મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સુધીર મુનગંટીવારે તાજેતરમાં એક જાહેરાત કરી હતી અને તેના પગલે ફરી નવેસરથી ચર્ચા શરૂ થઈ છે.
સુધીર મુનગંટીવારે જાહેરાત કરી હતી કે “છત્રપતિ શિવાજી મહારાજના વાઘનખને મહારાષ્ટ્ર લાવવાના પ્રયાસો ચાલુ છે અને હું બ્રિટિશ વહીવટીતંત્ર સાથે સમજૂતી કરાર કરીને નવેમ્બરના અંત સુધીમાં તેને મહારાષ્ટ્ર પાછા લાવીશ.”
તેથી મહારાષ્ટ્રમાં વાઘનખનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. આમ તો શિવાજી મહારાજની તલવાર, વાઘનખ, ટીપુ સુલતાનની તલવાર, કોહીનૂર હીરો અને મયૂર સિંહાસન વિશેની ચર્ચા પણ થાય છે, પરંતુ આ વખતે પહેલી વાર સરકારના કોઈ પ્રધાને વાઘનખ ભારત ક્યા મહિનામાં પરત લાવવા એ વિશેનું સ્પષ્ટ નિવેદન કર્યું છે.
યુરોપનાં ઘણાં સંગ્રહાલયોમાં વિશ્વભરની અનેક વસ્તુઓનો સંગ્રહ અને પ્રદર્શન જોવા મળે છે. વસાહતી સમયગાળામાં ત્યાં લઈ જવામાં આવેલી વસ્તુઓને પરત મેળવવાના પ્રયાસ ઘણા દેશો કરી રહ્યા છે. એમાંથી કેટલાક પ્રયાસ સફળ થયા હોવાનું પણ તમે વાંચ્યું હશે.
ભારતમાં પણ એવી વસ્તુઓ પરત મેળવવાની માગ અને ચર્ચા શરૂ થઈ છે.
શિવાજી મહારાજના વાઘનખ લંડનના વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં છે. આ વાઘનખ પ્રદર્શનાર્થે મૂકવામાં આવ્યા છે. ભારતમાંથી ઇંગ્લૅન્ડ ગયેલા ઘણા લોકોએ મ્યુઝિયમની મુલાકાત દરમિયાન તે વાઘનખ નિહાળ્યા છે.
મ્યુઝિયમમાં દરેક વસ્તુનો રેકૉર્ડ હોય છે. વાઘનખ સંદર્ભે મ્યુઝિયમમાં આ મુજબની નોંધ છેઃ “આ હથિયાર જેમ્સ ગ્રેટ ડફ (1789-1858)ના કબજામાં હતું. તેઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારી હતા અને 1818માં તેઓ સતારા ખાતે રેસિડેન્ટ એટલે કે પૉલિટિકલ એજન્ટ હતા. આ શસ્ત્રની સાથે એક બૉક્સ છે, જેના પર સ્કૉટલૅન્ડમાં કેટલુંક લખાણ છે. આ વાઘનખ શિવાજી મહારાજના છે અને વાઘનખની મદદથી શિવાજી મહારાજે એક મોગલ સરદારને મારી નાખ્યા હતા. આ શસ્ત્ર જેમ્સ ગ્રાન્ટ ઑફ ઇડનને, તેઓ સતારા ખાતે રહેતા હતા ત્યારે મરાઠા વડા પ્રધાન પેશવાએ આપ્યું હતું.”
રેકૉર્ડમાં એવી નોંધ પણ છે કે “બાજીરાવ દ્વિતીયે 1818માં બિઠુર જતાં પહેલાં અંગ્રેજોને કેટલાંક શસ્ત્રો આપ્યાં હોવાની શક્યતા છે. જોકે, 160 વર્ષ પૂર્વે જેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે આ જ વાઘનખ છે કે કેમ તે સાબિત કરવું શક્ય નથી.”
મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્રાલયે વાઘનખ મહારાષ્ટ્ર પરત લાવવા બાબતે એક પરિપત્ર બહાર પાડ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રના મુખ્ય મત્રી અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમના ડિરેક્ટર સાથે 2023ની 3 ઑક્ટોબરે એક બેઠક યોજશે. 2023ની 16 નવેમ્બરે વાઘનખ મહારાષ્ટ્ર પાછા લાવવામાં આવશે.
આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સતારાના પ્રતાપસિંહ મહારાજ વતી કારભાર કરતા ગ્રાન્ટ ડફને આ વાઘનખ પ્રતાપસિંહ મહારાજે આપ્યા હતા અને ગ્રાન્ટ ડફના પૌત્ર એન્ડ્રિન ડફે તે મ્યુઝિયમને આપ્યા હતા.