એપ્રિલ 1979માં પટિયાલાની પંજાબી યુનિવર્સિટીમાં એક કૉન્ફરન્સ યોજાઈ હતી. ત્રણ કલાક સુધી ભાષણો ચાલ્યા અને સૌ કંટાળી ગયા હતા. સંચાલક આભાર વિધિ માટે ઊભા થયા અને એ જ વખતે ત્યાં હાજર લોકો પણ હવે જમવાનો સમય થયો છે એમ સમજીને ઊભા થવા લાગ્યા હતા.
અચાનક હોલના પાછળના ભાગેથી બે લોકો દોડતા આવ્યા અને સ્ટેજ પર ચડી ગયા. તેમણે ભારતીય બંધારણ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને હવામાં કાગળો ફેંક્યા. પછી જેટલી ઝડપથી અંદર ઘૂસ્યા હતા એટલી જ ઝડપથી દોડીને બહાર નીકળી ગયા.
બીજા દિવસે 'ધ ટ્રિબ્યુનલ' વર્તમાનપત્રના તંત્રી અને જાણીતા પત્રકાર પ્રેમ ભાટિયાએ લખ્યું કે યુનિવર્સિટી કોન્ફરન્સમાં બનેલી ઘટના ઘણી ગંભીર છે. તેમણે 'ખાલિસ્તાન' નામના એક શબ્દનો ઉલ્લેખ પણ કર્યો હતો, જેને ટ્રિબ્યુનના વાચકોએ આ પહેલાં ક્યારેય સાંભળ્યો નહોતો.
ભારતની આઝાદીના થોડા વર્ષો પછી બ્રિટન, અમેરિકા અને કૅનેડામાં સ્થાયી થયેલા ભારતીયોમાં સૌથી વધુ સંખ્યામાં પંજાબના શીખ હતા. આમાંના કેટલાક લોકો બ્રિટિશ શાસન દરમિયાન આ દેશોમાં સ્થાયી થયા હતા.
આ શીખો માટે મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે તેઓ જ્યાં કામ કરતા હતા તે કંપનીઓએ તેમને દાઢી ના રાખે અને પાઘડી ના પહેરે એવું કહેવાનું શરૂ કર્યુ.
શીખોએ ભારતીય હાઈકમિશન સમક્ષ આ બાબતે ફરિયાદો કરી, પરંતુ હાઈકમિશને આ મામલે દખલ કરવાનો ઇન્કાર કર્યો. શીખોને સલાહ અપાઈ કે તેમણે આ માટે સ્થાનિક વહીવટીતંત્રનો સંપર્ક કરવો રહ્યો.
રૉના ભૂતપૂર્વ એડિશનલ સેક્રેટરી, બી રમણે શીખ અલગતાવાદ વિશે તૈયાર કરેલા તેમના શ્વેતપત્રમાં લખ્યું છે, "ભારત સરકારે શીખોના આ પ્રકારના મુદ્દાઓને વિદેશી સરકારો સમક્ષ ઉઠાવવામાં દાખલેવા ખચકાટને કારણે બ્રિટન, અમેરિકા અને કૅનેડામાં રહેતા શીખોના એક વર્ગમાં એવી લાગણી જન્મી કે પોતાનો એક અલગ દેશ હોય તો જ પોતાના ધાર્મિક અધિકારોની સુરક્ષા થઈ શકે છે."
"બ્રિટનમાં શીખ બસ ડ્રાઇવરો અને કંડક્ટરોએ ચરણસિંહ પંછીના નેતૃત્વમાં શીખ હોમ રૂલ મૂવમેન્ટ શરૂ કરી. તેવી જ રીતે અમેરિકાના કેટલાક સુખી શીખ ખેડૂતોએ 'યુનાઇટેડ શીખ અપીલ'ની સ્થાપના કરી. જોકે મોટાભાગના શીખો આ સંગઠનોથી દૂર રહ્યા અને તે લોકોએ અલગ શીખ રાષ્ટ્રના વિચારને સમર્થન આપ્યું નહોતું."
1967 થી 1969 દરમિયાન પંજાબ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર રહેલા જગજીતસિંહ ચૌહાણ બાદમાં પંજાબના નાણાં મંત્રી બન્યા. થોડા સમય પછી તે લંડનમાં સ્થાયી થયા. લંડન ગયા પછી તે શીખ હોમ રૂલ લીગમાં સભ્ય બન્યા અને આગળ જતા તેના પ્રમુખ પણ બની ગયા.
ચૌહાણે લીગનું નામ બદલીને ખાલિસ્તાન આંદોલન કરી નાખ્યું. ચૌહાણ બ્રિટનમાં વસવાટ કરે એ અગાઉ જ તે પાકિસ્તાન હાઈકમિશન અને લંડનમાં અiમેરિકી રાજદૂત કચેરી સાથે શીખ હોમ રૂલ આંદોલનના નેતાઓના સંપર્કમાં હતા.
રૉમાં વધારાના સચિવ તરીકે કામ કરી ચૂકેલા બી. રમણે તેમના પુસ્તક 'કાઉ બોયઝ ઓફ રૉ'માં લખ્યું છે, "પાકિસ્તાનના લશ્કરી તાનાશાહ જનરલ યાહ્યાખાને જગજીતસિંહ ચૌહાણને પાકિસ્તાન આવવા આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાનમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું અને તેમનો પ્રચાર પંજાબના શીખ નેતા તરીકે કરાયો હતો."
"આ મુલાકાત વખતે જ પાકિસ્તાનની સરકારે તેમને પાકિસ્તાન ખાતેના ગુરુદ્વારાઓમાં રાખવામાં આવેલા પવિત્ર શીખ દસ્તાવેજો ભેટમાં આપ્યા હતા. ચૌહાણ તેને બ્રિટન લઈ ગયા અને પોતાને શીખોના નેતા દર્શાવવા તેનો ઉપયોગ કર્યો."