ભારતમાં એક તરફ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે અને બીજી તરફ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બની રહી છે.
ગુજરાતમાં હાલ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે. આવનારા દિવસોમાં પણ હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે કહ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં બનેલી સિસ્ટમો મજબૂત બનીને લૉપ્રેશર એરિયામાં ફેરવાઈ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ આપશે.
જૂનમાં શરૂ થયેલા દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનો આ છેલ્લો મહિનો ચાલી રહ્યો છે અને રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય પણ શરૂ થઈ ગઈ છે અને હવે ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં ચોમાસાની વિદાય શરૂ થશે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે અરબી સમુદ્રમાં કોંકણ અને ગોવાના દરિયાકાંઠે જે સિસ્ટમ સર્જાઈ છે તે હવે લૉ-પ્રેશર એરિયામાં પરિવર્તિત થઈ ગઈ છે. આ સિસ્ટમ હજી પણ વધારે મજબૂત બનીને વેલમાર્ક્ડ લૉ-પ્રેશર એરિયા બનશે. આ સિસ્ટમને કારણે ગોવા, કોંકણ, મહારાષ્ટ્ર, કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અને વેસ્ટર્ન ઘાટના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ થવાની શક્યતા છે.
આ સિસ્ટમ આગળ વધીને ગોવા-કોંકણના દરિયાકાંઠે જ વિખેરાઈ જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે એટલે કે ગુજરાત તરફ આવે તેવી શક્યતા દેખાતી નથી.
હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે આ સિસ્ટમની અસર ગુજરાત પર થાય તેવી શક્યતા નથી અને તેના કારણે રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધે તેવી પણ શક્યતા જણાતી નથી.
તાજેતરમાં જ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ વધારે મજબૂત બનીને ગુજરાતની પાસે રાજસ્થાન પરથી થઈને પસાર થઈ હતી અને તેના લીધે ખાસ કરીને પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ પણ વધારે મજબૂત બનીને વેલમાર્ક્ડ લૉપ્રેશર એરિયા બનશે અને તે પણ ઘણા વિસ્તારોમાં અસર કરશે.
બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમ ભારતના ભૂ-ભાગો પર આવીને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે એટલે કે તેની વધારે અસર ઉત્તર અને ઉત્તરપૂર્વના કેટલાક વિસ્તારોમાં થાય તેવી શક્યતા છે.
જોકે, આ સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતા નથી અને આ સિસ્ટમ મધ્ય પ્રદેશ ઉપર પણ આવે તેવી શક્યતા ખૂબ ઓછી છે જેના લીધે રાજ્યમાં ફરીથી વરસાદ વધવાની હાલ શક્યતા દેખાતી નથી.
ગુજરાતમાં હજી બે કે ત્રણ દિવસ સુધી વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે અને કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થાય તેવી શક્યતા છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હજી બે-ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ છવાયેલો રહે તેવી શક્યતા છે અને ત્યારબાદ વરસાદનું પ્રમાણ ઘટે તેવી શક્યતા છે.
ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ડાંગ, તાપી સહિતના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થાય તેવી શક્યતા છે.
કચ્છ, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં હવે વરસાદની શક્યતા ખૂબ ઓછી થઈ ગઈ છે અને ચોમાસાની વિદાયનો સમય આવી ગયો છે.
સામાન્ય રીતે રાજસ્થાનમાં ચોમાસાની વિદાયની શરૂઆત થાય તેના એકાદ અઠવાડિયામાં ગુજરાતમાંથી પણ ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે.
ભારતમાં ચોમાસાની વિદાયની અધિકારીક તારીખ 17 સપ્ટેમ્બર છે પરંતુ આ વર્ષે ચોમાસાની વિદાય એકાદ અઠવાડિયું મોડી થઈ છે. આ વર્ષે 25 સપ્ટેમ્બરના રોજ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે.