11 જાન્યુઆરી, 1966ના રોજ જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીનું તાશકંદમાં નિધન થયું ત્યારે તેમના ઘરે સૌપ્રથમ પહોંચનારી વ્યક્તિ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. આ એક દુર્લભ ઘટના હતી.
વાત છે 26 સપ્ટેમ્બર, 1965ની. ભારત-પાકિસ્તાન યુદ્ધ ખતમ થયાને હજુ ચાર જ દિવસ થયા હતા. વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ દિલ્હીના રામલીલા મેદાનમાં હજારો લોકો સામે બોલવાનું શરૂ કર્યું ત્યારે તેઓ કંઈક વધારે જ સારા મૂડમાં હતા.
તાળીઓના ગડગડાટ વચ્ચે શાસ્ત્રીએ એલાન કર્યું, "સદર અયુબે કહ્યું હતું કે તેઓ દિલ્હી સુધી ચાલતાંચાલતાં પહોંચી જશે. તેઓ આટલા મોટા માણસ છે. મેં વિચાર્યું કે તેમને દિલ્હી સુધી ચાલતા આવવાની તકલીફ કેમ આપવી? આપણે જ લાહોર સુધી જઈને તેમનું સ્વાગત કરીએ."
આ એ જ શાસ્ત્રીજી હતા જેમના પાંચ ફૂટ બે ઇંચના કદ અને અવાજની અયૂબે એક વર્ષ પહેલાં મજાક ઉડાવી હતી.
અયુબ લોકોનું આકલન તેમના આચરણના સ્થાને તેમના દેખાવને આધારે કરતા હતા.
પાકિસ્તાનમાં ભારતના પૂર્વ ઉચ્ચાયુક્ત રહેલા શંકર બાજપેયીએ (જેમનું હાલમાં મૃત્યુ થયું) મને જણાવ્યું હતું, "અયુબે એવું વિચારવાનું શરૂ કરી દીધું હતું કે ભારત કમજોર છે. તેઓ નહેરુના નિધન બાદ દિલ્હી જવા માગતા હતા પરંતુ તેમણે એવું વિચારીને પોતાની દિલ્હીની યાત્રા રદ કરી દીધી હતી કે હવે તેઓ કોની સાથે વાત કરે! શાસ્ત્રીએ કહ્યું આપ ન આવશો, અમે આવી જઈશું."
"તેઓ જૂથનિરપેક્ષ સંમેલનમાં ભાગ લેવા માટે કૈરો ગયેલા હતા. પાછા ફરતી વખતે તેઓ અમુક કલાક કરાચીમાં રોકાયા. જ્યારે શાસ્ત્રીને હવાઈમથક મૂકવા આવેલા અયૂબે પોતાના સાથીઓને ઇશારામાં કહ્યું કે તેમની સાથે વાત કરવાનો કોઈ લાભ નથી, એ ઘટનાનો હું પ્રત્યક્ષદર્શી છું."
કૈરો જઈ રહેલા શાસ્ત્રીને અમેરિકાના રાજદૂત ચેસ્ટર બોલ્સે અમેરિકન રાષ્ટ્રપતિ લિંડન જૉન્સનનું અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું હતું.
જોકે, શાસ્ત્રી આ અંગે કોઈ નિર્ણય લઈ શકે એ પહેલાં જ જૉન્સને પોતાનું આમંત્રણ પાછું ખેંચી લીધું.
આવું ફિલ્ડમાર્શલ અયૂબનું અમેરિકા પર દબાણના કારણે બન્યું હતું.
તેમનું કહેવું હતું કે જ્યારે તેઓ ભારત સાથે નવાં સમીકરણો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અમેરિકાએ વચ્ચે ન આવવું જોઈએ. વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈયર લખે છે કે શાસ્ત્રીએ આ અપમાન માટે જૉન્સનને ક્યારેય માફ નહોતા કર્યા.
થોડા મહિના બાદ તેઓ કૅનેડા જઈ રહ્યા હતા ત્યારે જૉન્સને તેમણે વચ્ચે વૉશિંગટનમાં રોકાવવાનું આમંત્રણ આપ્યું પરંતુ શાસ્ત્રીજીએ તેનો અસ્વીકાર કર્યો હતો.