પાછલા કેટલાક દિવસથી ગુજરાતના બનાસકાંઠામાં આવેલા પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓના પ્રસાદ માટે મોહનથાળ બનાવતી ખાનગી પેઢીએ પ્રસાદમાં બનાવટી ઘીનો ઉપયોગ કર્યાનો મામલો સમાચારોમાં ચગી રહ્યો છે.
'મોહિની કૅટરર્સ' નામની ખાનગી પેઢીને ભાવિકો માટે મોહનથાળનો પ્રસાદ બનાવવાની જવાબદારી સોંપાઈ હતી, પરંતુ રાજ્યના ફૂડ ઍન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ ઍડમિનિસ્ટ્રેશનની (એફડીસીએ) તપાસમાં પ્રસાદમાં ઉપયોગમાં લેવાતા ઘીની શુદ્ધતા વિશે ચોંકાવનારી હકીકતો સામે આવી હતી.
તપાસમાં ખબર પડી હતી કે મોહિની કૅટરર્સ દ્વારા માધુપુરાની એક ખાનગી પેઢી મારફતે હલકી ગુણવત્તાવાળું ઘી ખરીદી તેના ડબ્બા પર અમૂલનું નકલી બ્રાન્ડિંગ કરાયું હતું.
ફૂડ ઍન્ડ ડ્રગ કંટ્રોલ ઍડમિનિસ્ટ્રેશ કમિશર એચ. જી. કોશિયાએ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 15 સપ્ટેમ્બરના રોજ જ મોહિની કૅટરર્સ પાસેથી જપ્ત કરાયેલા ઘીના નમૂના ‘હલકી ગુણવત્તાવાળા’ હોવાની ખબર પડી ગઈ હતી. પરંતુ શ્રદ્ધાળુઓમાં આ બાબતને લઈને ગભરાટ ન ફેલાય એ હેતુથી પરિણામ જાહેર નહોતાં કરાયાં.
હવે જ્યારે આ વિવાદને કારણે સમગ્ર રાજ્યમાં નકલી ઘીનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે બીબીસીએ નકલી ઘી બનાવવાની રીત અને તેને ઓળખવાની કારગત પદ્ધતિ વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
રાજકોટના મ્યુનિસિપલ કૉર્પોરેશનના આરોગ્ય શાખામાં ડેપ્યુટી હેલ્થ ઑફિસર ડૉ. હાર્દિક મહેતાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ઓછા રોકાણે વધુ નાણાં કમાવવાની લાયમાં કેટલાક લોકો દ્વારા નકલી બનાવવા માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ વિશે જાણકારી આપી હતી.
તેમણે કહ્યું હતું કે, “નકલી ઘી બનાવવા માટે લેભાગુ તત્ત્વો દ્વારા મોટા પ્રમાણમાં અલગ અલગ પ્રકારનાં વનસ્પતિ ઘી અને તલના તેલનો ઉપયોગ કરાય છે. આ નકલી ઘીનું બંધારણ અને ચીકાશ લાગે એ હેતુથી આ પદ્ધતિ કારગત સાબિત થાય છે.”
આ સિવાય તેઓ કહે છે કે નકલી ઘીમાં અસલી ઘી જેવી સુગંધ અને ફ્લેવર સુનિશ્ચિત કરવા માટે જુદા જુદા ફ્લેવરનો પણ ઉપયોગ કરાય છે. આના કારણે મોટા ભાગના કિસ્સામાં નકલી ઘીમાંથીય ઑરિજિનલ જેવી સુગંધ આવતી હોય છે.
ડૉ. હાર્દિક નકલી ઘીનો ઉપયોગ કરવાનાં ભયસ્થાનો વિશે વાત કરતાં કહે છે કે, “નકલી ઘીનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી હૃદયરોગ અને સ્ટ્રોક જેવી લાંબા ગાળાની ગંભીર બીમારીઓ થવાનો ખતરો રહે છે.”
તેઓ જાહેર જનતાને બજારમાં મળતા નકલી ઘી મામલે સાવચેત રહેવાનું જણાવતાં કહે છે કે, “અસલી જેવું દેખાતું માર્કેટમાં મળતું નકલી ઘી ઘણી વખત અસલ કરતાં થોડા ઓછા ભાવે વેચાય છે. તેથી ખરીદતી વખતે ગ્રાહકે ખૂબ ધ્યાન રાખવું એ હિતાવહ છે.”
તેઓ અસલી ઘી અને નકલી ઘી વચ્ચે ફરક કરવામાં ગ્રાહકોને પડતી મૂંઝવણ અંગે વાત કરતાં કહે છે કે, “ઘણી વાર નકલી ઘી પણ લોકોને શંકા ન પડે એટલે અસલ ઘીના ભાવે જ વેચાતું હોય છે. તેને જોઈને પણ તેની ઓળખ કરવાનું કામ મુશ્કેલ છે. તેથી ઘી ખરીદતી વખતે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે.”
“અસલી ઘી પર આઇએસઆઇનું માર્કિંગ અને એફએસએસઆઇનું રજિસ્ટ્રેશન નંબર કે લાઇસન્સ નંબર હોય છે. આ સિવાય પૅકમાંના પોષકતત્ત્વોનો ચાર્ટ, સામગ્રી વગેરે જોઈને પ્રોડક્ટ ખરીદવી જોઈએ.”