ગુજરાત આ વર્ષે જૂન માસમાં જ ‘બિપરજોય’ વાવાઝોડાની વિકટ પરિસ્થિતિમાંથી પસાર થયું હતું.
ભારતીય હવામાન વિભાગ અનુસાર બિપરજોય વર્ષ 1977 બાદનું સૌથી લાંબા ગાળા સુધી ચાલેલું ‘સાયક્લોનિક સ્ટોર્મ’ હતું.
13 દિવસ ત્રણ કલાક સુધી ચાલેલા આ વાવાઝોડાએ અરબેયિન સાગરમાં સર્જાયા બાદ કુલ નવ વખત પોતાનો રૂટ બદલ્યો હતો. જેના કારણે હવામાનશાસ્ત્રીઓને તેના રૂટ અંગે આગાહી કરવામાં અતિશય મુશ્કેલી પડી હતી.
વાવાઝોડા અને હવામાન અંગે થયેલાં સંશોધનોમાં હવે સામે આવ્યું છે કે માત્ર વાવાઝોડાની તીવ્રતા જ નહીં પરંતુ તેનાં નિર્માણ અને જીવનકાળ જેવી બાબતોમાંય ભારે બદલાવ જોવા મળી રહ્યા છે.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે સમુદ્રની પૅટર્નમાં બદલાવ અને વાતાવરણીય વૉર્મિંગને કારણે પૂર્વ અરેબિયન સાગરમાં સર્જાતાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંની તીવ્રતા અને સંખ્યામાં વધારો થશે. નોંધનીય છે કે આ સાગરને કાંઠે પશ્ચિમ ભારતના ગુજરાત સહિતનાં રાજ્યો વસેલાં છે.એક નવા સંશોધનમાં ખબર પડી છે કે જળવાયુ પરિવર્તનને કારણે 80ના દાયકાથી શક્તિશાળી ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંના સમયમાં દર દાયકામાં ચાર દિવસ વહેલાં આવી રહ્યાં છે.
નોંધનીય છે કે ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં અતિ શક્તિશાળી હોવાની સાથોસાથ વિનાશક અસરવાળાં પણ હોય છે.
હવાઈ વિશ્વવિદ્યાલય, સધર્ન યુનિવર્સિટી ઑફ સાયન્સ અને અન્ય કેટલાંક મહત્ત્વપૂર્ણ સંસ્થાનો દ્વારા આ સંશોધન કરાયું હતું, જેનાં પરિણામો આંતરરાષ્ટ્રીય જર્નલ નૅચરમાં પ્રકાશિત કરાયાં હતાં.
સંશોધનનાં પરિણામોમાં થયેલી નોંધ અનુસાર ઉષ્ણકટિબંધીયની વિનાશક અસરોનો સામનો કરવા માટે ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંના વલણમાં આવતા ફેરફારોની સમજ કેળવવાનું જરૂરી બની જાય છે.
સંશોધનનાં પરિણામો અનુસાર ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં બનતાં તીવ્ર ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં સામાન્ય કરતાં જલદી સર્જાવાનું વલણ જોવા મળ્યું હતું.
આ અભ્યાસ માટે વર્ષ 1981-2017 સુધીના ઉષ્ણકટીબંધીય વાવાઝોડાંના ડેટાનું વિશ્લેષણ કરાયું હતું.
પરિણામો અનુસાર પ્રતિ દાયકા દીઠ તીવ્ર ઉષ્ણકટિબંધીય વાવાઝોડાં સામાન્ય કરતાં 3.7થી 3.2 દિવસ જલદી સર્જાતાં થયાં છે.
જો ઉષ્ણકટિબંધીય વાવાઝોડાની વાત કરીએ તો સામાન્યપણે આ વાવાઝોડાં અરેબિયન સાગરમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાની શરૂઆતમાં એટલે કે માર્ચ અને જૂનમાં તેમજ ચોમાસાના અંત બાદ એટલે કે ઑક્ટોબર-ડિસેમ્બરમાં સર્જાતાં હોય છે.
સાયન્ટિફિક રિપોર્ટ્સમાં છપાયેલા અભ્યાસના સહલેખક એસ. અભિલાષે કહ્યું હતું કે, “જો બધા કુદરતી સંજોગો તરફેણમાં હોય તો અરેબિયન સાગરની સપાટી વધુ ગરમ થવાને કારણે ઉત્તર હિંદ મહાસાગરમાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંની તીવ્રતા અને સંખ્યામાં વધારો થઈ શકે.”
જ્યારે સમુદ્રનો એક ભાગ બીજા ભાગ કરતાં વધુ ગરમ થઈ જાય ત્યારે અલ નીનો જેવી પરિસ્થિતિ સર્જાય છે. આ પરિબળોને કારણે દરિયાની સપાટી વધુ ને વધુ ગરમ થાય છે.
અભિલાષના મતે માનવસર્જિત પરિસ્થિતિઓને કારણે સર્જાયેલી ક્લાઇમેટ ચેન્જની સ્થિતિને કારણે વાવાઝોડાંની સંખ્યા અને તેની તીવ્રતામાં વધારો નોંધાયો છે.
તેઓ કહે છે કે, “તાજેતરમાં અરબેયિન સાગરમાં ચોમાસા બાદ જોવા મળેલાં વાવાઝોડાંની ઍક્ટિવિટીનું કારણ મુખ્યત્વે માનવસર્જિત અસર છે ના કે કુદરતી પરિબળો.પશ્ચિમ અરબ સાગરમાં થતા ફેરફારોને કારણે ભારતના પશ્ચિમ કાંઠા પર સતત જોખમ તોળાઈ રહ્યું છે.
વાવાઝોડાની તીવ્રતામાં વધારો થતાં ભારે ઝડપથી ફૂંકાતો પવન અને ભારે વરસાદની સંભાવના વધી જાય છે.
આ પરિસ્થિતિઓને કારણે ભારતના પશ્ચિમ વિસ્તારના તિરુવનંતપુરમથી ગુજરાતના દરિયાકાંઠાના ભારે વસતીગીચતાવાળા પ્રદેશો પર વધુ જોખમ તોળાઈ રહ્યું છે.
અભિલાષે કહ્યું, “અરેબિયન સાગરમાં આવું આપણને ક્યારેય નથી જોવા મળ્યું. પરંતુ આપણે હજુ આ વલણો અંગે વધુ અભ્યાસ કરવાની જરૂર છે. આની પરંપરાગત રીતે દરિયાકાંઠે વસતા લોકો પર જરૂર અસર પડશે.”