નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ગરબા રમવા માટે સૌ કોઈમાં થનગનાટ છે. પણ તાજેતરમાં જ ગરબા રમતા રમતા ઢળી પડ્યા બાદ મૃત્યુના અનેક કિસ્સાઓ નોંધાઈ ચૂક્યા છે. જેને હાર્ટઍટેકના કેસ ગણાવાઈ રહ્યા છે.
અઠવાડિયા પહેલાં જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ કરતો 19 વર્ષનો યુવાન વિનીત કુંવરિયા અચાનક ઢળી પડ્યો. વિનીતને સારવાર માટે હૉસ્પિટલ લઈ ગયા પણ ત્યા ડૉક્ટરે તેમને મૃત જાહેર કરાયા. ગરબાના આયોજકે મીડિયા સાથેની વાતમાં કહ્યું કે ''યુવાનને કોઈ શારીરિક સમસ્યા હોય એવી કોઈ જાણ નહોતી. અગાઉ પણ તેઓ પ્રેક્સિસ કરતા જ હતા. પણ એ દિવસે ગરબાના માત્ર બે રાઉન્ડ માર્યા અને ઢળી પડ્યા. અમે તેમને હૉસ્પિટલ લઈને આવ્યા પણ ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યા' . વિનીત છેલ્લા બે મહિનાથી ગરબામી પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
બાર દિવસ પહેલાં જૂનાગઢમાં 24 વર્ષના ચિરાગ પરમાર નામના યુવાનનું પણ દાંડિયા રમતા રમતા મૃત્યુ થયું. ચિરાગ અચાનક ઢળી પડ્યા હતા તેમને પણ સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા પણ ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
લગ્નપ્રસંગમાં ડાન્સ કરતા સમયે હાર્ટઍટેક આવવાથી મૃત્યુ થયાં હોય તેવા અનેક કિસ્સાઓ નોંધાયા છે. ગયા વર્ષે નવરાત્રિમાં પણ ગરબા રમતા રમતા મૃત્યુ થયું હોવાના અનેક કેસ નોંધાયા હતા.
આ સ્થિતિને જોતા રાજકોટ સિવિલ હૉસ્પિટલ અત્યારથી સતર્ક બની ગઈ છે. નવરાત્રીના નવ દિવસ સિવિલ હૉસ્પિટલમાં હાર્ટઍટેક માટે ખાસ 50 બૅડનો એક વૉર્ડ ઊભો કરાયો છે. જ્યાં દવા, ઈન્જેક્શન સહિતની તમામ સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. 20 બેડ મહિલાઓ માટે 20 બેડ પુરુષો માટે તૈયાર કરાયા છે. જ્યાં રાત્રિના સમયે પણ રાત્રીના પણ ડૉક્ટર્સ અને ટીમ વૉર્ડમાં હાજર રહેશે.
તો, રાજકોટના લોહાણા મહાજન સમાજે ગરબા સ્થળ પર ડૉક્ટર્સની ટીમ તહેનાત રાખવાનો નિર્ણય કર્યો છે. જો કોઈને હાર્ટ ઍટેક આવે તો તાત્કાલિક ધોરણે તેમને સારવાર મળી રહે તે માટે નિષ્ણાતોની ટીમ અને ઍમ્બુલન્સની ટીમ તૈનાત રખાશે. સ્થળ પર પ્રાથમિક સારવારના અભાવે કોઈ અનઇચ્છનીય ઘટના ન બને તે માટે સ્વયંસેવકોને પણ તાલીમ આપવાનો નિર્ણય કરાયો છે.
આવા કિસ્સાઓને લઈને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે ''કોરોના બાદ ઘણા બધા એવા કેસ બને છે કે યુવાન હોય, નાની ઉંમર હોય, સિંગલ બૉડી હોય છતાં પણ એને ઍટેક આવી જાય છે. અને એ મૃત્યુ તરફ દોરી જાય છે. તેમાં તકેદારીના ભાગરૂપે ગુજરાતના ગરબા આયોજકો અને જે મંડળો હોય એ અને ગરબા રમતા ભાઈઓ બહેનોને હું ખાસ અપિલ કરું છું કે નવરાત્રિ એ માતાજીનું પર્વ છે, હર્ષોલ્લાસ આનંદથી રમવાનો તહેવાર છે. તેને કોઈ સ્પર્ધાના સ્વરૂપે ન લો. મને કોઈ નામ મળશે એવી લાલચે સ્ટ્રેસ લઈને વધુ ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે આપણાં હૃદયને શ્રમ પડે છે. તેવું ન કરવું જોઈએ.''
