ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ અને ન્યૂઝીલૅન્ડના મૅચથી થઈ ગઈ છે. વર્લ્ડકપની પ્રથમ મૅચમાં વર્ષ 2019ના વિશ્વકપની બંને ફાઇનલિસ્ટ ટીમોના આ મુકાબલામાં ન્યૂઝીલૅન્ડની ટીમે આક્રમક શરૂઆત સાથે ભવ્ય જીત નોંધાવી છે. જોકે ચર્ચા વધુ એ વાતની થઈ રહી છે કે વન-ડે ક્રિકેટ વર્લ્ડકપની પ્રથમ મૅચ રમાતી હતી છતાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાલી કેમ દેખાતું હતું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે જેમાં એક લાખથી વધુ લોકોના બેસવાની વ્યવસ્થા છે.
પરંતુ ગુરુવારે ન્યૂઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડની મૅચ દરમિયાન સ્ટેડિયમમાં તેની ક્ષમતા કરતા ખૂબ જ ઓછા પ્રેક્ષકો હાજર રહ્યા હોવાની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. સોશિયલ મીડિયામાં ખાલી સ્ટેડિયમની તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી. એટલું જ નહીં ઍક્સ (પહેલાં ટ્વિટર) પર લોકોએ આ અંગે નારાજગી પણ વ્યક્ત કરી હતી કે સ્ટેડિયમ ખાલી પડ્યું છે પરંતુ ઑનલાઇન ટિકિટ વેચાઈ ગયેલી બતાવતું હતું. આ મામલે પૂર્વ ક્રિકેટરથી લઈને ક્રિકેટચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાનો મત વ્યક્ત કર્યો છે.
પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે મૅચ શરૂ થયા પછી થોડીવારમાં જ ટ્વીટ કરીને લખ્યું હતું કે, "આશા છે કે ઑફિસના કલાકો પૂર્ણ થયા બાદ વધુ લોકો ક્રિકેટ મૅચ જોવા આવશે. જો ભારત નથી રમી રહ્યું તો શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓને મફત ટિકિટ આપવી જોઈતી હતી. 50 ઓવરની રમતમાં લોકોનો રસ ઘટી રહ્યો છે. તેનાથી યુવાનોને વર્લ્ડકપ જોવાનો અનુભવ મળશે અને ક્રિકેટરો પણ પ્રેક્ષકો ભરેલા સ્ટેડિયમમાં રમશે."
કમેન્ટેટર ઍડમ કૉલિન્સે ખાલી સ્ટેડિયમનો ફોટો પોસ્ટ કરતા વ્યંંગ કરતા કહ્યું હતું કે, "મૅચ શરૂ થયા પહેલાની પાંચ મિનિટ પહેલા ટિકિટો વેચવાનો નિર્ણય સારો કામ આવ્યો હોય એવું લાગે છે."
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓછા પ્રેક્ષકો
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય કહે છે કે મૅચ બે વાગ્યે શરૂ થઈ હતી અને અમે ત્યાં સાડા ચાર વાગ્યા સુધી હતા અને લોકો આવતા હતા પરંતુ સ્ટેડિયમ એટલું નહોતું ભરેલું જેટલું હોઈ શકતું હતું.
તાપમાન 33-34 ડિગ્રી હતું અને અમદાવાદમાં ગરમી પણ ખૂબ હતી, સ્ટેડિયમની બહાર જ કેટલાક લોકો રોકાયા હતા અને જ્યારે ગરમી ઘટે ત્યારે સ્ટેડિયમમાં પ્રવેશ કરતા હતા.
જોકે ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે અમદાવાદમાં આશરે 30થી 40 હજાર મહિલાઓને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની પ્રથમ મૅચ જોવા માટે મફત ટિકિટ આપવામાં આવી હતી.
અમદાવાદમાં બોડકદેવના ભાજપના ઉપાધ્યક્ષ લલિત વઢવાણે ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું હતું કે મહિલા અનામત બિલ પસાર થયું તેનાથી પ્રેરણા લઈને મહિલાઓને સ્ટેડિયમમાં બોલાવવામાં આવી છે.
તેમણે અખબારને જણાવ્યું કે અમદાવાદથી આશરે 30થી 40 હજાર મહિલાઓને સ્ટેડિયમમાં મૅચ જોવા બોલાવવામાં આવી છે. અમારા કાર્યકરોને નામ મોકલવાનું કહેવામાં આવ્યું હતું અને તેમને આજે( બુધવારે) ટિકિટ આપવામાં આવી હતી. ટિકિટ ઉપરથી આવી છે. 33 ટકા મહિલા અનામત બિલ પસાર થયું છે તેના ઉપલક્ષ્યમાં મહિલાઓને મૅચ બતાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ મહિલાઓ જાતે જ સ્ટેડિયમમાં આવશે અને તેમને ચા અને ફૂડ કૂપન્સ આપવામાં આવશે.
બીજી તરફ ઇન્ડિયન એક્સપ્રેસ પ્રમાણે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું કે, "અમે પાર્ટી સ્તરેથી કંઈ પ્રયાસ નથી કર્યા. જો મહિલાઓ મોટી સંખ્યામાં આવે તો સારું. પરંતુ આ માટે પાર્ટી કોઈ ખાસ પ્રયાસ નથી કરી રહી.
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય અનુસાર આવા પાસ માત્ર 11થી 11.30 વચ્ચે અપાયા હતા. એટલે લોકોમાં ઉત્સાહ ઘટે એ સ્વાભાવિક છે.
ઉપરાંત, તમે સ્ટેડિયમમાં મોબાઇલ અને ઘડિયાળ સિવાય કંઈ ન લઈ જઈ શકો. કેટલાક લોકોનું કહેવું હતું કે ભાજપે માત્ર જેમને પાસ આપ્યા હતા તેમને ચા અને ફૂડ કૂપન્સ આપ્યાં હતાં. પરંતુ ટિકિટ મફત હોય તો પણ પાણીની બૉટલ ખરીદવી પડે જે મોંઘી હોય છે. એટલે કેટલાક લોકો નહોતા આવ્યા.
તેજસ વૈદ્યનું કહેવું છે કે કેટલાક ક્રિકેટચાહકોને આશા હતી કે ઉદ્ઘાટન સમારોહ હશે પરંતુ એવું કંઈ હતું નહીં. કેટલાક પ્રેક્ષકો મહારાષ્ટ્ર સહિત અલગઅલગ રાજ્યોથી આવ્યા હતા તો કેટલાક ન્યૂઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડથી આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડુલકર નામના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું કે "વર્લ્ડકપની પ્રથમ મૅચ માટે અમદાવાદમાં ટિકિટ હજુ ઑનલાઇન ઉપલબ્ધ છે. પરંતુ 80 ટકાથી વધુ બેઠકો ઉપલબ્ધ નથી દેખાતી અથવા વેચાઈ ગઈ છે. આ શું થઈ રહ્યું છે."