24 જુલાઈ, 1991ના દિવસને ભારતની આર્થિક આઝાદીનો દિવસ કહીએ તો ખોટું નહીં ગણાય. ત્રીસ વર્ષ પહેલાં 24 જુલાઈએ રજૂ થયેલું બજેટ ભારતમાં એક મુક્ત અર્થતંત્રનો પાયો નાખનારું ગણાય છે.
ભારતના નિયંત્રિત અર્થતંત્રમાં બધા નિર્ણયો સરકાર જ કરતી હતી. સરકાર નક્કી કરતી હતી કે કઈ ચીજવસ્તુનું કેટલું ઉત્પાદન કરવામાં આવે. તેના માટે કામદારો કેટલા જોઈએ અને તેની કિંમત શું હોવી જોઈએ.
આ સિસ્ટમને 'લાઇસન્સ પરમિટ રાજ'ના નામથી ઓળખવામાં આવતી હતી.
તેની સામે મુક્ત અર્થતંત્રમાં ખાનગી કંપનીઓને મોકળાશ આપવાનો નિર્ણય લેવાયો. ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહન, સરકારી રોકાણમાં ઘટાડો અને મુક્ત બજારને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લેવાયો હતો.
• ત્રીસ વર્ષ પહેલાં ભારતે મુક્ત અર્થતંત્રના માર્ગે આગળ વધવા માટે આર્થિક સુધારાની અનેક યોજનાઓની જાહેરાતનો સમાવેશ 24 જુલાઈ, 1991ના બજેટમાં કરાયો હતો.સ્થાનિક બજારમાં કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધારવાની જાહેરાત
• લાઇસન્સ રાજનો અંત, કંપનીઓ પરના ઘણા પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા
• બજેટમાં આયાત-નિકાસ નીતિમાં ફેરફારની શરૂઆત થઈ, જેનો ઉદ્દેશ આયાત લાઇસન્સમાં છૂટછાટ અને નિકાસને વધારવાનો હતો
• બજેટમાં વિદેશી મૂડીરોકાણનું સ્વાગત કરાયું અને જણાવાયું કે સીધા વિદેશી મૂડીરોકાણથી રોજગારી ઊભી થશે
• બજેટમાં સોફ્ટવૅરની નિકાસ માટે આવકવેરા અધિનિયમની કલમ 80HHC હેઠળ ટૅક્સમાં છૂટની જાહેરાત
આ મહત્ત્વના બજેટને આધુનિક ભારતના ઇતિહાસમાં આવેલાં અગત્યનાં પરિવર્તનોમાંનું એક ગણવામાં આવે છે.
તે માટેનું શ્રેય તે વખતના વડા પ્રધાન નરસિંહ રાવ અને તેમના નાણામંત્રી ડૉક્ટર મનમોહન સિંહની જોડીને આપવામાં આવે છે.
મનમોહન સિંહે આ બજેટ રજૂ કરતી વખતે ફ્રાંસના વિચારક વિક્ટર હ્યૂગોના શબ્દો સંસદમાં ટાંક્યા હતા કે, "જેનો સમય આવી ગયો હોય તે વિચારને ધરતી પર કોઈ રોકી શકે નહીં."
મનમોહન સિંહના કહેવાનો ભાવ એ હતો કે ભારત એક અગ્રણી આર્થિક મહાસત્તા તરીકે ઊપસી આવે તેવા વિચાર કરવા માટેનો સમય આવી ગયો છે અને તેને હવે કોઈ રોકી શકે તેમ નથી.
મનમોહન સિંહે ભલે આત્મવિશ્વાસથી ભરપૂર આ શબ્દો કહ્યા, પરંતુ તેનાથી વિપરીત આર્થિક સુધારા કરવા એ ભારત માટે મજબૂરી પણ હતી, કેમ કે દેશ પોતાના ઇતિહાસના સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો.
પ્રસારભારતીના ભૂતપૂર્વ ચૅરમૅન સૂર્યપ્રકાશ તે વખતે 'ઇન્ડિયન એક્સપ્રેસ' અખબારમાં સિનિયર પત્રકાર હતા.
બીબીસી સાથે વાતચીત કરતાં કહે છે, "મને લાગે છે કે તે એક મજબૂરી હતી પણ કોઈ રાષ્ટ્રના જીવનમાં મજબૂરી આવે ત્યારે તે એક પડકાર હોય છે. તે પડકારનો સ્વીકાર આપણે કરીએ તો પરિવર્તન અને પ્રગતિ તરફ જઈ શકીએ છીએ."
"1991નું સંકટ એવું જ એક સંકટ હતું. બીજું એ કે આ દેશનું એ સૌભાગ્ય હતું કે નરસિંહ રાવ જેવા વરિષ્ઠ નેતા વડા પ્રધાન તરીકે હતા. તેમણે બહુ સમજી વિચારીને જે પગલાં લીધાં તેના કારણે દેશની દશા અને દિશા બધું જ બદલાઈ ગયું."