
અયોધ્યામાં રામમંદિર નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. એ માટે ઘણાં નાણાં ખર્ચવામાં આવી રહ્યાં છે.
જાન્યુઆરીમાં મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કઈ તારીખે કરાશે એની સત્તાવાર જાહેરાત હજુ થઈ નથી પરંતુ તેને 22 જાન્યુઆરી માનવામાં આવી રહી છે. આ માટે મંદિર અને અયોધ્યા નગરીને તૈયાર કરવા માટે કોઈ કસર બાકી રાખવામાં નથી આવી રહી.
માત્ર મંદિર અને મંદિર પરિસર જ નહીં, અયોધ્યા નગરીને કરોડો શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરવા માટે કરોડો રૂપિયાની સરકારી યોજનાઓને ગ્રાઉન્ડ સ્તરે પૂર્ણ કરવામાં પણ જોરશોરથી કામ ચાલી રહ્યું છે.
આ દરમિયાન એ વાત સામે આવી છે કે 'રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ' દ્વારા ફૉરેન કન્ટ્રિબ્યૂશન રેગ્યુલેશન ઍક્ટ' (FCRA) હેઠળ વિદેશમાંથી દાન લેવાના લાઇસન્સની અરજી કરાઈ છે.
અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે એફઆરસીએ હેઠળ ભંડોળની ચર્ચા મે-2023થી થઈ રહી હતી.
રામજન્મભૂમિ તીર્થક્ષેત્રના મહાસચિવ ચમ્પત રાયે અયોધ્યામાં કહ્યું, “વિદેશમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. ઘણા પ્રવાસી ભારતીયો પોતાના પૂર્વજોની ભૂમિના સતત સંપર્કમાં રહ્યા છે. તેઓ ઇચ્છતા હતા કે અમે પણ તીર્થટ્રસ્ટને કેટલીક રકમ દાન કરીએ પરંતુ ભારતમાં કાયદા-કાનૂન છે.”
ચમ્પત રાયે એ પણ કહ્યું કે ભારતમાં ઘણી સંસ્થાઓએ એફઆરસીએનો દુરુપયોગ કર્યો છે. તેમણે કહ્યું, “નિયમોના પાલન માટેની કોશિશ કરી છે અને પ્રવાસી ભારતીય, રામભક્ત, તેમની ઇચ્છાઓ પૂરી કરવા માટે અમે એફઆરસીએમાં નોંધણી માટે પ્રાર્થનાપત્ર જમા કરાવી દીધો છે.”અયોધ્યામાં રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કાર્યાલય પ્રભારી પ્રકાશ ગુપ્તાએ બીબીસીને જણાવ્યું, “મંદિરનું ટ્રસ્ટ બન્યું એને ત્રણ વર્ષ થઈ ચૂક્યાં છે. હવે ટ્રસ્ટ તરફથી એફસીઆરએની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. માત્ર સરકારની મંજુરી મળવાની બાકી છે, જે નવેમ્બર અથવા ડિસેમ્બર સુધી મળી જવાની આશા છે.”
“વિદેશોમાં પણ ઘણા હિંદુ છે અને તેઓ દાન આપવા તૈયાર છે. તેમની સામે સમસ્યા હતી કે તેઓ અહીં આવી નથી શકતા તો દાન કેવી રીતે આપી શકે છે? મંદિરનિર્માણ માટે એફસીઆરએના માધ્યમથી ભંડોળ આવી શકે છે. તે દાન છે અને અમારે ત્યાં એક એક રૂપિયાનું એકાઉન્ટિંગ થાય છે, સરકારી ઑડિટ પણ થાય છે.”
“અમે નાણાં 'રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ'ના નામે જ લઈશું અને કોઈ અન્ય નામે નહીં. માર્ચ 2023 સુધી અયોધ્યામાં મંદિરનિર્માણ માટે 900 કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. જાન્યુઆરીમાં થનારી પ્રાણપ્રતિષ્ઠા માટે મંદિરનિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. એવું અનુમાન છે કે માર્ચથી લઈને અત્યાર સુધી 500થી 600 કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. મંદિરનિર્માણના કુલ પ્રોજેક્ટનો ખર્ચ 2 હજાર કરોડ રૂપિયા છે. શ્રદ્ધાળુ રોજ દાન આપી રહ્યા છે અને ત્રણ વર્ષમાં તેઓ 4500થી 5000 કરોડ રૂપિયા આપી ચૂક્યા છે.”
“પ્રાપ્ત થનારાં નાણાંની બૅન્કમાં એફડી થાય છે અને ખર્ચા માટેનાં નાણાંનું બૅલેન્સ અલગ રાખવામાં આવે છે. હજુ તો મંદિરના પહેલા માળનું કામ ચાલી રહ્યું છે. પછી બીજો માળ બનશે અને બાદમાં ગુંબજ બનશે, હજુ તો ઘણું કામ બાકી છે.”એફસીઆરએ મળતા પૂર્વે ત્રણ વર્ષોમાં વિદેશમાંથી મર્યાદીત રકમ લઈ શકાય છે. પરંતુ ત્રણ વર્ષના ટ્રૅક રૅકર્ડ બાદ પાંચ વર્ષ માટે વ્યાપક મંજૂરી એટલે કે બ્લેન્કેટ મંજૂરી મળી શકે છે જેથી કોઈ પણ વ્યક્તિ તરફથી કોઈ પણ રકમ લઈ શકાય છે.
ગૃહમંત્રાલયની વેબસાઇટ પર કોણ કઈ રીતે એફસીઆરએ હેઠળ નાણાં પ્રાપ્ત કરી શકે એની જાણકારી ઉપલબ્ધ છે.
• એ વ્યક્તિ કે સંસ્થાનો નિશ્ચિત સાંસ્કૃતિક, આર્થિક, શૈક્ષણિક, ધાર્મિક અથવા સામાજિક કાર્યક્રમ હોવો જોઈએ.
• કેન્દ્ર સરકાર તરફથી એફસીઆરએ નોંધણી કે પૂર્વ મંજૂરી લેવી પડે
• એફસીઆરએના માધ્યમથી ભંડોળ માત્ર દિલ્હીની એસબીઆઈની પાર્લામેન્ટ સ્ટ્રીટની શાખામાં જ ખાતું ખોલાવીને લઈ શકાય