હવે જ્યારે નવરાત્રિ નજીક છે ત્યારે ખેલૈયાઓની ચિંતા વધવી એ સ્વાભાવિક છે. પોતે સ્વસ્થ દેખાતા હોય અને કોઈ પણ બીમારીના સંકેત ન હોય છતાં પણ તેઓ ગરબા રમવા માટે સુરક્ષિત છે અને તેમને કોઈ સમસ્યા નહીં સર્જાય તે કેવી રીતે માની શકાય? ચિંતા મુક્ત થઈને ગરબા કેવી રીતે રમી શકાય? ગરબા રમતી વખતે શું તકેદારી રાખવી જોઈએ, ગરબા રમતા પહેલાં શું કરવું તેને લઈને બીબીસીએ કેટલાક ડૉક્ટર્સ સાથે વાત કરી હતી.
ગરબા રમતા કોને આવી શકે છે હાર્ટઍટેક?
ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજીસ્ટ ડૉક્ટર લાલ દાગાએ બીબીસીને જણાવ્યું કે ''ગરબા એ એક પ્રકારની સઘન કસરત છે. જ્યારે તમે લાંબા સમય સુધી ગરબા રમો છો તો તમારા હૃદય પર શ્રમ પડે છે. રોજિંદા જીવનમાં તમારું હૃદય જે શ્રમ સહન કરવા માટે ટેવાયેલું ન હોય તેના કરતાં બેથી ત્રણ ગણો શ્રમ તેને પડે ત્યારે હૃદયનું વર્તન અને રિધમ બદલાઈ શકે છે. અને તે હાર્ટઍટેક જેવી ગંભીર સમસ્યાને નોતરી શકે છે.''
એમડી મેડિસન ડીએમ કાર્ડિયોલૉજીસ્ટ ડૉક્ટર ધવલ દોશીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું ''જ્યારે તમે લોડ લો એટલે કે વધારે પડતું ચાલવામાં આવે, વધારે પડતી કસરત કરવામાં આવો તો હૃદય પર લોડ વધી જાય અને તેને લોહી ન મળે તો તેને હાર્ટઍટેક આવવાની શક્યતા વધી જાય. જ્યારે પણ આપણે ગરબા રમિએ અથવા તો જિમમાં પ્રમાણ કરતાં વધારે કસરત કરીએ તો હાર્ટઍટેકની શક્યતા વધી જાય.''
તેમણે ઉમેર્યું, ''યુવાનોમાં હાર્ટઍટેકનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ ખાસ કરીને 40થી 45 વર્ષની નાની ઉંમરની વ્યક્તિના જે મૃત્યુ થાય છે એમાંથી 50 ટકા હાર્ટઍટેકથી થાય છે અને તે અચાનક થાય છે.''
ડૉક્ટર ધવલ દોશીએ એ લોકોને વધુ તકેદારી રાખવાનું સૂચન કર્યું જેમના પરિવારમાં પહેલેથી જ કોઈને હૃદય સંબંધિત બીમારી છે. તેમના મતે પારિવારિક હૃદયની સમસ્યાના વલણની સ્થિતિમાં હાર્ટઍટેકનું જોખમ વધારે રહેલું હોય છે. તેમણે વધુમાં ઉમેર્યું.
''ખાસ કરીને જેમના પરિવારમાં માતાપિતાને કે દાદાદાદીને જો હાર્ટઍટેક આવી ગયો હોય તો એ યુવાનોમાં પણ હાર્ટઍટેક આવવાની શક્યતાઓ વધી જાય છે. કારણ કે તે યુવાનોમાં એલડીએલ એટલે ખરાબ કૉલેસ્ટ્રોલ એ જનરેટ થયા કરતું હોય છે. જેમને વારસાગત વલણ છે અને આવા યુવાનો જો ગરબા રમે અથવા તો યુવાનોમાં પહેલેથી જ કૉલેસ્ટ્રોલ વધારે હોય, તેમની જીવન શૈલી સારી ન હોય, વ્યસન હોય તો તેમને હાર્ટઍટેક આવવાની શક્યતાઓ વધી જાય છે.''
ડૉક્ટર લાલ દાગાએ એવા યુવાનોને ખાસ કરીને ચેતવ્યા છે જેમને કોઈકને કોઈક વ્યસન છે. તેમણે ઉમેર્યું ''જો તમારા પરિવારમાં હાર્ટઍટેકની ઘટના બની હોય. જો તમે તમાકુ, સિગારેટ, બીડી, દારુનું વ્યસન કરતા હોવ. જો તમારા શરીરમાં બ્લડ પ્રેશર, કિડની કૅન્સર જેવી બીમારી હોય તો આવા કિસ્સામાં હાર્ટઍટેકની બીમારીનું પ્રમાણ વધારે હોય છે.''