ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આજથી હવામાનમાં પલટો આવી ગયો છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ શરૂઆત થઈ ગઈ છે.
બંગાળની ખાડીમાં બનેલી મજબૂત સિસ્ટમની અસર ગુજરાત પર શરૂ થઈ ગઈ છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી પણ શક્યતા છે.
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી ત્યારે સુકાઈ રહેલા પાક માટે આ વરસાદ રાહત આપનારો સાબિત થશે.
બંગાળની ખાડીમાંથી આગળ વધીને આ સિસ્ટમ ઓડિસા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ગુજરાત પર થઈને અરબી સમુદ્રમાં જશે. પરંતુ તેના કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પહેલાં બનેલી સિસ્ટમો મધ્યપ્રદેશ પર આવ્યા બાદ નબળી પડી ગઈ હતી અને તેના કારણે વળાંક લઈને ઉત્તર ભારત તરફ આગળ વધી જતી હતી. જોકે, આ મજબૂત સિસ્ટમ હોવાના કારણે ગુજરાત પર આવશે અને તેના કારણે સમગ્ર રાજ્યમાં ખૂબ સારો વરસાદ થશે.
હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે ગુજરાતમાં આવનારા ચારથી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે અને કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા છે.
હવામાનનાં જે વિવિધ મૉડલો દર્શાવી રહ્યાં છે તે પ્રમાણે ગુજરાતમાં આવનારા ચાર દિવસો સુધી ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતા છે.
શનિવારથી જ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે અને ત્યાર બાદ વરસાદનું પ્રમાણ પણ વધશે.
દક્ષિણ અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 16થી 17 સપ્ટેમ્બરની વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. ત્યાર બાદ આ સિસ્ટમ આગળ વધતાં રાજ્યના બીજા વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધશે.
17થી 19 સપ્ટેમ્બરની વચ્ચે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. તો કોઈ સ્થળે અતિ ભારે વરસાદનીય શક્યતા દેખાઈ રહી છે.
કચ્છમાં 19થી 20 સપ્ટેમ્બરની આસપાસ વરસાદનું જોર વધારે રહે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે અને કેટલાંક સ્થળોએ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.