કપિલ દેવ 1983ની 25 જૂનની સવારે જાગ્યા ત્યારે તેમનાં પત્ની રોમી ઉંઘી રહ્યાં હતાં. કપિલે હોટલના રૂમની બારીના પડદા હટાવ્યા અને બહાર સૂરજ ચમકતો હતો એ જોઈને રાહતનો શ્વાસ લીધો હતો.
તેમણે રોમીને જગાડ્યાં નહીં. જરાય અવાજ કર્યા વિના ચા બનાવી અને બારીની પાસે બેસીને લૉર્ડ્ઝ મેદાનનો નજારો જોવા લાગ્યા.
મૅચ શરૂ થતા પહેલાં ટીમને સંબોધન કરતાં કપિલે કહ્યું હતું, "માત્ર એક વાત યાદ રાખો. આગામી છ કલાક પછી આપણું જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાનું છે. કંઈ પણ થાય, આપણે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે. કરો યા મરો. પછી આપણને અફસોસ ન થવો જોઈએ કે આપણે આ કરી શક્યા હોત કે તે કરી શક્યા હોત."
ટૉસ પછી વેસ્ટ ઈન્ડીઝની ટીમના કૅપ્ટન ક્લાઈવ લૉઈડે ભારતીય ટીમને પહેલો દાવ લેવા જણાવ્યું ત્યારે કપિલે રાહતનો શ્વાસ લીધો હતો, કારણ કે ટૉસ જીતીએ તો પહેલાં બેટિંગ કરવાનું તેમણે નક્કી કરી રાખ્યું હતું, કારણ કે વેસ્ટ ઈન્ડીઝને હરાવવાની આશા ત્યારે જ રાખી શકાય, જ્યારે તેમના પર રન બનાવવાનું દબાણ હોય.
વેસ્ટ ઈન્ડીઝે એ સમયના સર્વશ્રેષ્ઠ ઓપનર સુનીલ ગાવસ્કરને માત્ર બે રનના અંગત સ્કોર પર આઉટ કરીને ભારત પર શરૂઆતમાં દબાણ કર્યું હતું. એ ઈનિંગ્ઝમાં શ્રીકાંત અને કંઈક અંશે મોહિંદર અમરનાથને બાદ કરતાં એકેય ભારતીય બેટ્સમેને નોંધપાત્ર સ્કોર કર્યો ન હતો.
શ્રીકાંત અને મોહિંદરે બીજી વિકેટની ભાગીદારીમાં 57 રન કર્યાં હતાં અને બન્ને 90 રનના કુલ સ્કોર પર આઉટ થઈ ગયા હતા.
શ્રીકાંતે ઘૂંટણિયે બેસીને ઍન્ડી રૉબર્ટ્સના બૉલને બાઉન્ડ્રીની બહાર મોકલી આપ્યો ત્યારે મૅચની યાદગાર ક્ષણ આવી હતી. ભારતની છેલ્લી જોડી સૈયદ કિરમાણી અને બલવિંદર સંધુએ જેમતેમ સ્કોર 183 સુધી પહોંચાડ્યો હતો.
ભાગીદારીથી ફાસ્ટ બૉલર માલ્કમ માર્શલ એટલા ચીડાયા હતા કે તેમણે 11મા નંબરના ખેલાડી સંધુને બાઉન્સર ફેંક્યો હતો, જે સંધુની હેલમેટ સાથે ટકરાયો હતો. સંધુને ધોળા દિવસે તારા દેખાઈ ગયા હતા.
એ ક્ષણના યાદ કરતાં સૈયદ કિરમાણી કહે છે, "સંધુને કંઈ તકલીફ નથી થઈને, એ પૂછવા હું તેની તરફ દોડ્યો હતો. મેં જોયું તો બલ્લુ હેલમેટ પર હાથ ઘસતો હતો. મેં પૂછ્યું, હેલમેટ પર હાથ કેમ ઘસે છે, તેને પીડા થાય છે?"
એ વખતે અમ્પાયર ડિકી બર્ડે માર્શલને છેલ્લા ખેલાડી પર બાઉન્સર ફેંકવા બદલ જોરદાર ઠપકો આપ્યો હતો. તેમણે માર્શલને એમ પણ કહ્યું હતું કે તમે સંધુની માફી માગો.
માર્શલ સંધુ પાસે ગયા અને કહ્યું, "મારો ઈરાદો તમને ઘાયલ કરવાનો ન હતો. મને માફ કરી દો."
સંધુએ કહ્યું, "માલ્કમ, તમે એમ માનો છો કે મારું દિમાગ મારા મસ્તકમાં છે? નહીં, એ મારા ઘૂંટણમાં છે."
એ સાંભળીને માર્શલ હસી પડ્યા અને વાતાવરણ હળવું થઈ ગયું.