ગુજરાતમાં હવે ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને હવે સમગ્ર રાજ્યમાં વરસાદ બંધ થઈ ગયો છે. મોટા ભાગના વિસ્તારોમાં સવારે થોડી ઠંડી અને બપોરની આસપાસ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા દેખાઈ રહી છે અને નવરાત્રીમાં કદાચ કેટલાક દિવસોમાં હવામાનમાં ફેરફાર થાય તેવી શક્યતા છે.
ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં શરૂઆતના બે મહિના સારો વરસાદ પડ્યો, ઑગસ્ટ મહિનો સાવ વરસાદ વિના ગયો અને સપ્ટેમ્બર મહિનામાં કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો તો કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો પડ્યો.
હવે રાજ્યમાં ચોમાસાએ વિદાય લીધા બાદ ચોમાસુ પાકોની લણણીની શરૂઆત થઈ છે અને આવનારા દિવસોમાં રવિ પાકના વાવેતરની શરૂઆત થશે.ગુજરાતમાં હવે નવરાત્રીની શરૂઆત થશે અને એ સમયે જ કેટલાક વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યારે સવારમાં ઝાંકળ અને થોડી ઠંડી સાથે બપોરે ગરમીની સ્થિતિ છે. હાલનો સમય ચોમાસું પૂરું થવાનો અને શિયાળો શરૂ થાય તે વચ્ચેનો ગાળો છે.
હવામાન વિભાગના આંકડાકીય મૉડલ પ્રમાણે રાજ્યમાં 16 કે 17 ઑક્ટોબરની આસપાસ હવામાનમાં ફેરફાર આવી શકે છે અને કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થાય તેવી શક્યતા છે.
17 ઑક્ટોબરની આસપાસ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત તરફ આવે તેવી શક્યતા છે અને તેની અસર ઉત્તર ભારત સહિત રાજસ્થાન અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ થાય તેવી શક્યતા છે. જે બાદ ત્રણ કે ચાર દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરીથી વાદળો દેખાય અને કેટલાક વિસ્તારોમાં ક્યાંક હળવો વરસાદ પડે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.
ભારતની ખાનગી હવામાન એજન્સી 'સ્કાયમેટ'ના મહેશ પલાવતના જણાવ્યા અનુસાર હવે દેશ પર એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. 17 ઑક્ટોબરની આસપાસ આવનારી આ સિસ્ટમની અસર હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાત સુધી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં આની અસર જોવા મળે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે.
હાલ દેશમાં ત્રણ પ્રકારની પરિસ્થિતિ છે, ઉત્તર ભારતમાં બરફ વર્ષા શરૂ થઈ ગઈ છે, પૂર્વોત્તરનાં રાજ્યો તથા દક્ષિણ ભારતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને રાજસ્થાન તથા ગુજરાત સહિત મધ્ય ભારતના વિસ્તારોમાં ગરમી પડી રહી છે.
હિમાલયના વિસ્તારોમાં હવે બરફ વર્ષાની શરૂઆત થશે અને આવનારા દિવસોમાં વધારે વિસ્તારોમાં બરફ પડ્યા બાદ પવનોની દિશામાં પરિવર્તન આવતા દેશના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીની શરૂઆત થશે.
ભૂમધ્ય સાગરમાં જે સિસ્ટમો સર્જાઈને આગળ વધે છે તે હવે ભારત પર આવશે, એટલે કે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત પર આવશે અને એની અસર દેશના અનેક વિસ્તારમાં થશે.
ખાસ કરીને આ સિસ્ટમોની અસર ઉત્તર ભારતમાં જોવા મળે છે પરંતુ જ્યારે આ સિસ્ટમ વધારે મજબૂત હોય ત્યારે તેની અસર ગુજરાત અને મહરાષ્ટ્ર સુધી થતી હોય છે.
આવનારા દિવસોમાં એક મજબૂત સિસ્ટમ ભારત તરફ આવે તેવી શક્યતા છે અને તેના કારણે જમ્મુ-કાશ્મીરથી લઈને ઉત્તરાખંડ સુધીના વિસ્તારોમાં બરફ તથા ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે.