આ 1973ની વાત છે. ‘બૉબી’ નામની એક એવી ફિલ્મ પ્રદર્શિત થઈ હતી, જેમાં હીરો અને હીરોઇન બન્ને નવાંસવાં હતાં. હીરોઇન ડિમ્પલ કાપડિયાનું તો કોઈએ નામ સુધ્ધાં સાંભળ્યું ન હતું. ફિલ્મના દિગ્દર્શક રાજ કપૂરની આગલી ફિલ્મ જબરી ફ્લૉપ સાબિત થઈ હતી, પરંતુ આ રિલીઝ થઈ ત્યારે તેની લોકપ્રિયતા એટલી બધી હતી કે ગામડાં-ટાઉનથી શહેરોમાંનાં થિયેટર સુધી ખાસ બસસેવા ચાલતી હતી. તેને “બૉબી બસ” કહેવામાં આવતી હતી. લોકો ફિલ્મ જોઈ લે પછી એ બસ તેમને ગામમાં પાછા લાવતી હતી.
ડિમ્પલ કાપડિયાનો પોલકા ડોટવાળો ડ્રેસ ‘બૉબી ડ્રેસ’ નામે વિખ્યાત થયો હતો અને હીરો ઋષિ કપૂરની મોટરસાઇકલને લોકો ‘બૉબી મોટરસાઇકલ’ કહેતા હતા.
બૉબી 50 વર્ષ પહેલાં 1973ની 28 સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. બૉબીની લોકપ્રિયતાનો વધુ એક દાખલો 1977માં જોવા મળ્યો હતો, જ્યારે બાબુ જગજીવનરામે દિલ્હીના રામલીલા મેદાનમાં ચૂંટણીસભા યોજવાનો નિર્ણય કર્યો હતો.
તેઓ ઇંદિરા ગાંધીથી અલગ થઈ ગયા હતા. કહેવાય છે કે એ સાંજે દૂરદર્શન પર ઇરાદાપૂર્વક બૉબી ફિલ્મ પ્રસારિત કરવામાં આવી હતી, જેથી લોકો જાહેર સભામાં ન જાય, પરંતુ એવું થયું નહીં. બીજા દિવસે અખબારોમાં હેડલાઇન હતી : બાબુ બીટ્સ બૉબી.
એ સમય સુધી હિંદીમાં મેચ્યોર લવસ્ટોરી દર્શાવતી ફિલ્મો બનતી હતી, પરંતુ બૉબી કદાચ પહેલી ટીનેજ લવસ્ટોરી હતી. તેમાં યુવાનીનાં જોશ, વિદ્રોહ, માસૂમિયત અને નચિંત પ્રેમનો સમન્વય હતો.
અલબત્ત, બૉબીની સફળતા પાછળના સંઘર્ષની કથા અલગ છે. વિખ્યાત ફિલ્મ નિષ્ણાત રાજકુમાર ચૌકસે રાજ કપૂરની બહુ નજીક હતા અને થોડાં વર્ષ પહેલાં તેમણે મને બૉબીની કથા વિગતવાર જણાવી હતી.
જયપ્રકાશ ચૌકસેએ કહ્યું હતું, “રાજસાહેબની ઑફિસમાં આર્ચી કૉમિક્સ કાયમ જોવા મળતી હતી. તેમણે કૉમિક્સમાં એક કૅરેક્ટર વિશે વાંચ્યું હતું. એ પાત્રને પ્રેમ થઈ જાય છે ત્યારે તેના પિતા પૂછે છે કે આ તારી પ્રેમ કરવાની ઉંમર છે? યુ આર ટૂ યંગ ટુ ફોલ ઇન લવ. તેમાંથી રાજ કપૂરને આઇડિયા આવ્યો હતો કે એક એવી ફિલ્મ બનાવવી જોઈએ, જેના વિશે લોકો કહેતા હોય છે કે આ તે કંઈ પ્રેમ કરવાની ઉંમર છે?”
“રાજ કપૂરની ફિલ્મ મેરા નામ જોકર 1970માં ફ્લૉપ થઈ ગઈ હતી. તેના એક વર્ષ પછી રાજ કપૂર નિર્મિત ફિલ્મ કલ, આજ ઔર કલનું દિગ્દર્શન તેમના પુત્ર રણધીર કપૂરે કર્યું હતું. એ પણ ફ્લૉપ થઈ હતી. એ દરમિયાન રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂરનું અવસાન થયું હતું. તેમનાં માતા મૃત્યુ પામ્યાં હતાં. રાજ કપૂર સાથે ગાઢ સંબંધ ધરાવતા સંગીતકાર જયકિશન પણ મૃત્યુ પામ્યા હતા.”
તે એ સમયગાળો હતો, જ્યારે રાજ કપૂરે તમામ પડકારોની વચ્ચે એક યંગ લવસ્ટોરી બનાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ ફિલ્મનિર્માણ માટે પૈસા જરૂરી હતા. એ માટે હિંદુજા પરિવાર આગળ આવ્યો હતો. હિંદુજા પરિવાર એ વખતે વિદેશમાં અને ખાસ કરીને ઈરાનમાં હિંદી ફિલ્મોના વિતરણનો પોતાનો બિઝનેસ આગળ ધપાવી રહ્યો હતો.
જયપ્રકાશ ચૌકસેના કહેવા મુજબ, “ફિલ્મ બનીને તૈયાર થઈ ગઈ હતી. રાજસાહેબ વધારે પૈસા માગી રહ્યા હતા. એ રાજેશ ખન્નાનો સમયગાળો હતો અને રાજ કપૂર રાજેશ ખન્નાની ફિલ્મ કરતાં રૂ. એક લાખ વધુ માગી રહ્યા હતા. શશિ કપૂર પહેલા વિતરક હતા, જેમણે દિલ્હી-ઉત્તર પ્રદેશ ટેરેટરી ખરીદી હતી અને એક વકીલે પંજાબના રાઇટ્સ ખરીદ્યા હતા. બીજી કોઈ ટેરેટરી માટે ફિલ્મ વેચાઈ જ ન હતી. ફિલ્મમાં પૈસા રોક્યા હતા તે હિંદુજા પરિવાર માટે કોર્ટ સુધી જવાની સ્થિતિ સર્જાઈ હતી.”
“રાજ કપૂરને એમ હતું કે ફિલ્મ હિટ થશે તો બાકીની ટેરેટરીના અધિકાર પણ વેચાઈ જશે, પરંતુ હિંદુજાને એમ હતું કે માત્ર બે ટેરેટરીના અધિકાર વેચાવાથી તેમનું રોકાણ કેવી રીતે પાછું આવશે. તેમણે રાજ કપૂર સામે હાઈકોર્ટમાં કેસ કર્યો હતો. રિલીઝ પહેલાં રાજ કપૂરે તેમના પૈસા પાછા આપી દીધા, પરંતુ ફિલ્મનો પહેલો શો હાઉસફુલ થઈ ગયો અને ફિલ્મ સફળતાના રસ્તે ચાલી નીકળી. ફિલ્મોદ્યોગમાં લોકો રાજ કપૂરને ફરીથી મહાન દિગ્દર્શક માનવા લાગ્યા. રાજ કપૂર દિગ્દર્શન કરવાનું ભૂલી ગયા છે, એવું જેમણે કહ્યું હતું એ લોકો પણ તેમની સાથે જોડાઈ ગયા હતા.”