ઑસ્ટ્રેલિયાના 200 રનનો પીછો કરતા ભારતના ત્રણ બૅટ્સમૅન વગર ખાતું ખોલે જ પેવેલિયન ભેગા થઈ ગયા હતા, એવું લાગ્યું કે જાણે ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલરો સામે ભારતનો ટૉપ ઑર્ડર ધ્વસ્ત થઈ ગયો. પરંતુ વિરાટ કોહલી અને કેએલ રાહુલની ભાગીદારીના દમ પર ભારતે વન-ડે વર્લ્ડકપ 2023ની શરૂઆત જીત સાથે કરી. ભારતે પોતાની પહેલી મૅચમાં 6 વિકેટે ઑસ્ટ્રેલિયા સામે વિજય મેળવ્યો છે.
આ સાથે વર્ષ 1992ના વર્લ્ડકપ બાદ પહેલી વખત એવું જોવા મળ્યું કે ઑસ્ટ્રેલિયાએ હારથી વર્લ્ડકપની શરૂઆત કરી હોય.
બીમાર શુભમન ગિલની જગ્યાએ ઓપનર ઇશાન કિશને પહેલી જ ઓવરમાં મિચેલ સ્ટાર્કે આઉટ કરી દીધો. ત્યારબાદ બીજી ઓવરમાં જોશ હૅઝલવૂડે પહેલા કપ્તાન રોહિત શર્મા અને પછી શ્રેયસ અય્યરને આઉટ કરી દીધા. આ ત્રણેય બૅટ્સમૅન એક પણ રન સ્કોર બોર્ડ પર નોંધાવી ન શક્યા.
ક્રિકઇન્ફો વેબસાઇટના પ્રમાણે આ પહેલી વાર બન્યું કે વન-ડે ક્રિકેટમાં ભારતના શરૂઆતી ત્રણ બૅટ્સમૅન રનનું ખાતુ ખોલાવે એ પહેલાં જ આઉટ થઈ ગયા. જ્યારે ભારતે ત્રણ વિકેટ ગુમાવી ત્યારે સ્કોર બોર્ડ પર સ્કોર માત્ર બે રનનો હતો.
પરંતુ આ બધા વચ્ચે કૉમેન્ટ્રેટર્સ સતત જેને ‘ચૅઝ માસ્ટર’ કહી રહ્યા હતા એ વિરાટ કોહલી અને કેએલ રાહુલ ખૂબ જ સંભાળીને બેટિંગ કરવાની શરૂ કરી હતી.
જ્યારે ભારત બેટિંગ કરવા ઊતર્યું ત્યારે તેની સામે સ્કોરનો પહાડ તો નહોતો પરંતુ જે રીતે ઑસ્ટ્રેલિયાના શરૂઆતી બૉલરોએ સ્પેલ નાખ્યો એ જોતા 200 રનનો પીછો પણ અઘરો જણાઈ રહ્યો હતો.
વિરાટ કોહલીને કેએલ રાહુલનો સાથ મળ્યો અને ધીરે ધીરે ભારત રનનો પીછો કરતા આગળ વધ્યું જ હતું ત્યાં 8મી ઓવરના ત્રીજા બોલે કંઈક એવું થયું કે ચેન્નાઈના મેદાનમાં હાજર હજારો પ્રેક્ષકો અને આ મૅચને જોનાર કરોડો દર્શકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
ખરેખર થયું એવું કે ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર હેઝલવૂડ બૉલિંગ કરી રહ્યા હતા અને 8મી ઓવરનો ત્રીજો બૉલ તેમણે કોહલીને બાઉન્સર નાખવાનો પ્રયાસ કર્યો.
કોહલીએ શૉટ મારવાનો પ્રયાસ કર્યો અને બૉલ હવામાં ગયો. તેને કૅચ કરવા વિકેટકીપર અને માર્શ બન્ને દોડ્યા, માર્શે ડાઇવ મારી અને બૉલ તેમના હાથ સુધી પહોંચી ગયો પરંતુ બૉલ બન્ને હાથની વચ્ચેથી માર્શના પગમાં અડી ડ્રૉપ થઈ ગયો.
આ ક્ષણે વિરાટ કોહલી માત્ર 12 રને રમી રહ્યા હતા. આ એક કૅચ ડ્રૉપ થયો અને વિરાટ કોહલીએ જે રીતે બેટિંગ કરવાનું શરૂ કર્યું એ જોતા લાગ્યું કે ઑસ્ટ્રેલિયાના હાથમાંથી બાજી સરકી કરી છે.
ત્યારબાદ એક પણ ઑસ્ટ્રેલિયાના બૉલર કે સ્પિનર ભારતના વિરાટ કોહલી અને કેએલ રાહુલની ભાગીદારી તોડી ન શક્યા. વિરાટ અને રાહુલે મળીને 215 બૉલમાં 165 રનની ભાગીદારી નોંધાવી ભારતની જીતનો પાયો મજબૂત કરી દીધો.
પરંતુ 38મી ઓવરમાં ફરી હેઝલવૂડ બૉલિંગ કરી રહ્યા હતા અને કોહલી ક્રીઝ પર 85 રને રમી રહ્યા હતા એવામાં ઓવરના ચોથા બૉલે મિડ વિકેટ તરફ ઊભેલા માનુસના હાથમાં વિરાટનો કૅચ પકડાઈ ગયો. વિરાટ કોહલીએ 114 બૉલનો સામનો કર્યો અને 85 રન નોંધાવ્યા.
મૅચની વાત કરીએ તો બીજા પાવરપ્લેમાં એટલે કે 10થી 40મી ઓવર સુધીમાં ભારતે 155 રન કર્યા અને માત્ર એક વિકેટ ગુમાવી હતી.
ભારત તરફથી સૌથી વધુ કેએલ રાહુલે 115 બૉલમાં 97 રને નોટઆઉટ રહ્યા, વિરાટ કોહલીએ 85, હાર્દિક પટેલે 11 રન જ્યારે કપ્તાન રોહિત શર્મા, ઇશાન કિશન અને શ્રેયસ ઐયર શૂન્ય પર આઉટ થયા.
જ્યારે ઑસ્ટ્રેલિયા તરફથી જોશ હૅઝલવૂડે સૌથી વધુ 3 વિકેટ અને સ્ટાર્કે 1 વિકેટ લીધી હતી. જ્યારે કપ્તાન કમિન્સ, મૅક્સવેલ, ઝામ્પા અને ગ્રીનને એક પણ વિકેટ મળી નહોતી.
કેએલ રાહુલ પ્લૅયર ઑફ ધ મૅચ બન્યા.