સમલૈંગિક લગ્નને કાયદેસરનો દરજ્જો આપવા સંબંધે સુપ્રિમ કોર્ટ આ સપ્તાહે તેનો નિર્ણય જાહેર કરવાની છે. સમલૈંગિક લગ્ન ભારતમાં એલબીજીટીક્યૂ ચળવળનું નવીનતમ પ્રકરણ છે.
એલજીબીટીક્યૂ કર્મશીલ માયા શર્માએ 1990ના દાયકાની શરૂઆતમાં તેમણે પોતાના 16 વર્ષનાં લગ્નજીવનનો ત્યાગ કર્યો ત્યારે તેમણે કલ્પના પણ કરી નહોતી કે તેઓ સમલિંગી યુગલો, ટ્રાન્સજેન્ડર્સ અને ક્વીયર્સના લગ્નને કાયદેસરનો દરજ્જો આપવા સુપ્રિમ કોર્ટમાં ધા નાખશે.
માયા હવે આયુષ્યના 70ના દાયકામાં છે અને વડોદરામાં તેમનાં મહિલા પાર્ટનર સાથે રહે છે. સમલૈંગિક લગ્નને કાયદેસરનો દરજ્જો આપવામાં આવે તો પણ તેઓ લગ્ન કરવાં ઇચ્છતાં નથી. તેમને આશા છે કે આ કેસ દ્વારા આપણે “સમાન ભાગીદારીની કલ્પના કરી શકીએ છીએ.”
વિજાતીય લગ્નથી માંડીને એક લેસ્બિયન તરીકેની પોતાની જાતીયતાનો સ્વીકાર કરવા સુધી, માયા એલજીબીટીક્યૂ ચળવળનાં કેટલાંક મહત્ત્વનાં સીમાચિહ્નોનો એક મહત્ત્વનો ભાગ બની રહ્યાં છે. તેમના આ જીવનની એક ઝલક પ્રસ્તુત છે.રાજસ્થાનના અજમેરમાં શાળાકીય શિક્ષણ લીધા બાદ 1960ના દાયકાના અંત માયા આર્ટ્સમાં બેચલરની ડિગ્રી મેળવવા નવી દિલ્હી આવ્યાં હતાં. તેમણે 1983માં 'સહેલી' નામના એક મહિલા સ્વંયસેવી સંગઠનમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. 'સહેલી'માં તેમની મુલાકાત "એવી ઘણી મહિલાઓઓ સાથે થઈ હતી, જેઓ લગ્નનું બંધન તોડી અને સામાજિક બંધનોમાં બંધાયેલી રહેવાને બદલે પોતાને મનગમતું કામ કરવાની સ્વતંત્રતા ઇચ્છતી હતી."
માયાને શરૂઆતનાં વર્ષોથી મહિલાઓ પ્રત્યે અદમ્ય આકર્ષણ હતું. તેઓ કહે છે, "હું બહુ નાની હતી ત્યારે પણ મહિલાઓ સાથે મારે કાયમ ગાઢ મિત્રતા રહેતી. શાળાના અભ્યાસ દરમિયાન મને એક શિક્ષિકા પ્રત્યે પ્રચુર આકર્ષણ થયું હતું."
વર્ષો વીતતાં ગયાં તેમ માયાને વિષમલિંગી વિશ્વમાં ગર્ભવતી થવાનું....મહિલાઓ સાથે સંબંધ બાંધવાનું અશક્ય લાગવા માંડ્યું હતું. તેમના કામને કારણે અનેક આંતરિક સવાલ ઊભા થયા હતા.
1988માં બે મહિલા પોલીસ કર્મચારીનાં લગ્નની ઘટના સમાચારમાં ચમકી ત્યારબાદ સમલૈંગિક યુગલોએ એકમેકની સાથે જોડાવાનું શરૂ કર્યું હતું. માયા કહે છે, "એ જોઈને બહુ સારું લાગ્યું હતું." અલબત, તેમણે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. બન્ને મહિલા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં અને કેટલાકે આત્મહત્યા કરી લીધી હતી.1991માં ‘લૅસ ધેન ગે’ શિર્ષક હેઠળ 70 પાનાંના એક રિપોર્ટનું પ્રકાશન કરવામાં આવ્યું હતું. તેને ‘ધ પિન્ક બૂક’ કહેવામાં આવે છે.
એલજીબીટીક્યૂ યાત્રાના એક મહત્ત્વપૂર્ણ તબક્કા તરીકે માયાને એ ઘટના યાદ છે. એ રિપોર્ટ ભારતમાં એવા સમયે પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જ્યારે ડૉક્ટર્સ એચઆઈવી, એઈડ્ઝના દર્દીઓની સારવાર કરવાનો ઇનકાર કરતા હતા. "સમલૈંગિકતાનું ભારતમાં અસ્તિત્વ જ નથી" અથવા તે "નાઇલાજ રોગ છે," એવી વ્યાપક માન્યતાને તેણે પડકારી હતી.
"ભારતમાં ગે અને લેસ્બિયન લોકો વિશેનો સૌપ્રથમ દસ્તાવેજ" ગણાતા એ અહેવાલમાં ત્રણ માગણી કરવામાં આવી હતી. તેમાં કલમ ક્રમાંક 377ની નાબૂદી અને સમલૈંગિક લગ્નને કાયદાકીય સ્વીકૃતિ આપવા માટે કાયદામાં સુધારાનો સમાવેશ થતો હતો.
માયા કહે છે, "એ સમયે ક્વીયર સમુદાય જેવું ભાગ્યે જ કશું હતું. અમે એકમેકને જાણતા હતા." સમાજની વાત છોડો, મિત્રોમાં પણ પોતાની ખરી જાતીય ઓળખ જાહેર કરવાનું મુશ્કેલ હતું.