મેં પાછલાં કેટલાંય વર્ષથી ના તો એક પણ સગાંસંબંધીના પ્રસંગમાં હાજરી આપી છે કે ના એક પણ દિવસની રજા લીધી છે. હું દિવસ-રાત, ચોવીસ કલાક ખેતરમાં જ રહુ છું."
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ઓરવાળા ગામના ભરતભાઈ પરમાર મકાઈની ખેતી કરે છે. તેમની ફરિયાદ છે કે તેમના વિસ્તારમાં નીલગાયનો ઘણો ઉપદ્રવ છે.
તેઓ કહે છે કે, "અમે ખેતરની ફરતે ફેન્સિંગ બનાવીએ તો પણ આખી રાત જાગવું તો પડે જ નહીંતર જાનવરો ફેન્સિંગ તોડીને ખેતરમાં આવી જાય છે. મેં ત્રણ-ચાર કૂતરાંય પાળ્યાં છે, જે નીલગાયથી બચાવમાં મદદ કરે છે."
નીલગાયની વિનાશક અસર અંગે તેઓ કહે છે, "જો આંખ લાગી જાય તો નીલગાય આખેઆખા પાકનો નાશ કરી દે છે. નીલગાયના આતંકને લીધે મારે દરેક સિઝનમાં 30-40 ટકાનું નુકસાન થાય છે."
આવું જ કંઈક કહેવું કે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના મિતિયાજ ગામના ખેડૂત વિજયભાઈ ગોહીલનું. તેમને મગફળીની ખેતી છે. તેઓ બીબીસી સાથે વાત કરતા કહે છે કે નીલગાયને કારણે ખેડૂતો ત્રાહિમામ્ પોકારી જાય છે.
તેમની ફરિયાદ છે કે મગફળીનો પાક તૈયાર થાય એટલે નીલગાય આવીને બીજ ખાઈ જાય છે. એ ખાય થોડું છે પરંતુ મોટા ભાગના પાકનું નુકસાન કરી જાય છે.
તેઓ નીલગાયને કારણે થતા નુકસાન અંગે વાત કરતાં કહે છે કે, “જો નજરચૂક થઈ જાય તો ખેડૂતને એક વીઘા પર પાંચથી સાત મણ જેટલા પાકનું નુકસાન થાય છે, એટલે કે એક વીઘે આઠથી દસ હજારનું નુકસાન.”
ખેડૂતોને ખેતીમાં પ્રાણીઓથી રક્ષણ મળી રહે તે માટે સરકારી યોજનાઓ પણ છે જેમાં સરકાર ખેડૂતોને સહાય પૂરી પાડે છે.
જોકે જ્યાં જ્યાં નીલગાયની હાજરી મોટા પ્રમાણમાં છે એ દરેક જગ્યાએ ખેડૂતો પોતાની આવી જ દુર્દશા હોવાની ફરિયાદ કરે છે.
ગુજરાતમાં સારી એવી સંખ્યામાં નીલગાયની હાજરી ધરાવતા વિસ્તારોમાં ખેડૂતો સતત નીલગાયના ‘ઉપદ્રવ’ની ફરિયાદ કરતા જોવા મળે છે. ખેડૂતોની ફરિયાદ અનુસાર ખેતર ફરતે ફેન્સિંગ કર્યા છતાં નીલગાયના કારણે સર્જાતી મુશ્કેલીને પગલે ખેડૂતોએ લગભગ આખો દિવસ ખેતરની રખેવાળી કરવી પડે છે.
ખેડૂતોની ફરિયાદ છે કે નીલગાય તેમના ખેતરમાં ઊભા પાકને કચડીને હજારો રૂપિયાનું નુકસાન કરે છે. ખેડૂતો આ ‘ઉપદ્રવ’ને ડામવા સરકારને અસરકારક નીતિ બનાવી પગલાં લેવાની અરજ કરતા જોવા મળ્યા હતા.
ખેડૂતો નીલગાયને કારણે સર્જાતી મુશ્કેલીનો ઉપાય કરવા માટે સરકારને પ્રાણીઓના ખસીકરણ જેવા પગલાં લેવાની માગ કરે છે. તો બીજી તરફ સરકારી અધિકારી આ કામને ‘મુશ્કેલ અને અશક્ય’ ગણાવે છે.
ગુજરાત સરકારે જાહેર કરેલી માહિતી અનુસાર રાજ્યના કચ્છ, દેવભૂમિ-દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને વડોદરા અને આણંદ જેવા 17 જિલ્લામાં નીલગાયનો ભય પ્રવર્તે છે.નીલગાય અને તેના કારણે ખેડૂતોને થતા નુકસાનથી સાવ અજાણ હોય એવી વ્યક્તિના મનમાં એ પ્રશ્ન જરૂર થઈ શકે કે - આખરે કોઈ જાનવરને કારણે ખેડૂતોને ‘હજારોનું નુકસાન’ કેવી રીતે થઈ શકે?
ગીર સોમનાથના ખેડૂત આગેવાન સૂરપાલ બારડ નીલગાયની પાકને નુકસાન પહોંચાડવાની રીતો વિશે વાત કરતાં કહે છે કે, "જો નીલગાય ખેતરમાં આવી જાય તો આખા પાકનો નાશ કરીને જાય છે. તે ખેતરમાં આરામ કરે છે, વાવેતરનાં કૂણાં બીજ ખાઈ જાય છે અને આખા ખેતરમાં આળોટે છે. ખેતરમાં તેના ફક્ત હલનચલનથી જ આખા પાકનો નાશ થઈ જાય છે."
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચર રિસર્ચ (આઈસીએઆર)ના અહેવાલો પ્રમાણે મુખ્યત્વે નુકસાન નીલગાય દ્વારા ખેતરમાં આરામ અને હલનચલન દરમિયાન ઘાસચારો અને પાકને કચડી નાખવાને કારણે થાય છે.
અહેવાલમાં એવું પણ જણાવ્યું છે કે જ્યાં નીલગાયની સંખ્યા ઓછી છે ત્યાં ઘઉંના પાકને 20-30 ટકા નુકસાન, કઠોળને 40-50 ટકા સુધી અને કપાસને 25-40 ટકા સુધી નુકસાન થાય છે. પણ જ્યાં નીલગાયની સંખ્યા વધુ છે ત્યાં તે પાકને 60 ટકા સુધી પણ નુકસાન કરી શકે છે.