એક દિવસમાં છ વખત કાર્ડિયેક અરેસ્ટ સામે બાથ ભીડીને જીવિત બચી ગયેલા વિદ્યાર્થીએ પોતાના પ્રાણ બચાવનાર ડૉક્ટરની માફક જ મેડિકલક્ષેત્રે ઝંપલાવવાનો નિર્ણય કર્યો છે.
27 જુલાઈના રોજ અતુલ રાવ નામના વિદ્યાર્થીને ફેફસાંમાં લોહીના ગઠ્ઠા જામી જતાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો.
ત્યાર બાદ એક જ દિવસમાં વધુ પાંચ વખત તેનું હૃદય બંધ પડી ગયું. જોકે, લોહીના ગઠ્ઠા માટે યોગ્ય દવા અપાતા તેની હાલત સ્થિર થઈ હતી. અતુલ એક અમેરિકન નાગરિક છે અને તેઓ યુકે ખાતે પ્રી-મેડિકલ ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યા છે. આ ઘટના પછી તેઓ કહે છે કે હવે તેઓ મેડિકલક્ષેત્રે જ કારકિર્દી બનાવવા માગે છે.
અતુલ જણાવે છે કે, “મારી સાથે આવું બન્યું એ પહેલાં હું મેડિકલ અભ્યાસના મારા નિર્ણયને લઈને ચોક્કસ ન હતો. પરંતુ જ્યારે હું આ બધું થયા બાદ હોશમાં આવ્યો ત્યારે મેં નિર્ણય કરી લીધો કે હું મારા સમયનો સદુપયોગ કરીશ. પુનર્જીવનના આ વરદાનનો ઉપયોગ અન્યોની મદદ માટે કરીશ.”
એ બાદ અતુલ અને તેમનાં માતાપિતા તેમનું જીવન બચાવનાર સ્ટાફને મળ્યાં હતાં.
સેન્ટ થૉમસ હૉસ્પિટલ ટ્રાન્સફર કરાતા પહેલાં અતુલની પ્રાથમિક સારવાર હેમરસ્મિથ હૉસ્પિટલમાં થઈ હતી. ત્યાં અતુલ અને તેમનાં માતાપિતા ને સારવાર દરમિયાન જે બેડ પર વારંવાર તેમનું હૃદય ફરી શરૂ કરવા પ્રયત્નો કરાયા એ બતાવાયા. ત્યાંના સ્ટાફે તેમને જણાવ્યું કે એ દિવસ ખરેખર શું થયેલું.
સીઍટલમાં ગણિતનાં પ્રોફેસર તરીકે કામ કરતાં શ્રીવિદ્યાએ આ બનાવ અંગે પ્રતિક્રિયા આપતાં કહેલું કે, “એક ખૂબ જ સારા સ્થળે ખૂબ જ ખરાબ ઘટના ઘટી હતી.”
“અતુલની આસપાસ કામ કરનાર દરેક તે સાજો થઈ જાય એવું જ ઇચ્છતું હતું. સ્પષ્ટ છે કે તેઓ પોતાના કામને ખૂબ કાળજીપૂર્વક કરે છે અને તેની પ્રત્યે પ્રેમ ધરાવે છે. હું અહીં આવીને મારી જાતને ભાગ્યશાળી માનું છું. અને હું મારા દીકરાનો જીવ બચાવવા માટે એ બધાની આભારી છું.”
“જીવન પ્રત્યે મેં અલગ દૃષ્ટિકોણ મેળવ્યો છે, અને મારા પુત્રને પણ ખૂબ ઓછી ઉંમરે એનો અનુભવ થયો. તેનું જીવન બદલાઈ ગયું. આ ઘટનાની ખૂબ ગાઢ અસર થઈ છે.”
અતુલે જણાવ્યું હતું કે તેમના 21મા જન્મદિવસે જ આ ઘટના બની હતી.
“મોટા ભાગે 21 વર્ષનો યુવાન આ નિમિત્તે બહાર મોજમજા કરવા પહોંચી જાય છે. પરંતુ જેટલી ખતરનાક મારી સ્થિતિ સાબિત થઈ શકી હોત તેને જોતાં મારા જન્મદિવસની ઉજવણી માટે હું મને પ્રેમ કરતા લોકોની આસપાસ હતો એના માટે હું ખૂબ જ આભારી છું.”
એક સોફ્ટવૅર કંપનીમાં કામ કરતા અતુલના પિતા અજયને એ વાત બરાબર યાદ છે જ્યારે ઍમ્બુલન્સ સર્વિસના ઍડ્વાન્સ્ડ પૅરામેડિક નીક સિલેટે તેમના પુત્રના મોબાઇલ ફોન દ્વારા આ ઘટનાના સમાચાર તેમને આપેલા. એ સમયે તેઓ ઘરે હતા.
તેમણે સિલેટને એ કૉલ દરમિયાન પોતે માંડમાંડ વાંચી શકાતા અક્ષરોમાં લખેલી નોંધ બતાવી. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. તેમજ તેમણે અમેરિકાથી યુકે સુધીની તણાવભરી ફ્લાઇટ અંગે પણ વાત કરી જ્યારે તેમના પુત્રનાં જીવન-મરણ અંગેના નિર્ણયો લેવાઈ રહ્યા હતા.
“શરૂઆતમાં તો અતુલ બેહોશ હતો. હું સેન્ટ થોમસ હૉસ્પિટલના આઇસીયુમાં ડૉક્ટરના રાઉન્ડ બાદ ઘણી વાર ફોન કરીને સમાચાર પૂછતો અને એક સવારે તેમણે મને કહ્યું ‘ચાલુ રાખો’.”
“તે બાદ મારા કાનમાં અતુલના શબ્દો પડ્યા, ‘હેય! ડૅડ’. એ ક્ષણે હું તેની તરફ દોડી જવા માગતો હતો.”