એશિયન ગેમ્સનો આઠમો દિવસ ભારત માટે અતિ મહત્ત્વનો સાબિત થયો છે. ગઇ કાલે ભારતને એક જ દિવસમાં ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા છે.
અવિનાશ સાબલેએ પુરુષોની 5 હજાર મીટર સ્ટીપલચેઝ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ એશિયન ગેમ્સમાં ટ્રેક ઍન્ડ ફીલ્ડ ઇવેન્ટમાં આ ભારતનો પહેલો ગોલ્ડ મેડલ છે.
ત્યારબાદ ગોળાફેંકની રમતમાં ભારતના તેજિન્દરપાલસિંહ તૂરે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પહેલાં તેમણે 2018ની જાકાર્તા એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
એ પહેલા ટ્રેપ શૂટિંગમાં ભારતીય ટીમમાં સામેલ પૃથ્વીરાજ ટોન્ડઈમન, ક્યાનન ચેનાઈ અને જોરાવરસિંહ સંધુએ ગોલ્ડ મેડલ જીતવાની સાથે જ આ રમતનો રેકૉર્ડ પણ તોડી નાખ્યો છે. આ ખેલાડીઓએ 361નો સ્કોર હાંસલ કર્યો હતો.
ટ્રેપ શૂટિંગની ટીમ ઇવેન્ટમાં મહિલાઓએ સિલ્વર મેડલ જીત્યો હતો.
મહિલા ટીમનાં સભ્યો રાજેશ્વરીકુમારી, મનીષા કીર અને પ્રીતિ રજકે મળીને 337 સ્કોર નોંધાવ્યો હતો.
જેમની પાસેથી ગોલ્ડ મેડલની આશા હતી એ ભારતીય બૉક્સર નિખત ઝરીન સેમિફાઇનલમાં જ હારી જતા અપસેટ સર્જાયો છે.
ભારતે અત્યાર સુધીમાં 13 ગોલ્ડ, 19 સિલ્વર અને 19 બ્રૉન્ઝ સાથે કુલ 51 મેડલ જીત્યા છે અને મેડલ ટેલીમાં ચોથા સ્થાને છે.
ચીન મેડલ જીતવામાં સૌથી ઉપર છે. તેણે અત્યાર સુધીમાં 126 ગોલ્ડ, 71 સિલ્વર અને 38 બ્રૉન્ઝ સહિત કુલ 235 મેડલ જીત્યા છે
ભારતીય ગોલ્ફર અદિતિ અશોકે એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે.
અદિતિ ગોલ્ફમાં મેડલ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યાં છે.
અદિતિ ગોલ્ડ મેડલના પ્રબળ દાવેદાર મનાતાં હતાં પરંતુ તેમનો એક રાઉન્ડ ખરાબ રહ્યો હતો.
તેમને 16મા હોલમાં ડબલ બોગી મળી અને ગોલ્ડ જીતવાની તક તેમના હાથમાંથી જતી રહી. આ પહેલાં ઑલિમ્પિકમાં પણ તેમના પ્રદર્શનથી તેમણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.