રાયગડ પહેલાં શિવાજી મહારાજે પૂણે જિલ્લામાંના રાજગડને પોતાના રાજકીય કેન્દ્ર તરીકે પસંદ કર્યું હતું. તેઓ ઓછાંમાં ઓછાં 25 વર્ષ રાજગડ પર રહ્યા હોવાનું કહેવાય છે.
ઔરંગઝેબના અધિકારી સાકી મુસ્તેદ ખાને સત્તરમી સદીમાં શિવાજી મહારાજની પ્રથમ રાજધાની એવા રાજગડનું વર્ણન કરતાં લખ્યું હતું : "રાજગડની ભવ્ય ઊંચાઈને જોતાં તે તમામ કિલ્લાઓમાં સૌથી મહાન છે. તે 12 કોસ વિસ્તારમાં ફેલાયેલો છે. રાજગડની મજબૂતાઈ ને ઊંચાઈની કોઈ કલ્પના સુદ્ધાં ન કરી શકે. અહીંની પહાડી ખીણો અને ગાઢ જંગલોમાંથી પવન સિવાય બીજું કશું જ આગળ વધી શકતું નથી. અહીં માત્ર વરસાદ જ પ્રવેશી શકે છે."
એક કોસ એટલે લગભગ 3.22 કિલોમીટર. 12 કોસમાં ફેલાયેલા રાજગડને ઘેરવાનું દેખીતી રીતે આસાન ન હતું.
ઔરંગઝેબના અધિકારી સાકી મુસ્તેદ ખાને ફારસી ભાષામાં ‘માસીરે આલમગીરી’ નામનો ગ્રંથ લખ્યો હતો. ઔરંગઝેબે દક્ષિણ તરફ પ્રયાણ કર્યું ત્યારે મુસ્તેદ ખાન તેની સાથે હતો. તેણે કિલ્લાની ઘેરાબંધીનું વર્ણન પુસ્તકમાં કર્યું હોવાનો ઉલ્લેખ ઈતિહાસકારોએ કર્યો છે.
"શિવાજીએ કિલ્લાની પ્રાચીરને મજબૂત બનાવી હતી. આ તટની નીચે ભયાનક કોતરો છે. અતિશય મુશ્કેલ માર્ગો છે. માણસ માટે ત્યાં પહોંચવું જ મુશ્કેલ છે."
આ કિલ્લાના નિર્માણમાં સૌથી વધુ સમય લાગ્યો હતો અને મહારાષ્ટ્રનો આ કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજના જીવનની અનેક નાટકીય ઘટનાઓનો સાક્ષી છે. તેની કિલ્લેબંધી અને પાયા નજીક જંગલને વ્યૂહરચના અને દુર્ગ સ્થાપત્યકળાનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવે છે.
મુઘલ ઇતિહાસકાર મુહમ્મદ હાશિમ ઉર્ફે ખાફીખાને પણ 1732માં ‘મુન્તખાબ-અલ-લબાબ-એ-મુહમ્મદશાહી’ નામના પુસ્તકમાં રાજગડ કિલ્લાનું વર્ણન કર્યું હતું.
"રાજગડ કિલ્લો એટલે એક પર્વતમાળા. તેને ચારે બાજુથી ઘેરવો મુશ્કેલ હતો."
આ વર્ણન પરથી સમજાય છે કે મુઘલ સૈન્ય રાજગડથી ડરતી હતી તે નક્કી છે. આજે પણ રાજગડ સુધી પહોંચવું હોય તો કેડી અને મુશ્કેલ ચઢાણ સિવાયનો બીજો કોઈ વિકલ્પ નથી.
પૂણે જિલ્લાના વેલ્હે તાલુકામાં રાજગડ કિલ્લો આવેલો છે. રાજગડ પહોંચવા માટે પૂણેથી લગભગ 50 કિલોમીટરનો પ્રવાસ કરવો પડે છે. કિલ્લાના પાયા પાસેના ગુંજવણે અને પાલી ગામ સુધી પહોંચવું પડે છે.
કિલ્લાના બે દરવાજા છે. પાલી મુખ્ય દરવાજો છે, જ્યારે ગુંજવાને અગાઉ બાંધવામાં આવેલો પ્રાચીન કાળનો દરવાજો છે. નીચેથી પદ્માવતી માચી સુધી પહોંચતાં લગભગ અઢીથી સાડા ચાર કલાકનો સમય લાગે, પરંતુ અલગ-અલગ આઠ-દસ માર્ગો મારફત રાજગડ પહોંચી શકાય છે એ જાણીને તમને આશ્ચર્ય થશે.
માચી સાથે જોડાયેલ ડુંગરની રાંગ અને કિલ્લાની વિશાળ રચના રાજગડની ખાસિયત છે.
