દિલ્હી પોલીસના ખાસ વિભાગે ન્યૂઝ પોર્ટલ ‘ન્યૂઝક્લિક’ સાથે જોડાયેલા પત્રકારોના ઘર પર ગયા મંગળવારે દરોડા પાડ્યા અને બે લોકોની ધરપકડ કરી એ પછી ભારતમાં “મીડિયા આઝાદી બાબતે ચિંતા” ફરી ઊભરી આવી છે.
ન્યૂઝક્લિકના સ્થાપક અને વડા તંત્રી પ્રબીર પુરકાયસ્થ અને માનવ સંસાધન વિભાગના વડા અમિત ચક્રવર્તીને બુધવારે સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી અપાયા હતા. એ બન્નેની અનલોફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ (યુએપીએ)ની વિવિધ જોગવાઈઓ હેઠળ ધરપકડ કરાઈ છે.
યુએપીએ આતંકવાદવિરોધી કાયદો છે અને આ કાયદા હેઠળ ધરપકડ થયા બાદ જામીન મળવા મુશ્કેલ હોય છે.
ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા પહેલેથી જ ન્યૂઝક્લિક સામે મની લૉન્ડરિંગના આરોપોની તપાસ કરી રહી હતી. પ્રબીર પુરકાયસ્થે તેની સામે અદાલતમાંથી વચગાળાનો સ્ટે મેળવ્યો હતો.
એ વાતની ચર્ચા પણ થઈ રહી છે કે ન્યૂઝક્લિક સાથે જોડાયેલા પત્રકારો ધરપકડ બાદ જામીન પર આસાનીથી મુક્ત ન થઈ શકે એટલા માટે તેમની સામે યુપીએ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે?
ન્યૂઝક્લિક મામલામાં યુએપીએની જોગવાઈઓના ઉપયોગને કારણે ભારતીય મીડિયા જગતમાં ચિંતા પ્રસરી ગઈ છે.
એક વરિષ્ઠ પત્રકારે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું, "યુએપીએ જેવા આકરા કાયદા હોવા જ ન જોઈએ. આ એવો કાયદો છે, જેનો ઉપયોગ દરેક સરકારે કર્યો છે અને કેટલીક સરકારોએ તેનો ઉપયોગ બીજાની સરખામણીએ વધારે કર્યો છે."
"આપણા જ દેશમાં આપણા જ નાગરિકો વિરુદ્ધ આટલા બધા કાયદાની જરૂર કેમ છે? આતંકવાદીઓ, ખંડણી વસૂલતા લોકો, હત્યારા કે દેશના દુશ્મનો સામે કાર્યવાહી કરવા આપણા દેશમાં પૂરતા કાયદા છે ત્યારે આવા કઠોર કાયદા શા માટે બનાવવા પડે છે?"
ઘણા પત્રકારોનું કહેવું છે કે જે સમયે યુએપીએ લવાયો હતો ત્યારે નાગરિક સમાજમાં તેના વિશે બહુ ચિંતા હતી અને પત્રકારો પણ તે કાયદા વિરુદ્ધ લખતા રહ્યા હતા.
વરિષ્ઠ પત્રકારે કહ્યું હતું, "આ કાયદાઓનો ઉપયોગ નિર્દોષ લોકો સામે કરવામાં આવશે એ અમે જાણતા હતા. આવા કાયદાઓનો ઉપયોગ આતંકવાદીઓ સામે નહીં, પરંતુ મોટા ભાગે સામાન્ય લોકો સામે કરાય છે, કારણ કે આતંકવાદીઓ સામે લડવા માટે તો પહેલેથી જ પૂરતા કાયદા છે."
"સરકારો આવા કાયદાનો ઉપયોગ કાયમ પોતાના નાગરિકો સામે જ કરે છે.”
એક અન્ય વરિષ્ઠ પત્રકારના જણાવ્યા મુજબ, "બધી સરકારો સંદેશવાહકને નિયંત્રિત કરવા ઇચ્છતી હોય છે. કેટલાક વધુ ક્રૂરતા સાથે આવું કરે છે, કેટલાક ઓછી ક્રૂરતા સાથે. સરકાર પોતાની ભલે લોકતંત્ર કહેતી હોય, પરંતુ એકેય સરકારને ટીકા કે સ્વતંત્ર મીડિયા ગમતું નથી."
"મીડિયાનું ગળું દાબી દેવાયું છે અને મીડિયા પોતે પોતાનું ગળું દાબવાની છૂટ આપી રહ્યું છે. આપણે વિરોધ નહીં કરીએ તો એ બદતર થઈ જશે. સત્તા પર ભલે ગમે તે હોય તે બદથી બદતર થતું રહેશે."
વરિષ્ઠ પત્રકાર જ્યોતિ મલ્હોત્રાના જણાવ્યા મુજબ, પત્રકાર ખોટો હોય અને સરકારને એવું લાગે કે તેણે કોઈ સમાચાર યોગ્ય રીતે આપ્યા નથી તો સરકારે તે સમાચારનું ખંડન કરવું જોઈએ, "પરંતુ આતંકવાદવિરોધી કાયદા હેઠળ પત્રકારોને જેલમાં પૂરી દેવું એ તદ્દન અયોગ્ય છે."
જ્યોતિ મલ્હોત્રાએ કહ્યું હતું, "મોદી સરકાર પત્રકારોની ધરપકડ કરીને તેમને ડરાવવા ઇચ્છે છે. અમારો સવાલ એ છે કે તમે પત્રકારોને આતંકવાદવિરોધી કાયદા હેઠળ જેલમાં પૂરી રહ્યા છો તેનું કારણ શું છે?"
"ભારતમાં પત્રકારો હવે આતંકવાદી બની ગયા છે? અને સરકાર પત્રકારોને આતંકવાદી ગણતી હોય તો અમને એ જણાવે કે અમે એવું તે શું લખ્યું છે, જેનાથી તમને લાગે છે કે અમે આતંકવાદી બની ગયા છીએ?"
જ્યોતિ મલ્હોત્રાના જણાવ્યા મુજબ, પ્રેસ સાથે ખરાબ વર્તન કરી શકાય નહીં.
તેમણે કહ્યું હતું, "એક તરફ તો તમે કટોકટીની વાત કરીને પ્રેસની આઝાદી માટે કાયમ તત્પર રહેવાની વાત કરો છો અને બીજી તરફ તમે આ પ્રકારની ધરપકડ કરો છો."
તેમના કહેવા મુજબ, બંધારણમાં પાયાના જે મૂળભૂત અધિકાર છે તેમાં એક મૌલિક અધિકાર અભિવ્યક્તિની આઝાદી છે. ભારતીય નાગરિકોએ પત્રકારો સાથે જોડાવું જોઈએ, અવાજ ઉઠાવવો જોઈએ અને કહેવું જોઈએ કે જે થઈ રહ્યું છે તે ખોટું છે.