કપડાં, મીમ્સ, ગીતો કે ડાન્સ આ બધું જ સોશિયલ મીડિયામાં ઝડપથી ટ્રૅન્ડમાં આવી જાય છે.
હાલ યુવાઓમાં આવો જ એક ટ્રૅન્ડ લોકપ્રિય થયો છે. આ છે કોરિયન યુવતીઓ જેવી ચમકદાર ત્વચા અને વાળ મેળવવા માટેની ટિપ્સનો ટ્રેન્ડ.
કોરિયાના બીટીએસ, બ્લૅક પિન્ક પોપ બૅન્ડ્સ, કોરિયન ગીતો, કપડાં કે ડ્રામા તથા તેમાં કામ કરનારા કલાકારો પણ યુવાઓમાં ખૂબ જ લોકપ્રિય છે.
કોરિયન લોકો જેવી ચમકતી સૌમ્ય ત્વચા મેળવવાની ઘેલછા પણ એટલી હદે વધી ગઈ છે કે લોકોએ કોરિયન લોકોનાં સૌંદર્ય પ્રસાધનો વાપરવાનું શરૂ કરી દીધું છે.
ઘણી ભારતીય મહિલાઓ ખાસ કરીને દક્ષિણ ભારતીય યુવતીઓ સોશિયલ મીડિયામાં એ ચર્ચા કરી રહી છે કે કોરિયન યુવતીઓની ત્વચા આટલી ચમકદાર કઈ રીતે હોય છે?
તો શું આપણે કોરિયન લોકો જે સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરે છે તેનો ઉપયોગ કરીને તેમના જેવી ચમકદાર ત્વચા મેળવી શકીએ?
તે ભારતના વાતાવરણમાં અનુકૂળ છે ખરાં? ડર્મેટોલૉજીસ્ટ (ચામડીના રોગ અને એ બાબતોના ડૉક્ટરો) આ વિશે શું કહે છે?
કોરિયન લોકોની ત્વચા મોટા ભાગે ખીલ કે ડાઘા વગરની હોય છે. જો કે તેમની સુંદર ત્વચાનો આધાર ખોરાક, વાતાવરણ, ત્વચાની સારસંભાળ અને આનુવંશકિતા સહિતની અનેક બાબતો પર છે.
ઉપરાંત કોરિયનોની ત્વચા ઠંડા અને સૂકા વાતાવરણને પણ અનુકૂળ હોય છે. તેથી તેમની ત્વચાની સારસંભાળ માટે જે પ્રોડક્ટ્સ બનાવાય છે તે કોરિયનોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ બનાવાય છે.
કોરિયનો તેમની ત્વચાની ખૂબ કાળજી લે છે એમાં બેમત નથી. મતલબ તેઓ તેમની ત્વચાની સંભાળ રાખવા રોજ 10 થી 20 રીતો અજમાવે છે. આ તેમની દિનચર્યાનો ભાગ છે. તેઓ રોજ ક્લિન્સિંગ, ટોનિંગ, ઍસેન્સ સ્પ્રે, સ્લીપિંગ માસ્ક વગેરેનો ઉપયોગ કરે છે.
આ સિવાય કુદરતી ઉપાયો પણ અજમાવતા રહે છે. તેઓ તરબૂચના લાલ ભાગ અને છાલ વચ્ચે જે સફેદ ભાગ હોય છે તેને તેઓ ચહેરા પર લગાવતા હોય છે.
કોરિયામાં માત્ર મહિલાઓ જ નહીં પણ પુરૂષો પણ ત્વચાની સંભાળ લે છે.
કોરિયન સૌંદર્ય પ્રસાધનોમાં શું-શું હોય છે? ભારતમાં જ નહીં અન્ય દેશોમાં કોરિયન લોકો જેવી ત્વચા મેળવવાની ઘેલછા વધી છે.
મોટાભાગના કોરિયન સૌંદર્ય પ્રસાધનોમાં કુદરતી તત્ત્વો હોય છે. જે ત્વચાને થયેલી હાનિની સારવારમાં, રક્ત પરિભ્રમણને સુધારવામાં, મૃત કોષોને પુનર્જીવિત કરવા અને ત્વચાની અન્ય બીમારીઓને દૂર કરવામાં અસરકારક હોવાનું કહેવાય છે.