ગુજરાતમાં અંબાજીના મંદિરથી લગભગ 22 કિલોમીટરના અંતરે આબુ રોડ આવેલ છે, જે માઉન્ટ આબુનું ગૅટ-વે છે. નવરાત્રિ, દિવાળી-ઉનાળુ વૅકેશન તથા રજાઓના ગાળામાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં ફરવા જાય છે.
સ્વતંત્રતા પછી થોડો સમય માટે આ રમણીય વિસ્તાર ભૌગોલિક અને ભાષાકીય કારણસર ગુજરાતનો ભાગ પણ બન્યો હતો.
માઉન્ટ આબુ મુદ્દે બંધારણસભામાં ભારે ચર્ચા થઈ હતી, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને કનૈયાલાલ મુનશીએ તેની પાછળનાં તર્કબદ્ધ કારણો ગણાવ્યાં હતાં. પટેલના અવસાન પછી તે રાજસ્થાનમાં જતો રહ્યો.
તત્કાલીન સિરોહીના રાજવી પરિવારમાં વારસદાર અંગે પ્રવર્તમાન અનિશ્ચિતતાને કારણે સ્થિતિ જટિલ બની હતી.
તત્કાલીન અંગ્રેજ સરકાર સાથેના કરાર પ્રમાણે, સ્વતંત્રતા પછી દરેક રાજવી પરિવાર પોતે નક્કી કરવાના હતા કે તેમણે ભારત સાથે રહેવું છે કે પાકિસ્તાન સાથે ભળવું છે કે સ્વતંત્ર રહેવું છે.
સરદાર વલ્લભભાઈ પટેલે રાજવી શાસકો સાથે મસલતો હાથ ધરી. આ કામમાં વી.પી. મેનન પણ તેમની સાથે હતા જેમણે 'ધ સ્ટોરી ઑફ ધ ઇન્ટિગ્રૅશન ઑફ ધ ઇન્ડિયન સ્ટેટ્સ'માં સિરોહીના ભારતમાં વિલીનીકરણ અને તેમાં આવેલી સમસ્યાઓ અંગેનો ઉલ્લેખ (પૃષ્ઠક્રમાંક 185-186) કર્યો છે, તેઓ લખે છે :
નવેમ્બર-1947માં કેટલાક લોકો દ્વારા સરદાર પટેલને રજૂઆત કરવામાં આવી હતી કે રાજપૂતાનાના (હાલનું રાજસ્થાન) અમુક વિસ્તારોને પશ્ચિમ ભારત તથા ગુજરાતનાં રાજ્યોની એજન્સીને ટ્રાન્સફર કરવા જોઈએ, કારણ કે ત્યાં રહેતા મોટા ભાગના લોકો ગુજરાતી બોલે છે.
જેમાં દાંતા, પાલનપુર, ઈડર, વિજયનગર, ડુંગરપુર બાંસવાડા, જાબુઆ (મધ્યપ્રદેશમાં છે છતાં રાજસ્થાનનાં રજવાડાંની નજીક હતું) અને સિરોહી મુખ્ય હતા. પહેલી ફેબ્રુઆરી, 1948ના રોજ જાબુઆ, બાંસવાડા અને ડુંગરપુરને રાજપૂતાના સ્ટેટ્સ એજન્સીમાં સામેલ કરવામાં આવ્યા, કારણ કે તે મેવાડમાં હતા અને ઉદયપુરની ઉપશાખા જેવા હતા.
તા. 19મી માર્ચ 1948ના ગુજરાતના શાસકોએ તેમનાં રજવાડાંને બૉમ્બે પ્રાંતમાં ભેળવી દેવાની તૈયારી દાખવી. એ સમયે સિરોહીને ચર્ચામાંથી બાકાત રાખવામાં આવ્યું હતું, કારણ કે તેના શાસક સગીર હતા અને રાજમાતા તેમનાં વહીવટદાર હતાં. બીજું કે તેમના વારસદાર અંગે પણ વિવાદ હતો. સિરોહીને કાં તો બૉમ્બેમાં અથવા તો રાજપૂતાનામાં ભેળવવાનો વિકલ્પ હતો.
ત્યારે રાજસ્થાન પ્રાંતીય કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ તથા રાજમાતાના સલાહકાર ગોકુલભાઈ ભટ્ટ સાથે આ મુદ્દે ચર્ચા કરી. તેમણે સૂચન કર્યું કે વારસદારના વિવાદનો ઉકેલ ન આવે ત્યાર સુધી સિરોહીને કેન્દ્રીય વહીવટ હેઠળ મૂકવામાં આવે.
8 નવેમ્બર, 1948ના રોજ મહારાણીએ કરાર કર્યા અને બે મહિના પછી ભારત સરકાર વતી વહીવટ કરવા માટે તેને બૉમ્બે સરકારને સોંપવામાં આવ્યું હતું. તા. 23 જાન્યુઆરી, 1946ના રોજ સિરોહીના મહારાવનું નિધન થયું હતું. તેમનાં પહેલા મહારાણી કચ્છના મહારાવનાં દીકરી હતાં, જ્યારે તેમનાં મોટાં દીકરીનાં લગ્ન નવાનગરના (હાલનું જામનગર) રાજા સાથે થયાં હતાં.
ગાદી માટે મુખ્ય ત્રણ દાવેદાર હતા, પહેલા તેજસિંહ હતા, જેઓ શાસકપરિવારની મંદાર શાખાના સૌથી વરિષ્ઠ હતા. બીજા અભયસિંહજી હતા, જેઓ મહારાવ ઉમેદસિંહજીના પૌત્ર હતા. વર્ષ 1876 સુધી તેઓ જ સિરોહીના શાસક હતા. લખપત રામસિંહ નામના ત્રીજા દાવેદારનું કહેવું હતું કે મહારાવે વર્ષ 1916માં તેમનાં માતા સાથે ખાંડા લગ્ન કર્યાં હતાં.
વર્ષ 1939માં લખપત રામસિંહની અરજી ક્રાઉન રિપ્રેઝન્ટેટિવે ફગાવી દીધી હતી. મે-1946માં ક્રાઉન રિપ્રેઝન્ટેટિવે તેજસિંહને વારસદાર તરીકે સ્વીકાર્યા હતા.
તા. 10 માર્ચ, 1949ના રોજ ભારત સરકારે સૌરાષ્ટ્રના મુખ્ય ન્યાયાધીશ એચ. વી. દિવેટિયાની અધ્યક્ષતામાં કમિટીનું ગઠન કર્યું. જેમાં જયપુર અને કોટાના મહારાજા પણ સામેલ હતા. સમિતિએ તમામ પક્ષકારોના દાવાઓના દસ્તાવેજી તથા મૌખિક પુરાવા ચકાસ્યા.
દિવેટિયા સમિતિએ ભલામણ કરી કે અભયસિંહ જ ગાદીના વારસ છે. તેમની ભલામણના આધારે ભારત સરકારે તેમનો મહારાવ તરીકે સ્વીકાર કર્યો. જોકે, નવી સમસ્યા તેને રાજપૂતાનામાં સામેલ કરવા વિશે હતી.