ભારતે સમુદ્રના પેટાળનાં રહસ્યો ઉકેલવા માટે હવે એક સમુદ્રી અભિયાનની યોજના બનાવી છે અને તે યોજના હેઠળ એક સબમરીન બહુ જલદી ત્રણ ભારતીયોને ઊંડા સમુદ્રમાં લઈ જશે. આ સબમરીનનું નામ મત્સ્ય 6000 છે.
અવકાશી મિશનો ચંદ્રયાન, આદિત્ય એલ-1 અને ગગનયાનની જેમ જ આ ભારતની એક મહત્ત્વાકાંક્ષી યોજના છે.
જૂજ દેશો મનુષ્યોને સમુદ્રમાં આટલી ઊંડાઈ સુધી લઈ જવામાં સફળ નીવડ્યા છે. એવામાં જો આ અભિયાન સફળ નીવડે તો ભારત એ અમેરિકા, રશિયા, જાપાન, ફ્રાન્સ અને ચીનની હરોળમાં આવી જશે.
ચેન્નઇ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશન ટેકનૉલૉજીએ આ પરિયોજના બનાવી છે અને ઇસરોએ પણ આ મિશનમાં ઘણું યોગદાન આપ્યું છે.
આ મિશનનો સામાન્ય ઉદ્દેશ્ય સમુદ્રમાં છ કિલોમીટરની ઊંડાઈએ પહોંચીને અધ્યયન કરવું, ત્યાંની જૈવ વિવિધતાનું નિરીક્ષણ કરવું અને ત્યાં ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ ભારતનાં વિકાસ માટે કરવો વગેરે છે.
ભારતના કેન્દ્રીય ‘અર્થ સાયન્સ’ મિનિસ્ટર કિરેન રિજિજુએ 11 સપ્ટેમ્બર, 2023ના રોજ ચેન્નઈમાં એનઆઈઓટીના મુખ્યાલયની મુલાકાત લીધા પછી સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે ભારત આ મિશન માટે તૈયાર છે.
"સબમરીન દરિયાઈ જીવસૃષ્ટિને ખલેલ પહોંચાડશે નહીં. પરંતુ આ મિશન વડા પ્રધાન મોદીના બ્લુ ઈકોનૉમીનાં લક્ષ્યોને મજબૂત બનાવશે."
ટૂંકમાં, ભારત 'ગગનયાન' દ્વારા અવકાશમાં અને 'સમુદ્રયાન' દ્વારા સમુદ્રમાં એક સાથે માનવ મિશન મોકલવાની તૈયારી કરી રહ્યું છે.