક્તિ જેમની પુત્રી અને આઇકમનના પુત્ર વચ્ચે પ્રેમ પાંગરી રહ્યો હતો, તેમણે ફ્રિટ્સ બૉએરને આઇકમન આર્જેન્ટીનામાં હોવા વિશેની માહિતી આપી હતી.
જોકે ઇઝરાયલની ગુપ્તચર સંસ્થાએ શરૂઆતમાં આ માહિતીને બહુ ગંભીરતાથી નહોતી લીધી, પણ પછી પોતાની રીતે તેમણે તપાસ કરી તો આ માહિતી સાચી નીકળી.
• 14000 યહૂદીઓને બચાવવા દુશ્મન દેશમાં રિસોર્ટ બનાવી મોસાદે કરેલાં ખતરનાક મિશનની કહાણી
'ધ કૅપ્ચર ઍન્ડ ટ્રાયલ ઑફ ઍડોલ્ફ આઇકમન' નામના પુસ્તકમાં ચાર્લ્સ રિવર લખે છે, “આઇકમન ભલે લેફ્ટનન્ટ કર્નલ રેન્કના અધિકારી રહ્યા હોય પણ નાઝી જર્મનીમાં એક સમયે તેમનો રુઆબ કોઈ જનરલથી ઓછો ન હતો. આ દરમ્યાન તેઓ સીધા હિટલરની કોર ટીમને રિપોર્ટ કરતા હતા."
આઇકમન આર્જેન્ટિનામાં છૂપાઈને રહે છે તેની પુષ્ટિ થતાં ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદના પ્રમુખે રફી એતાનને એ મિશનના કમાન્ડર બનાવ્યા, જે હેઠળ એજન્ટ્સ તેમને જીવતા પકડીને ઇઝરાયલ લાવવાનો પ્રયાસ કરશે.
મોસાદની ટીમે બ્યૂનસ આયર્સમાં એક ઘર ભાડે લીધું. તેનું કોડનેમ 'કાસેલ' હતું. આવામાં ખબર પડી કે 20મી મેએ આર્જેન્ટિના તેની આઝાદીની 150મી વર્ષગાંઠ ઊજવશે.
જેને ધ્યાનમાં રાખી નક્કી કરાયું કે ઇઝરાયલ પણ શિક્ષણમંત્રી અબ્બા ઇબનના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ આર્જેન્ટિના મોકલશે. આ પ્રતિનિધિ મંડળને લઈ જવા ઇઝરાયલી ઍરલાઇન્સ એલાઇએ ખાસ વિમાન 'વિસ્પરિંગ જાયન્ટ' આપ્યું હતું.
યોજના એ જ હતી કે ઇઝરાયલના શિક્ષણમંત્રીને જાણ કર્યા વગર આઇકમનનું અપહરણ કરી આ જ વિમાનથી તેમને આર્જેન્ટિના બહાર લઈ જવાય.
આઇકમન રોજ સાંજે 7:40 વાગે બસ નંબર 203માં મુસાફરી કરી ઘરે પાછા ફરતા હતા અને થોડું અંતર પગપાળા ચાલીને ઘરે પહોંચતા હતા. યોજના બની કે આ ઑપરેશનમાં બે કાર ભાગ લેશે અને એક કારમાં તેમનું અપહરણ કરાશે.
બસમાંથી ઊતરતાં જ આઇકમનને પકડી લેવાયા.
20 મેની રાત્રે આઇકમનને ઇઝરાયલી ઍરલાઇન્સ કર્મચારીનો ડ્રેસ પહેરાવાયો હતો. તેમના ખિસ્સામાં ઝીવ ઝિકરોની નામથી એક ખોટું આઈકાર્ડ રખાયું અને એ પછીના દિવસે તેમના વિમાને તેલ અવિવમાં ઉતરાણ કર્યું.
તેમના ઇઝરાયલ પહોંચ્યાના બે દિવસ પછી આ સમાચાર દુનિયાને અપાયા.
મહિનાઓ સુધી ચાલેલા કેસમાં કુલ 15 કેસમાં તે દોષિત ઠરતા તેમને ફાંસની સજા સંભળાવાઈ.