તાજેતરમાં ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક યાન ઉતારી અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી બતાવી હતી.
ઇસરોના ચંદ્રયાન-3ની આ સફળતાની નોંધ સમગ્ર વિશ્વમાં લેવાઈ હતી.
ચંદ્રયાન-3ના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ બાદ ચંદ્રનાં રહસ્યો અંગે માનવસમજ વધુ સમૃદ્ધ થવાની આશા જાગી હતી.
આ સાથે જ બ્રહ્માંડનાં અન્ય રહસ્યોને લઈને પણ લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું.
આવું જ એક રહસ્ય છે, એલિયન એટલે કે પરગ્રહવાસીઓ અંગેનું.
ફિલ્મો અને સાયન્સ ફિક્શન નવલકથાઓમાં કરાયેલી એલિયન અને પૃથ્વી સિવાય અન્યત્રે જીવન અને સભ્યતાની કલ્પના આપણા પૈકી ઘણાને આકર્ષિત કરે છે.
અવકાશમાંથી એલિયન ધરતી પર આવ્યાની વાતો અનેક વાર વહેતી થઈ છે.
ઘણા લોકો પોતે એલિયનના સંપર્કમાં આવ્યાનો દાવો કરે છે, તો ઘણા એલિયનના સહઅસ્તિત્વની પણ વાત કરે છે.
સમગ્ર વિશ્વમાં ઘણાં સંશોધકો આ દિશામાં નિશ્ચિત પરિણામ હાંસલ કરવાના આશયથી સંશોધન કરી રહ્યા છે. ઘણા દેશોની સંસ્થાઓ પણ આ દિશામાં પ્રયાસ કરી રહી છે. પરંતુ તાજેતરમાં કંઈક એવું બન્યું કે જેણે આ રહસ્યને વધુ ઘેરું બનાવી દીધું.
નાસાએ માનવજાતને સદીઓથી મૂંઝવતા આ સવાલ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો હતો.