"ક્રિકેટ છોડ્યા પછી પણ હું પાકિસ્તાન સામે લીધેલી પાંચ વિકેટોને જીવનભર યાદ રાખીશ.”
પાકિસ્તાન સામે સોમવારે 228 રને મળેલી અત્યાર સુધીની સૌથી મોટી જીત પછી કુલદીપ યાદવે આ વાત કરી હતી.
તેના બીજા જ દિવસે શ્રીલંકા સામે રમાયેલા મુકાબલામાં જ્યારે ફરીથી ટીમને વિકેટો લેવાની જરૂર પડી ત્યારે કુલદીપે જ જામી ગયેલી ભાગીદારી તોડી હતી અને પછી મૅચમાં ચાર વિકેટો ખેરવી હતી.
આ ચાઈનામૅન બૉલરે છેલ્લા બે દિવસમાં કૉલંબોની પિચ પર પોતાના કાંડાની સ્પિનથી બૅટ્સમૅનોને એટલા નચાવ્યા કે એ જોઈને કે શેન વોર્નની યાદ તાજી થઈ ગઈ.
જ્યારથી કુલદીપ ઘૂંટણના ઑપરેશન પછી પાછા ફર્યા છે ત્યારથી તે સતત વિકેટો લઈ રહ્યા છે. મંગળવારે તેમણે વનડેમાં તેની 150મી વિકેટ લીધી હતી.
2021માં જ્યારે કુલદીપ ઈજાના કારણે ટીમની બહાર હતો અને તેમણે ઓપરેશન કરાવવું પડ્યું ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે તેમનું આટલું જોરદાર પુનરાગમન થશે.
સોમવારે પાંચ પાકિસ્તાની બૅટ્સમૅનોને આઉટ કર્યા બાદ તેમણે એમ પણ કહ્યું કે આ રાતોરાત નથી બન્યું.
કુલદીપ યાદવ છેલ્લા દોઢ વર્ષથી શાનદાર લયમાં બૉલિંગ કરી રહ્યા છે.
તેના પુનરાગમન બાદથી કુલદીપના બૉલમાં ટર્ન વધી ગયો છે અને તેની સ્પીડ પણ પહેલા કરતાં વધુ સારી છે.
તેમણે પાકિસ્તાન સામે લીધેલી તમામ પાંચ વિકેટમાં બૉલ લગભગ 82થી 87 કિલોમીટરની ઝડપે ફેંકવામાં આવ્યો હતો.
બૅટ્સમૅનોને તેમના ફ્લિપર અને ગુગલી બૉલ પર પ્રહાર કરવા માટે ખૂબ જ ઓછો સમય મળે છે.