ગત સપ્તાહાંતે પેલેસ્ટાઇનિયન ઉગ્રવાદી જૂથ હમાસ ઇઝરાયલ કરેલ અભૂતપૂર્વ હુમલો વિશ્વના સૌથી ગીચ અને ગરીબ ગણાતાં ક્ષેત્રો પૈકી એકમાંથી કરાયો હતો.
ગાઝા પટ્ટીમાં સશસ્ત્ર સંઘર્ષોની એક લાંબી શ્રૃંખલા રહી છે. જેમાં કેટલાંક એવાં યુદ્ધોય સામેલ છે જેણે તેના હાલના ઇતિહાસને પરિભાષિત કર્યો છે. ગાઝાને વર્ષ 2007થી નિયંત્રિત કરી રહેલા હમાસ અને ઇઝરાયલ વચ્ચે દાયકાઓથી તણાવભરી સ્થિતિ રહી છે. પરંતુ 7 ઑક્ટોબરે પેલેસ્ટાઇનના ઉગ્રવાદીઓએ કરેલા હુમલાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે.
હમાસે ઇઝરાયલ પર હજારો રૉકેટ છોડ્યાં અને સેંકડો લડવૈયાઓએ સીમા પાર કરીને ઇઝરાયલમાં ઘૂસણખોરી કરીને ત્યાંના લોકો પર હુમલો કર્યો, જેમાં સેંકડો લોકો માર્યા ગયા તથા બીજા કેટલાકને બંદી બનાવી લેવાયા છે.
જવાબમાં ઇઝરાયલે પણ ગાઝા પર મોટા હુમલા કર્યા.
આને છેલ્લી એક પેઢીમાં ઇઝરાયલ પર થયેલો સૌથી મોટો હુમલો ગણાવાઈ રહ્યો છે. તેમજ આ ઑપરેશન ગાઝામાંથી લૉન્ચ કરાયેલ હમાસનુંય સૌથી મહત્ત્વાકાંક્ષી ઑપરેશન મનાઈ રહ્યું છે. પરંતુ જેને અનેક માનવાધિકાર સંગઠનો અને ખુદ પેલેસ્ટાઇનના લોકો દુનિયાની સૌથી મોટી ખુલ્લી જેલ ગણાવે છે, એ જગ્યાનો શો ઇતિહાસ છે?સપ્ટેમ્બર 1992માં તત્કાલીન ઇઝરાયલી વડા પ્રધાન આઇઝેક રૉબિન, જેમની એક યહૂદી ઉગ્રવાદી દ્વારા હત્યા કરી દેવામાં આવી હતી તેમણે એક અમેરિકી પ્રતિનિધિમંડળને કહેલું કે, “હું ગાઝાને સમુદ્રમાં ડૂબી જતું જોવા માગું છું. પરંતુ એવું તો નહીં બને. એટલે આપણે કોઈ સમાધાન શોધવું પડશે.”
આ વાતને 30 કરતાં વધુ વર્ષ થઈ ગયાં, છતાં પણ હજુ એ સમાધાન મળ્યું નથી.
ગાઝા પટ્ટી એ ઇઝરાયલ, ઇજિપ્ત અને ભૂમધ્ય સાગર વચ્ચે આવેલ 41 કિલોમીટર લાંબો અને દસ કિલોમિટર પહોળો વિસ્તાર છે.
તેની નાકાબંધી અને કબજાનો ઇતિહાસ ચાર હજાર વર્ષ જૂનો છે.
ઈસવીસન પૂર્વે સેંકડો વર્ષ પહેલાં પ્રાચીન ઇજિપ્તથી લઈને 16મી શતાબ્દી સુધી ઓટ્ટોમન સામ્રાજ્યના હાથમાં જવા સુધી તેના પર વિભિન્ન રાજવંશો, સામ્રાજ્યો અને લોકો દ્વારા શાસન કરવામાં આવ્યું, નષ્ટ થયું અને ફરી પાછું એ આબાદ થયું. આ ક્રમ અવિરત ચાલતો જ રહ્યો.
ક્યારેક અહીં સિકંદર મહાન, રોમન સામ્રાજ્ય અને મુસ્લિમ જનરલ અમ્ર ઇબ્ન અલ-અસને આધીન પણ આવેલું. આ બદલાવોની સાથે વિસ્તારના ધર્મ, ચડતી-પડતીમાંય ફેરફાર થયા.
ગાઝા 1917 સુધી ઓટ્ટોમન સામ્રાજ્યનો ભાગ હતું. ત્યાર બાદ ગાઝા બ્રિટિશ શાસન હેઠળ આવ્યું. જેણે એકીકૃત આરબ સામ્રાજ્યના નિર્માણની જવાબદારી લીધેલી.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજો અને તુર્કોએ ગાઝા પટ્ટી, ઓટ્ટોમન સામ્રાજ્યના મોટા ભાગના એશિયન આરબ પ્રદેશોના ભવિષ્ય માટે એક કરાર કર્યો. પરંતુ 1919ના પેરિસ શાંતિ સંમેલન દરમિયાન વિજેતા યુરોપિયન શક્તિઓએ એકીકૃત આરબ સામ્રાજ્યની રચનાને અટકાવી દીધી. ત્યાર બાદ તેમણે સમગ્ર પ્રદેશને શ્રેણીબદ્ધ શાસન સ્થાપ્યાં. જેના કારણે આ તાકતો એકમેક વચ્ચે ક્ષેત્રોનું વિભાજન અને સંરક્ષણ કરી શકી.
આમ, ગાઝા પટ્ટી લીગ ઑફ નેશન્સ દ્વારા અધિકૃત પેલેસ્ટાઇનના બ્રિટિશ શાસનનો ભાગ બની ગઈ, આ સ્થિતિ 1920થી 1948 સુધી જળવાઈ રહી.