કૅનેડાના ટૉરેન્ટોથી લગભગ 400 કિલોમીટર દૂર આવેલા ઑન્ટારિયોના નૉર્થ-2માં કૅનાડોર કૉલેજમાં પ્રવેશ મેળવી ચૂકેલા ભારતીય વિદ્યાર્થીઓએ અનોખું પ્રદર્શન કર્યું. આ વિદ્યાર્થીઓને પરવડે તેવા રેટમાં રહેઠાણ ન આપ્યું હોવાથી તેઓ કૉલેજની સામે ટૅન્ટ લગાવીને વિરોધપ્રદર્શન કરવા બેસી ગયા.
રસ્તા પર ટૅન્ટ લગાવીને તેમાં રહીને વિરોધ કરતા આ 50 જેટલા વિદ્યાર્થી પૈકી મોટા ભાગના પંજાબના હતા.
જોકે, આખરે કૅનાડોર કૉલેજ સત્તાધીશોએ તેમની લડત સામે ઝૂકવું પડ્યું અને તેમને પરવડે તેવા રેટ પર રૂમ કે ઍકોમોડેશન આપવાનું વચન આપવું પડ્યું.
આ વિદ્યાર્થીઓના વિરોધના તંબુ તો હવે હઠી ગયા છે પણ સમસ્યા ઠેરની ઠેર છે.
આખા કૅનેડામાં હાલ ભાડે ઘર મળવું બહુ મોંઘું થઈ ગયું છે અને તેને કારણે ત્યાં ભણવા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.
ભારતથી કૅનેડા ભણવા ગયેલા કેટલાક વિદ્યાર્થીઓનું માનવું છે કે તેમને રહેવા અને ખાવા માટે અપેક્ષા કરતાં લગભગ બમણો ખર્ચ થઈ રહ્યો છે જેને કારણે તમને હવે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જાણકારોનું કહેવું છે કે કૅનેડામાં હાલ ઍફોર્ડેબલ હાઉસિંગના પ્રશ્નો છે, સાથે આ વર્ષે બહારથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ લગભગ બમણી થઈ ગઈ હોવાથી ભાડે ઘર લેવું મોંઘું બન્યું છે અને ઘણા લોકોએ કેટલીક વાર ગુરુદ્વારા કે મંદિરમાં આશરો લેવો પડે છે.