અમદાવાદમાં પૉશ ગણાતા સિંધુ ભવન વિસ્તારનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં એક સ્પા માલિક દ્વારા એક યુવતીને ભયંકર રીતે અતિશય માર મારવામાં આવી રહ્યો છે.
ઘટનાનો વીડિયો વાઇરલ થતા બોડકદેવ પોલીસે તપાસ શરૂ કરી હતી.
હિન્દુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ પ્રમાણે શરૂઆતમાં યુવતીએ બે દિવસ સુધી કોઈ ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ કહેવાય છે કે પોલીસની સમજાવટ પછી યુવતીએ ફરિયાદ નોંધાવી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર આ મહિલા ભારતનાં પૂર્વોત્તર રાજ્યમાંથી એકની છે.
આરોપી આ ઘટના પછી ફરાર થઈ ગયો હતો પરંતુ બીબીસીનાં સહયોગી લક્ષ્મી પટેલના જણાવ્યા અનુસાર ગુરુવારે પોલીસે આણંદથી તેની ધરપકડ કરી છે.
વીડિયોમાં જોવા મળતા ફૂટેજ અનુસાર સિંધુભવન રોડ પર આવેલા ટાઇમ્સ સ્કેવર કૉમ્પ્લેક્સમાં સ્પા સેન્ટરના માલિક અને આરોપી મોહસીનહુસેન રંગરેજ એક યુવતીને ધક્કો મારીને બહાર લાવતા અને દલીલો કરતા દેખાય છે.
વીડિયોમાં ત્યારબાદ આરોપી યુવતીને વાળ પકડી ઢસડે છે અને વારંવાર યુવતીને લાફા પણ મારે છે. યુવતી પણ પ્રતિકાર કરવાનો પ્રયાસ કરે છે. વચ્ચે કોઈ બીજો યુવક આવીને આરોપીને અટકાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ મોહસીન તેને પણ લાફો મારીને દૂર ધકેલી દે છે. મોહસીન નિર્દયતાથી વારંવાર યુવતીને લાફા ઝીંકે છે અને તેને ધક્કો મારી નીચે પાડે છે, ભીંતે માથું પણ ભટકાવે છે. તેણે યુવતીના કપડાં પણ ફાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનાનો વીડિયો વાઇરલ થતા અનેક લોકોએ સોશિયલ મીડિયા પર તેમનો રોષ ઠાલવ્યો હતો અને કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવ્યા હતા.
આ ઘટના 25મી સપ્ટેમ્બરે સવારના સાડા ચાર વાગ્યે બની હતી. ફરિયાદીએ એ સમયે પોલીસને ફોન કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ એ શક્ય બન્યું ન હતું.
બોડકદેવ પોલીસ એસીપી એસ.એમ.પટેલના જણાવ્યા અનુસાર,"આરોપી મોહસીન સાથે આ મહિલાનું ભાગીદારીમાં સલૂન છે. સલૂનમાં કામ કરતી અન્ય એક યુવતી સાથે કરેલા ઝઘડાને મુદ્દે મોહસીન અને આ મહિલા વચ્ચે ઝઘડો થયો હતો અને આ વાત મારામારી સુધી પહોંચી હતી."
તેઓ કહે છે, "યુવતી કહી રહી હતી કે આરોપીએ તેની માફી માગી હતી જેના કારણે તેણે ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ અમારી સમજાવટ પછી તે ફરિયાદ આપવા માટે તૈયાર થઈ હતી."
પોલીસે આ મામલામાં કલમ 354,323 અને 294-ખ હેઠળ ગુનો નોંધ્યો છે.
તેમણે આ વીડિયો શેર કરીને કહ્યું હતું કે, “ પૂર્વોત્તરના રાજ્યની મહિલા સાથે થયેલો આ વ્યવહાર અતિશય નિંદનીય છે. વીડિયો ભયાનક છે. મને આશા છે કે અમદાવાદ પોલીસ આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરશે અને પગલાં ભરશે.”
આ ટ્વીટ વાઇરલ થયા પછી રાષ્ટ્રીય સ્તરે પણ લોકો તેની ચર્ચા કરી રહ્યા છે.