ડૉક્ટર જગજિતસિંહ ચૌહાણે 13 ઑક્ટોબર, 1971ના ન્યૂ યૉર્ક ટાઇમ્સમાં એક જાહેર ખબર છપાવી હતી, જેમાં એમણે પોતાને તથાકથિત ખાલિસ્તાનના પહેલા રાષ્ટ્રપતિ ઘોષિત કર્યા હતા.
એ વખતે બહુ થોડા લોકોએ એ ઘોષણાને મહત્ત્વ આપ્યું, પરંતુ 80નો દાયકો આવતાંઆવતાં ખાલિસ્તાન માટેનું આંદોલન જોર પકડવા લાગ્યું હતું.
પંજાબ પોલીસના આંકડા અનુસાર, 1981થી 1993નાં 12 વર્ષ સુધીમાં ખાલિસ્તાન માટે થયેલી હિંસામાં 21,469 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને એક જમાનામાં ભારતના સૌથી સમૃદ્ધ રહેલા રાજ્ય પંજાબના અર્થતંત્રને ખોરવી નાખ્યું.
23 જૂન, 1985એ ખાલિસ્તાની અલગતાવાદીઓએ મૉન્ટ્રિયલથી મુંબઈ આવતા ઍર ઇન્ડિયાના વિમાન કનિષ્કમાં એક ટાઇમ બૉમ્બ મૂકી દીધો હતો, જેના કારણે આયર્લૅન્ડના કિનારા નજીક વિમાનમાં વિસ્ફોટ થયો અને 329 લોકોનાં મૃત્યુ થયાં.
9/11ની પહેલાં એ, ઇતિહાસનો સૌથી મોટો ચરમપંથી હુમલો હતો.
કૅનેડાના બ્રિટિશ કોલંબિયામાં તલવિન્દર પરમારના પીળી પાઘડી પહેરેલા એક સાથીએ 3,005 ડૉલર ખર્ચીને બિઝનેસ ક્લાસની બે વિમાન ટિકિટ ખરીદી હતી. વૅનકુંવરથી ઉડાન કરનારાં બે વિમાનોમાં ડાયનામાઇટ અને ટાઇમર્સ ભરેલી બે સૂટકેસ ચેક-ઈન કરાવવામાં પણ તેઓ સફળ થઈ ગયા.
એક વિમાને પશ્ચિમમાં ટોકયો માટે ઉડ્ડયન કર્યું જેથી એ ઍર ઇન્ડિયાની બૅંગકૉક અને મુંબઈ જતી ફ્લાઇટને કનેક્ટ કરી શકે. બીજું વિમાન પૂર્વ તરફ ઊડ્યું જેથી ટોરન્ટો અને મૉન્ટ્રિયલથી લંડન અને નવી દિલ્હી જનારી ફ્લાઇટને કનેક્ટ કરી શકે.
કોઈનું ધ્યાન એ તરફ ન ગયું કે ચેક-ઈન કરનારા બે પ્રવાસી એમ સિંહ અને એલ સિંહ વિમાનમાં બેઠા કે નહીં. ચેક-ઈન કરાવ્યા પછી તેઓ ઍરપૉર્ટ પરથી ગાયબ થઈ ગયા.
તાજેતરમાં છપાયેલા પુસ્તક 'બ્લડ ફૉર બ્લડ ફિફ્ટી યર્સ ઑફ ગ્લોબલ ખાલિસ્તાન પ્રોજેક્ટ' લખનારા કૅનેડિયન પત્રકાર ટેરી મિલેસ્કીએ પુસ્તકમાં લખ્યું છે કે, "એમ સિંહની પાછળ લાઇનમાં ઊભેલા તરત પછીના યાત્રીએ યાદ કર્યું કે એમ સિંહ ખૂબ સાવચેતીથી પોતાના પગની આંગળીથી પોતાની સૂટકેસને ધક્કો મારતા હતા. જેમજેમ પ્રવાસીઓની લાઇન આગળ વધતી હતી, એમણે એક પણ વાર પોતાની સૂટકેસ પોતાના હાથથી ઉપાડી નહોતી અને સતત પોતાના પગની આંગળીઓથી એને આગળ ધકેલતા રહ્યા."ટોકયો પહોંચનારા વિમાનમાં નરિટા એરપૉર્ટ પર એવા સમયે વિસ્ફોટ થયો જ્યારે વિમાનમાંથી સામાન ઉતારીને ઍર ઇન્ડિયાના વિમાનમાં ચડાવાઈ રહ્યો હતો.
એ વિસ્ફોટમાં સામાન ચડાવનારા બે લોકો મૃત્યુ પામ્યા અને અન્ય ચાર લોકો ઘાયલ થયા.
એનું કારણ કદાચ એ હતું કે કાં તો સૂટકેસને ધકેલવામાં આવતી હતી, કાં તો બૉમ્બ મૂકનારાઓથી સમય બાબતે અનુમાન કરવામાં થોડી ભૂલ થઈ ગઈ હતી.
નરિટામાં થયેલા વિસ્ફોટની 55 મિનિટ બાદ ઍર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 182માં આયર્લૅન્ડના દક્ષિણ-પશ્ચિમ કિનારા નજીક વિસ્ફોટ થયો, જેમાં વિમાનકર્મીઓ સહિત 329 લોકોનાં મૃત્યુ થયાં.
શૅનન ઍરપૉર્ટના ઍર ટ્રાફિક કન્ટ્રોલની ટ્રાન્સસ્ક્રિપ્ટમાં જણાવાયું છે કે, "સવારે 7 વાગ્યા ને 14 મિનિટે એક હળવી ચીસ સંભળાઈ અને એવું લાગ્યું કે પ્રચંડ વેગ સાથે હવા પાઇલટના માઈક્રોફોન સાથે અથડાઈ છે. ત્યાર બાદ ભેંકાર છવાઈ ગયો. ટ્રાફિક કન્ટ્રોલના કન્ટ્રોલરે સતત ત્રણ મિનિટ સુધી વિમાન સાથે સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ એને કશો જવાબ ન મળ્યો."
એ જ સમયે એણે પાછળ આવતા ટીડબ્લ્યૂએના વિમાનના પાઇલટનો સંપર્ક કરીને પૂછ્યું કે શું આપની આજુબાજુ, નીચે કોઈ વસ્તુ દેખાય છે? પાઇલટે જવાબ આપ્યો કે, તેઓ કંઈ પણ જોઈ શકતા નથી.
વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયાને 6 મિનિટ થઈ ગઈ હતી. એવામાં જ એમને કૅનેડિયન પૅસેફિક એરનું એક વિમાન આવતું દેખાયું. એને પણ આગળ ઊડતા ટીડબ્લ્યૂએ વિમાન સિવાય કંઈ દેખાયું નહીં.
કન્ટ્રોલરે ટીડબ્લ્યૂએ વિમાનને વિનંતી કરી કે તે એ વિસ્તારનું ચક્કર મારે. પાઇલટ એ માટે તૈયાર થઈ ગયો અને આગળ વધવાને બદલે ઍર ઇન્ડિયાનું વિમાન શોધવા માટે પાછો ફર્યો. કૅનેડિયન પેસેફિક એરના વિમાનનો પાઇલટ પણ ધ્યાનપૂર્વક નીચે જોઈ રહ્યો હતો. એણે કન્ટ્રોલરને પૂછ્યું કે, શું તમે ઍર ઇન્ડિયાના વિમાનને રડાર પર જોઈ શકો છો?
જવાબ મળ્યો, "નૅગેટિવ. એ સ્ક્રીન પરથી ગા