મુંબઈના માર્ગો પર આશરે 86 વર્ષ સુધી રાજ કરનાર અને એક સમયે મુંબઈની ખાસ ઓળખ બની ગયેલી નોન-એસી ડબલ-ડેકર બેસ્ટ બસ હવે અધિકૃત રીતે સેવામાંથી નિવૃત એટલે રિટાયર થઈ છે. શુક્રવારે સાંજે નોન એસી ડબલ-ડેકર બેસ્ટ બસે મુંબઈના માર્ગો પર અંતિમ સફર કરી હતી.
દક્ષિણ મુંબઈમાં કેટલાક માર્ગો પર ચાલનારી પાંચ AC બસ પણ હવે શનિવારથી માર્ગો પર જોવા મળશે નહીં. ત્યારબાદ કેટલીક ઓપન-ડેક ડબલ- ડેકર પર્યટક બસો પણ 5 ઓક્ટોબરે બંધ થશે.
આ પ્રસંગે મુંબઈના નાગરિકો ભાવુક થઈ ગયા હતા. બસમાં સફર કરનાર એક યાત્રીએ કહ્યું કે આજે એક ભાવનાત્મક દિવસ છે. મારા બાળપણમાં મારા પિતા મને આ બસમાં લઈને આવતા હતા અને મારી પાસે ડબલ ડેકર બસના 2000થી વધારે મોડલ છે. હું બેસ્ટને આ બસોને સંગ્રહાલય શૈલીમાં રાખવા માટે વિનંતી કરું છું.
BESTએ વર્ષ 2022માં 16 એર-કન્ડિશન્ડ, ઇલેક્ટ્રિક ડબલ-ડેકર બસો શરૂ કરી હતી જેનું કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. આગામી તબક્કામાં વધુ 18 એસી ડબલ ડેકર બસોનો સમાવેશ થશે. આ 18 બસોમાંથી 10 દક્ષિણ મુંબઈમાં તૈનાત કરવામાં આવશે અને બાકીની ઉપનગરોમાં સેવા આપશે.
હાલમાં બેસ્ટ પાસે તેના કાફલામાં ત્રણ હજારથી વધુ સિંગલ-ડેકર બસો છે, જે દરરોજ સરેરાશ 30 લાખથી વધુ મુસાફરોનું વહન કરે છે. મુંબઈની વિશ્વસનીય, તમામ મોસમમાં જીવનરેખા ગણવામાં આવે છે. જુલાઈ 1926માં શહેરમાં બેસ્ટ બસ સેવા શરૂ થયાના 11 વર્ષ પછી વર્ષ 1937માં પ્રથમ વખત અહીં નોન-એસી ડબલ-ડેકર બસો શરૂ કરવામાં આવી હતી.