ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
રાજ્યમાં આવનારા ચારથી પાંચ દિવસ સુધી હજી પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેના કારણે ઘણા વિસ્તારોમાં નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા છે.
બંગાળની ખાડીમાં બનેલી મજબૂત સિસ્ટમ મધ્યપ્રદેશ પરથી થઈને રાજસ્થાન અને ગુજરાત પર આવશે. ત્યાર બાદ તે કચ્છ પર થઈને અરબી સમુદ્રમાં જાય તેવી શક્યતા છે.
આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે અને આવનારા બેથી ત્રણ દિવસ સુધી ગુજરાત પર રહેશે અને આગળ વધશે. સિસ્ટમ મજબૂત હોવાના કારણે મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં અસાધારણ ભારે વરસાદ નોંધાયો છે અને ઘણા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી. એવું માનવામાં આવે છે કે આ વરસાદને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં પાકને જીવતદાન મળશે. જોકે, બીજી તરફ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાકને નુકસાન થવાની પણ શક્યતા છે.
નોંધનીય છે કે હાલ ગુજરાતમાં ઘણા જિલ્લામાં ધોધમાર વરસાદ ચાલીય રહ્યો છે. જેના કારણે રાજ્યના ઘણા ડૅમોમાં પાણી ભારે આવક થઈ છે.
સ્થાનિક અહેવાલો અનુસાર ભારે વરસાદને કારણે નર્મદા, વડોદરા અને દાહોદના કેટલાક વિસ્તારોમાં ભારે પાણી ભરાયાં છે.
અમદાવાદ-ગાંધીનગરમાં પણ અનરાધાર વરસાદ પડી રહ્યો છે.
અહેવાલો અનુસાર નર્મદા ડૅમના 30માંથી 23 દરવાજા ખોલાતાં આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હોવાની સમસ્યા પણ સર્જાઈ છે.