સુવેલા માચી અને સંજીવની માચી બન્નેની લંબાઈ અઢી-અઢી કિલોમીટર છે તથા તેનું નિર્માણ ત્રણ તબક્કામાં કરવામાં આવ્યું હતું. ઉચ્ચ પ્રદેશમાં સ્થિત પદ્માવતી માચી પર આજે પણ દેવીના મંદિર અને મધ્યકાલીન સ્થાપત્યની નિશાની જોવા મળે છે.
આ ત્રણ ટાવરની વચ્ચેનો સૌથી ઊંચો કિલ્લો નિહાળીને કોઈ આશ્ચર્યચકિત થયા વિના રહી શકતું નથી.
રાજગડ કિલ્લાની મુલાકાત એક જ દિવસમાં લેવી શક્ય નથી. એ માટે ઓછામાં ઓછા બે દિવસ અને વધુમાં વધુ આઠ દિવસ જરૂરી છે.
છત્રપતિ શિવાજી મહારાજે ત્રણ માચી અને કિલ્લાની સલામતી કેવી રીતે સુનિશ્ચિત કરી હશે એ વિચારીને આપણને આશ્ચર્ય જરૂર થાય.
રાજગડનો અભિલેખ શિવાજી મહારાજના સમયનો છે. બહમની શાસન દરમિયાન આ કિલ્લાનું નામ મુરુમદેવ અથવા મુરુમ્બદેવ હતું. તેને બિરમદેવ પર્વત પણ કહેવામાં આવતો હતો.
બરહની પછી આ કિલ્લો આદિલશાહી પાસે અને પછી નિઝામશાહીના કબજામાં રહ્યો હતો.
મુરુંબદેવ પર્વત કબજે કર્યા પછી શિવાજી મહારાજે તેની મજબૂત કિલ્લેબંધી કરી હતી અને તેનું નામ રાજગડ રાખ્યું હતું. શિવાજી મહારાજે તેમનું રાજ્ય સ્વતંત્ર છે એવો સંકેત દુશ્મનોને આપવા માટે આ કિલ્લાનું નામ રાજગડ રાખ્યું હતું અને આ કિલ્લા પર પોતાના દેવનાગરી લિપિના સિક્કા પણ પડાવ્યા હતા.
શિવાજીએ આ પર્વતની પસંદગી કરી તેનું મુખ્ય કારણ માવળ પ્રાંત પરનું તેમનું પ્રભુત્વ હતું. પૂણેની પશ્ચિમે ખીણોમાં સહ્યાદ્રી પર્વતમાળા વચ્ચે આવેલો માવળ પ્રાંત રાજકીય પ્રવૃત્તિનું કેન્દ્ર હતો.
પૂર્વમાં ડેક્કનનો ઉચ્ચ પ્રદેશ અને પશ્ચિમમાં કોંકણ કિનારો આવેલો હોવાને લીધે રાજગડ વહીવટ માટે અત્યંત અનુકૂળ સ્થાન હતો.
ગુંજણ માવળ ખીણમાં રાજગડની પદ્માવતી માચી પર ઊભા રહો તો તોરણા, સિંહગડ અને પુરંદર કિલ્લાઓ નજરે પડે છે. તે માવળ પ્રાંતના મહત્ત્વના કિલ્લાઓ છે.
પોતાના રાજ્ય, ‘સ્વરાજ્ય’ની સ્થાપના કરતી વખતે શિવાજી મહારાજે તોરણા કિલ્લાના વિસ્તારને જોઈને તેને પ્રચંડગડ નામ આપ્યું હતું.
તોરણા કિલ્લામાં કામ ચાલુ હતું ત્યારે જે મૂલ્યવાન ખજાનો મળી આવ્યો હતો તેનો ઉપયોગ રાજગડના નિર્માણમાં કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવે છે. ઐતિહાસિક દસ્તાવેજો પરથી જાણવા મળે છે કે રાજગડનું નિર્માણ વર્ષો સુધી ચાલ્યું હતું.
જોકે, કેટલાક વિદ્વાનો એવું કહે છે કે રાજગડનું નિર્માણકાર્ય 1642થી 1662 સુધી, 20 વર્ષ સુધી ચાલ્યું હતું. ઇતિહાસ સંકલનકાર અને વિદ્વાન અપ્પા પરબના જણાવ્યા અનુસાર, રાજગડની જૂની રાંગ તોડી પાડતી વખતે મળેલા ગુપ્તધનનો ઉપયોગ આ બાંધકામ માટે કરવામાં આવ્યો હશે.
શિવાજી મહારાજ તોરણાથી રાજગડ ક્યારે ગયા હતા તેનો કોઈ નિશ્ચિત ઉલ્લેખ નથી, પરંતુ ઇતિહાસકારોએ તેનું અનુમાન ઐતિહાસિક પત્રોના આધારે કર્યું છે.
રાજગડ બાબતે શિવાજી મહારાજ સમક્ષ1652માં જમીનના દાવા અને વિવાદો થયા હતા. એ વિશેના પત્રો ઐતિહાસિક દસ્તાવેજોમાં છે.