અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે યોજાયેલી ભારત પાકિસ્તાન ક્રિકેટ મૅચ દરમિયાન જ અનેક લોકો અસ્વસ્થ થઈ ગયા હતા.
સ્થિતિ એવી થઈ ગઈ હતી કે તેમને 108 ઈમરજન્સી સેવાનો ઉપયોગ કરવો પડ્યો હતો. જેમાંથી કેટલાક લોકોને સ્થળ પર સારવાર આપવામાં આવી. જ્યારે અન્યોને હૉસ્પિટલ ખસેડવાની જરૂરિયાત ઊભી થઈ હતી. હૉસ્પિટલ ખસેડવામાં આવેલા લોકોમાં પાકિસ્તાનના પ્રસંશકનો પણ સમાવેશ થાય છે.
આમાંથી મોટા ભાગના લોકોને ચક્કર આવવા, અશક્તિ અને ડિહાઈડ્રેશનની સમસ્યાઓ સર્જાઈ હતી.
ઇમર્જન્સી સેવા 108ના મીડિયા ઇન્ટરેક્શન ઍનાલિસ્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા વિકાસ બીહાનીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "મૅચ સમયે કુલ 568 ઇમરજન્સીના કૉલ મળ્યા હતા. જેમાંથી 20 લોકોને હૉસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. જ્યારે અન્ય લોકોને સ્થળ પર જ સારવાર આપી દેવામાં આવી હતી. મોટા ભાગના કેસોમાં ડિહાઇડ્રેશન, ચક્કર આવવા, ધ્રુજારી, માથામાં તીવ્ર દુખાવો, અશક્તિ લાગવી, અચાનક પડી જવા જેવી સમસ્યાઓ સર્જાઈ હતી. મૅચ સમયે આવી કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે કુલ 12 ઍમ્બુલન્સ તહેનાત રાખવામાં આવી હતી અને 55થી 60 લોકોની ટીમ પણ ખડે પગે હતી."
આ અંગે 'અમદાવાદ મિરરે' પોતાના અહેવાલમાં લખ્યું છે કે "ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ આખો દિવસ વ્યસ્ત રહી હતી અને સાંજે સાડા આઠ વાગ્યા સુધીમાં મેડિકલ ઇમર્જન્સીના 570 કેસો નોંધાયા હતા. મોટા ભાગની ફરિયાદો ડિહાઇડ્રેશન, બેહોશી અને માથાનો દુખાવાની ફરિયાદ નોંધાઈ હતી."
અહેવાલમાં જણાવ્યા અનુસાર "સાંજે પાંચ વાગ્યા સુધીમાં જ 108 ઇમર્જન્સી ઍમ્બુલન્સે 300 જેટલા લોકોની સારવાર કરી હતી અને 10 લોકોને હૉસ્પિટલ દાખલ પણ કરવાની ફરજ પડી હતી. બાકીના કેસ પાંચ વાગ્યા બાદ નોંધાયા હતા."
પાકિસ્તાની મૂળના ક્રિકેટચાહક અને 'ક્રિકેટ ચાચા' તરીકે ઓળખાતા મહમદ કાસીફની પણ મૅચ દરમિયાન તબિયત લથડી હતી અને તેમને સારવાર અર્થે ખાનગી હૉસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.
વિકાસ બીહાનીએ આવી સ્થિતિ સર્જાવાના કારણો અંગે વાત કરતા જણાવ્યું હતું કે "મૅચ સમયે સખત ગરમી હતી. લોકો સવારથી આવી ગયા હોય અને યોગ્ય પ્રમાણમાં પ્રવાહી ન લીધુ હોય, પાણી ન લીધું હોય તો આવી સમસ્યા સર્જાઈ શકે છે."
રમતગમત પત્રકાર અને કેટલીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચ કવર કરી ચૂકેલા તુષાર ત્રિવેદીએ બીબીસી સાથેની વાતમાં જણાવ્યું કે "આવુ સામાન્ય રીતે થતું નથી. વિદેશમાં જ્યારે આવા કાર્યક્રમો થતા હોય ત્યારે લોકો પાણી ન પીવે તો પણ વાંધો એટલા માટે નથી આવતો કારણ કે ત્યાં વાતાવરણ ઠંડું હોય છે. જ્યારે આપણે ત્યાં ગઈકાલે વાતાવરણ ગરમ હતું. લોકો મૅચ જોવામાં વ્યસ્ત થઈ ગયા અને પ્રવાહી યોગ્ય પ્રમાણમાં ન લીધું. લોકોમાં ડિહાઇડ્રેશન થતું રહ્યું અને કોઈએ ધ્યાન ન આપ્યું તેથી આવી ઘટના ઘટી."
તેમના જણાવ્યા અનુસાર સ્ટેડિયમમાં મૅચ સમયે તો એક લાખ લોકો હતા જ પણ મૅચ પૂર્ણ થયા બાદ પણ સેકડો લોકો એકઠા થઈ ગયા હતા. તેના કારણે પણ કેટલાક લોકોને 'સફોકેશન'ની સમસ્યા સર્જાઈ હતી.
બીબીસીએ આ અંગે ગુજરાત ક્રિકેટ ઍસોસિએશન (જીસીએ) સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, જીસીએના જગત પટેલે આ મામલે કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.