ટોકયો પહોંચનારા વિમાનમાં નરિટા એરપૉર્ટ પર એવા સમયે વિસ્ફોટ થયો જ્યારે વિમાનમાંથી સામાન ઉતારીને ઍર ઇન્ડિયાના વિમાનમાં ચડાવાઈ રહ્યો હતો.
એ વિસ્ફોટમાં સામાન ચડાવનારા બે લોકો મૃત્યુ પામ્યા અને અન્ય ચાર લોકો ઘાયલ થયા.
એનું કારણ કદાચ એ હતું કે કાં તો સૂટકેસને ધકેલવામાં આવતી હતી, કાં તો બૉમ્બ મૂકનારાઓથી સમય બાબતે અનુમાન કરવામાં થોડી ભૂલ થઈ ગઈ હતી.
નરિટામાં થયેલા વિસ્ફોટની 55 મિનિટ બાદ ઍર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 182માં આયર્લૅન્ડના દક્ષિણ-પશ્ચિમ કિનારા નજીક વિસ્ફોટ થયો, જેમાં વિમાનકર્મીઓ સહિત 329 લોકોનાં મૃત્યુ થયાં.
શૅનન ઍરપૉર્ટના ઍર ટ્રાફિક કન્ટ્રોલની ટ્રાન્સસ્ક્રિપ્ટમાં જણાવાયું છે કે, "સવારે 7 વાગ્યા ને 14 મિનિટે એક હળવી ચીસ સંભળાઈ અને એવું લાગ્યું કે પ્રચંડ વેગ સાથે હવા પાઇલટના માઈક્રોફોન સાથે અથડાઈ છે. ત્યાર બાદ ભેંકાર છવાઈ ગયો. ટ્રાફિક કન્ટ્રોલના કન્ટ્રોલરે સતત ત્રણ મિનિટ સુધી વિમાન સાથે સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ એને કશો જવાબ ન મળ્યો."
એ જ સમયે એણે પાછળ આવતા ટીડબ્લ્યૂએના વિમાનના પાઇલટનો સંપર્ક કરીને પૂછ્યું કે શું આપની આજુબાજુ, નીચે કોઈ વસ્તુ દેખાય છે? પાઇલટે જવાબ આપ્યો કે, તેઓ કંઈ પણ જોઈ શકતા નથી.
વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયાને 6 મિનિટ થઈ ગઈ હતી. એવામાં જ એમને કૅનેડિયન પૅસેફિક એરનું એક વિમાન આવતું દેખાયું. એને પણ આગળ ઊડતા ટીડબ્લ્યૂએ વિમાન સિવાય કંઈ દેખાયું નહીં.
કન્ટ્રોલરે ટીડબ્લ્યૂએ વિમાનને વિનંતી કરી કે તે એ વિસ્તારનું ચક્કર મારે. પાઇલટ એ માટે તૈયાર થઈ ગયો અને આગળ વધવાને બદલે ઍર ઇન્ડિયાનું વિમાન શોધવા માટે પાછો ફર્યો. કૅનેડિયન પેસેફિક એરના વિમાનનો પાઇલટ પણ ધ્યાનપૂર્વક નીચે જોઈ રહ્યો હતો. એણે કન્ટ્રોલરને પૂછ્યું કે, શું તમે ઍર ઇન્ડિયાના વિમાનને રડાર પર જોઈ શકો છો?
જવાબ મળ્યો, "નૅગેટિવ. એ સ્ક્રીન પરથી ગાયબ છે."