આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડકપનો પ્રારંભ તો પાંચમી ઑક્ટોબરથી થયો છે પરંતુ ખરો વર્લ્ડકપ તો શનિવાર 14 ઑક્ટોબરથી શરૂ થાય તેવું વાતાવરણ હાલમાં સર્જાયું છે. કેમ કે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ટકરાવાની છે.
શનિવારે સમગ્ર ક્રિકેટવિશ્વની નજર અમદાવાદના ઐતિહાસિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રહેવાની છે જ્યાં એવો મુકાબલો થનારો છે જેની ટીમનાં નામ સાંભળતાં જ દરેક ભારતવાસીઓના શરીરમાં એક ઝણઝણાટી આવી જતી હોય છે. કોઈ ટિકિટ માગી રહ્યું છે તો કોઈ એ જાણવા મથી રહ્યું છે કે આ મૅચ ક્યાં જોવા મળશે. એક વાત એવી છે જેના વિશે ખાસ ચર્ચા થતી નથી અને તે છે ફૉર્મ.
મેદાન પર તો બંને ટીમ ખૂબ સારા ફૉર્મમાં છે. એક તરફ આ વર્લ્ડકપમાં ભારતે પાંચ વખતની ચૅમ્પિયન ટીમને હરાવી છે તો બીજી તરફ પાકિસ્તાને પણ તેની બંને મૅચ જીતી લીધી છે.
તેમાંય શ્રીલંકા સામે તો તેણે 345 રનનો ટાર્ગેટ ચેઝ કરીને સફળતા હાંસલ કરી હતી. આ રીતે જોઈએ તો બેમાંથી એકેય ટીમને ફૉર્મની દૃષ્ટિએ અલગ કરી શકાય તેમ નથી. અલગ કરવવા માટેનું એક કારણ છે અને તે એ છે કે વર્લ્ડકપના ઇતિહાસમાં પાકિસ્તાન સામે ભારત ક્યારેય હાર્યું નથી.
વચ્ચે ટી20 વર્લ્ડકપમાં યુએઈ ખાતે ભારતનો પરાજય થયો હતો પરંતુ વન-ડે વર્લ્ડકપમાં તો ભારત તેના આ કટ્ટર હરીફ સામે ક્યારેય હાર્યું નથી.1992 અગાઉ ચાર વર્લ્ડકપ એવા હતા જેમાં બે ટીમ સામસામે આવી જ ન હતી, પરંતુ 1992 પછી દર વર્લ્ડકપમાં બંને સામસામે ટકરાયાં છે અને આવી સાત મૅચ રમાઈ છે જે તમામમાં ભારત જીત્યું છે.
ભારતીય ધરતી પર છેલ્લે 2011માં ભારત ચૅમ્પિયન બન્યું ત્યારે સેમિફાઇનલમાં મોહાલી ખાતે ભારતનો પાકિસ્તાન સામે વિજય થયો હતો. એ વખતે પણ ભારત ફાઇનલમાં આવ્યું તેમ છતાં વાત તો એવી જ થતી હતી કે મોહાલીમાં જીત્યા છીએ પછી હવે મુંબઈમાં ફાઇનલ જીતીએ કે ના જીતીએ ખાસ ફરક પડતો નથી!
જોકે આ વખતે વાત અલગ છે. અમદાવાદની આ મૅચમાં જીત્યા બાદ બંને ટીમને આ ટુર્નામેન્ટમાં ઘણી લાંબી મઝલ કાપવાની બાકી છે. એટલે એમ સંતોષ માનીને ચાલી શકાશે નહીં.
તો ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાને આટલું મહત્ત્વ કેમ આપવામાં આવે છે તેની ઉપર એક નજર કરીએ તો 2019નો છેલ્લો વર્લ્ડકપ યાદ કરી લેવો પડે.
2019માં ઇંગ્લૅન્ડના વન-ડે ક્રિકેટ વર્લ્ડકપનો પ્રારંભ થયો તે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ રમાશે કે નહીં તે અંગે ચર્ચાએ વધારે જોર પકડ્યું હતું, કેમ કે એ મૅચના થોડા સમય અગાઉ ભારતમાં પુલવામા ખાતે આતંકવાદી હુમલો થયો હતો અને તેમાં સંખ્યાબંધ ભારતીય જવાનોનાં મોત થયાં હતાં, જેને પગલે એક સૂર એવો હતો કે પાકિસ્તાન સામે રમવું જ જોઈએ નહીં.
છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ નથી અને તેમની સાથે કોઈ દ્વિપક્ષીય શ્રેણી પણ રમી નથી.
ભારત અને પાકિસ્તાન છેલ્લા કેટલાક સમયથી માત્ર બહુરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં જ રમે છે. આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી કે વર્લ્ડકપ કે એશિયા કપમાં બંને વચ્ચે જંગ ખેલાય છે અને તે આકર્ષણનું કેન્દ્ર બને છે, આ મુકાબલા રોમાંચક પણ એટલા જ હોય છે.
આ છે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની તાસીર.
તેમાંય વર્લ્ડકપ જેવી મહત્ત્વની ટુર્નામેન્ટ હોય ત્યારે તો આ રોમાંચ ઓર વધી જાય છે. ભારત કે પાકિસ્તાન વર્લ્ડકપ જીતીને વર્લ્ડ ચૅમ્પિયન બને તે વધારે અગત્યની બાબત બની જાય છે.
જોકે એક વાત યાદ કરવી રહી કે ઑક્ટોબર 2021માં ટી20 વર્લ્ડકપની મૅચમાં દુબઈ ખાતે પાકિસ્તાન સામે ભારતનો કારમો પરાજય થયો હતો. હાલમાં પાકિસ્તાની ટીમ સારા ફૉર્મમાં છે અને તેણે ઘરઆંગણે મોટા ભાગની સિરીઝ જીતેલી છે.